રવિવાર, 29 નવેમ્બર, 2020

"હેલો.. હું આરોગ્યભવનથી બોલું છું.."

"હેલો.. હું આરોગ્યભવનથી બોલું છું.."

************

હાલ કોવિડ-૧૯ અંતર્ગત આરોગ્ય ભવન ખાતે  કામગીરી ચાલુ છે. પેશન્ટને ગવર્નમેન્ટ કોલિંગ કરવાનું કામ છે. રોજનાં પોઝિટિવ આવેલાં વ્યક્તિઓને કોલિંગ કરીને કરંટ હેલ્થ સ્ટેટ્સ, સ્ટીકર, હોસ્પિટલનું નામ સહિતની આઠેક કોલમની ડિટેલ્સ ભરવાની હોય છે. દિવાળી અને બેસતાંવર્ષ જેવાં તહેવારના દિવસો અને રવિવાર સહિત એકેય દિવસની રજા મળ્યા વગર લોકોને ફોન કરવાની આ કામગીરી ખરેખર શારીરિક અને માનસિક બંને રીતે થકવી દેનારી છે.. કેમ કે ફોન સાથે અને અવનવી પ્રકૃતિ ધરાવતા લોકો સાથે ડીલ કરવાનું છે! રોજના આશરે ૧૫૦ થી ૨૦૦ (અત્યારસુધીનો સૌથી મોટો આંકડો ૨૧૭!! જો કેસ વધે તો આ આંકડો પણ વધી શકે!!) વ્યક્તિઓને કોલ કરવામાં પાંચથી છ કલાક અને ક્યારેક તો સાત કલાક પણ સતત કોલિંગ ચાલે છે. ફોનના ખતરનાક વેવ્સ   સ્વભાવે ચીડિયાપણું લાવવા કાફી છે..!! ..અને લોકોનાં અવનવાં જવાબો અને વાતો મારાં જેવાં સેન્સિટિવ વ્યક્તિઓને ચોક્કસ માનસિક અસર કરે, જાડી ચામડીવાળા હોય તો કોઈ ફરક ન પડે! કામ પૂરું થયા પછી એકાદ-બે કલાક કોઈ ન બોલાવે તો મજા પડે એવું ફીલ થયાં કરે!!

આટલાં દિવસોથી આ ગવર્નમેન્ટ કોલિંગનું કામ કરવાનાં અનુભવથી લોકોનાં વર્તન બાબતે મનમાં કેટલીક ધારણાઓ બંધાઈ છે.. જે ૭૦% સુધી હવે સાચી પડે છે!

(૧) ભગવાનની કોલર ટ્યુન ધરાવતાં ૬૦% લોકો એક જ વખતનાં કોલથી ફોન રિસીવ નથી કરતાં.. એવરેજ ત્રણ વખત કોલ કરવો પડે છે..અને બાકીનાં ૪૦% લોકોએ બધું ભગવાન પર જ છોડી દીધું હોય છે.

(૨) ૫૦% થી વધુ કોલિંગ ૪૦-૬૦+ ની આસપાસની વયનાં લોકોનું છે. 

(૩) મોટેભાગે દિવસનાં પહેલાં પાંચમાંથી ત્રણ કોલ કાં તો ઇનવેલીડ હોય છે, કાં તો કોઈ ઉપાડતું નથી, કાં તો વ્યસ્ત હોય છે અને કાં તો રોંગ નંબર હોય છે. (મરફી નો લૉ, અહીં પણ કામ કરે છે.. જો કોલ રિસીવ થાય તો લાગટ રિસીવ થાય.. અને ના થાય તો લાગટ ન થાય!!)

(૪) ૭૦ થી ૮૦% લોકો સારી રીતે વાત કરે છે, પણ બાકીનાં લોકોનું વર્તન એટલું બેહૂદુ હોય છે કે જાણે મારે અને એમને બાપે માર્યા વેર ના હોય!!??

(૫) આશરે ૧૦% મો.નં. રોંગ નં હોય છે.. અને આ ૧૦% લોકોમાંથી ૫૦% લોકો એટલી અસભ્ય અને ગંદી ગાળો સુધ્ધા આપી દેતાં હોય છે, કે મારે તરત જ ફોન મૂકી દેવો પડે! વળી ધમકી ય આપે! (આરોગ્ય ભવનનું સિયુજી સિમકાર્ડ છે. વળી હું પોતે સરકારી કર્મચારી.. અને એથીય વધુ મારો સ્વભાવ આવાં ગાળો આપતાં અને અસભ્ય વાતો કરનારાં લોકોને વળતો જવાબ આપવા સક્ષમ હોવા છતાં આવાં લોકોને હું કોઈજ જવાબ આપ્યા વગર ફોન જ મૂકી દઉં છું.)

(૬) પેશન્ટના રોંગ મો. નં. છેક આસામ, આંધ્ર પ્રદેશ પણ લાગતાં હોય છે.. ઓડિસી, આસામી, કન્નડ, તમિલ, તેલુગુ કે મલયાલમ જેવી ભાષાઓ મને એકસરખી જ લાગતી હોય એટલે એ લોકો શુ બોલે એ ન સમજાય, એટલે સૌથી ખરાબ અનુભવ (હિન્દી ભાષા સમજી શકવાને કારણે) યુપી-રાજસ્થાન-એમપી અને આપણાં ગુજરાતનાં હોય એવું લાગે!

(૭) સૌથી સરસ રીતે વાત મિલિટરી હોસ્પિટલમાં દાખલ આપણાં સૈનિકો/આર્મીવાળા કરે છે. 

(૮) મને ડોક્ટર સમજીને રડી-રડીને પોતાની અને રિલેટિવની ચિંતા કરનારા લોકો ઓછાં નથી. મને એમની ચિંતા એમની વાતોમાંય દેખાય છે, અને હું એમની ચિંતા દૂર કરવા એમની સાથે વધુ સારી રીતે વાત કરવા સિવાય બીજું કશું કરી શકતો નથી.

(૯) બીએસએનએલ, એઝ યુઝવલ, સક્ષમ હોવાં છતાં મોટેભાગે આઉટ ઓફ કવરેજ રહે છે. (કોલિંગ વખતે ટું.. ટું.. થયા કરે!!)

(૧૦) ૨૦-૨૫ વર્ષની મોટાભાગની યુવતીઓ ખૂબ જ 'લેઝી' રીતે ઊંઘમાંથી ઉઠી હોય એવી રીતે જ જવાબ આપે, જ્યારે આટલી જ ઉંમરનાં મોટાભાગનાં યુવાનો મને ગુસ્સામાં પૂછે કે, ''હું કેવી રીતે પોઝિટિવ આવ્યો?? મને તો શરદી-ખાંસી કાંઈ નથી.''

(૧૧) "મારો પોઝિટિવ-નેગેટિવ વાળો રિપોર્ટ મને નથી મળ્યો, મારે ક્યાંથી લેવાનો??" આ સવાલ સૌથી વધુ લોકો પૂછે છે.

(૧૨) ડોસા/ડોશીમાંથી કોઈ એક હોસ્પિટલમાં દાખલ થયાં હોય તો ઘરમાં એકલાં પડી ગયેલાં ડોસા/ડોશી બીજાની ખૂબ જ ચિંતા કરે, અને એવાં સવાલો પૂછે કે આપણે એમની વાતોમાં એકબીજા પ્રત્યેનો પ્રેમ અનુભવી શકીએ.

(૧૩) મોટાં-મોટાં હોર્ન/વાહનો અને બજારમાંથી આવતા અવાજો ફોન પર સંભળાતા હોવાં છતાં એવું કહેવાવાળા ઓછાં નથી કે, "હું તો ઘરે હોમ કોરાંટાઇન છું.. ઉપરનાં માળે!!"

(૧૪) "ઓ સાહેબ.. મારાં ઘરે કોઈ સ્ટીકર-વિકર લગાવવા આવતાં નહિ હોં.. આજુબાજુવાળા/મકાનમાલિક અમને રહેવા નહિ દે. પછી અમારે ક્યાં રહેવા જવું??"

(૧૫) પીજી હોસ્ટેલનું સરનામું ધરાવતા ૬૦ થી ૭૦% ડૉ. મોબાઈલ ધારકો ફોન ઉપાડતા નથી અથવા તો ઇનવેલીડ હોય છે. ડૉ. હોય તેવાં મોબાઈલ નં. ધારકો કોઈ હોટલમાં આઇસોલેટ હોય તો તરત જ ફોન ઉપાડે છે.

(૧૬) "હું મીડિયામાં છું.. હું લોકલ પોલિટીશિયનને ઓળખું છું.. હું આ ડોક્ટરને ઓળખું છું/પોતે જ ડોકટર છું.. હું વિદેશમાં હતો/જવાનો છું." આ ટાઇપની ઓળખ આપી "મારાં ઘરમાં હજુ કોઈ ડોકટર આવ્યા નથી/સેનિટાઈઝ કરવા આવ્યા નથી/હોસ્પિટલમાંથી કોઈ માહિતી મળતી નથી.." ની ફરિયાદ પણ કરતાં હોય છે. 

(૧૭) ૫૦% થી વધુ લોકો શોર્ટ એન્ડ સ્વીટ એકદમ સભ્યતાથી ફોન પર વાત કરે છે. જ્યારે અમુક કારણ વગર તાણી-તુસીને ચોળીને ચીકણું કરી રાઈનો પહાડ બનાવી 'બધું જ સ્ટેબલ છે' એવું કહે!!

(૧૮) "મારાં .....(રિલેટિવ) મરી ગયા પછી તમે ફોન કરો છો??" એવું ગુસ્સાથી બોલવાવાળા ઓછાં નથી. (એકે તો એવું કહેલું કે.. "તમે બધાંએ ભેગાં મળીને મારી માં ને મારી નાંખી.. હું તમારાં બધાં પર કેસ કરવાનો છું.")

(૧૯) "આજના જ દિવસે મને આ બાબતે પૂછવાવાળા તમે ચોથા/પાંચમા વ્યક્તિ છો.. એટલે બસ મારે બધાને આ જ કહે-કહે કરવાનું??" ..અને આનો બિલકુલ વિરોધાભાસ.. "મારા એક રિલેટિવ માટે તમે ચાર-પાંચ લોકો પૂછપરછ કરો છો.. જોરદાર કહેવાય.. બહુ સરસ.." આવાં બે પ્રકારના સ્ટેટમેન્ટ બેક ટુ બેક સાંભળવા પણ મળ્યા છે/મળે છે.

(૨૦) હજુ કૈક રહી જ જતું હશે, જે જ્યારે અનુભવાશે ત્યારે કોમેન્ટમાં લખતો રહીશ.. 

************

24×7 હેલ્પલાઈનમાં અને કોલ સેન્ટરમાં કામ કરતાં લોકો પ્રત્યે સહાનુભૂતિ કેળવી શકું છું. ક્યારેક કોઈ વાતે મારાં તરફથી એમને જો કોઈ વાતે અપમાન થયું હોય તો એવાં અજાણ્યા લોકો મને માફ કરે એવી ઈશ્વરને પ્રાર્થના કરું છું.

લ.તા. 29.11.20

https://m.facebook.com/story.php?story_fbid=3441372419304296&id=100002947160151