સોમવાર, 29 જુલાઈ, 2019

*શિષ્યવૃત્તિ* (આર્તનાદ ભાગ ૨)

*શિષ્યવૃત્તિ*
(આર્તનાદ ભાગ ૨)

 *અહીં ખાસ નોંધ લેશો કે સદામને નિમિત્ત બનાવી મેં સમગ્ર વાલીવર્ગ અને શિક્ષકવર્ગની વેદના વર્ણવી છે. કારણ કે આવું કદાચ આખા ગુજરાતના બાળકો અને વાલીઓ સાથે થતું જ હશે, એમાં કોઈ શંકા નથી!!*

*****

"લો, આ બોનફાઇડ લઇ જાઓ, અને સદામનું આધારકાર્ડ બનાવવાનું છે. ગામની ઝોનલ ઓફિસે ૨૫-૩૦ રૂપિયા લેશે અને તમને બનાવી આપશે." મેં ધોરણ ૧ માં નવા દાખલ થયેલા સદામની મમ્મીને કહ્યું.

"ઇતને મેં બન તો જાયેગાના?? કિ જ્યાદા પૈસે લગેન્ગે??" રોજ માત્ર ૨૦૦-૩૦૦ કમાતા હોય અને ૭-૮ સભ્યોવાળા પરિવારનું માંડ ઘર ચાલતું હોય એવા સદામના મમ્મી પૈસાની ચિંતા કરી આવો સવાલ પૂછે એ સ્વાભાવિક હતું.

"ઇતને હી લેંગે.. અગર આપ પ્રાઇવેટમેં બનાઓગે, તો જ્યાદા પૈસે લગતે હૈ." મેં એમને થોડું ચિડાઈને કહ્યું, કારણ કે ધો.૧ ના મારા વર્ગમાં કુલ ૬૦ બાળકોમાંથી લગભગ ૮૦℅ બાળકોના આધારકાર્ડ અને બેંક એકાઉન્ટના ફોર્મ ભરીને મારે એમને આપવાના હતા. અત્યારે હું પોતે લગભગ ૪-૫ વાલીઓથી ઘેરાયેલો હતો.

"નઈ, ઉસમેં ક્યાં હૈ? મેરે તીન બચ્ચે યહાઁ પઢતે હૈ.. સબકે આધારકાર્ડ નિકલવાને કે હૈ.. તો ખબર પડે ને, કિ કિતને પૈસે લગેન્ગે.. ઇસલિયે પુછા." સદામની મમ્મીએ ચોખવટ કરી.

"સુબહ જલ્દી જાના.. ઝોનલ ઑફિસમેં રોજ કે સિર્ફ ૩૦ લોગો કે હી આધારકાર્ડ નિકલતે હૈ.. ઔર હા, સદ્દામ કો સાથ લેતે જાના, ઉસકી ઉન્ગલીઓકી છાપ લગેગી." મેં જરૂરી સૂચનાઓ ઝડપથી આપી એમને રવાના કર્યા.

ગામડાઓમાં સરકારીશાળા જ સર્વસ્વ હોય, એટલે મોટા-નાના બધા એ જ શાળામાં ભણે! (જો કે ગામડામાં પણ હવે તંત્રની મહેરબાનીથી ખાનગી શાળાનું દુષણ ઘુસી ચૂક્યું છે!) પણ શહેરોમાં દર એક કિલોમીટરે દુકાનોમાં પણ ખાનગી શાળાઓ ચાલતી હોય છે! વળી, આવી શાળાઓ 'દેખાડામાં' માનતા અને 'કહેવાતા' સમૃદ્ધ હોય એવા બાળકોને જ એડમિશન આપે, એટલે અભણ અને મજૂર વર્ગમાંથી આવતા જેમને મન 'રોજની કમાઈ'નું વધુ મહત્વ છે, એવાં વાલીઓ પોતાના બાળકોને સરકારી મ્યુનિસિપાલીટી સ્કૂલમાં દાખલ કરતા હોય છે. (સમૃદ્ધ અને સાક્ષર વાલીઓના બાળકોના એડમિશન મ્યુનિસિપલ સરકારી શાળામાં એવરેજ માત્ર ૨% થી ૧૦℅!!)
*****

૨ દિવસ પછી સદ્દામ શાળાએ આવ્યો! મેં પૂછ્યું, "ક્યાં હતો ૨ દિવસ??"

"વો આપને જો કાગઝ દીયેલા ને.. આધારકાર્ડ કે લીયે.. વહાં ગયેલે.." સદામની મમ્મીએ કહ્યું.

"બન ગયા આધારકાર્ડ?? વો પ્રિન્ટ લાયે?" એક બાળકનું આધારકાર્ડ બન્યાના ઉત્સાહમાં મેં પૂછ્યું.

"નહીં.. દો દિન સલિંગ ગયે, લેકિન વહાં બહોત બડી લંબી લાઈન લગતી હૈ.. ઔર ફિર ઇસકે પપ્પાકો ભી સુબહ કામ પે જાના હોતા હૈ.. તો એક દિન મૈને ભી કામ પે રજા રખ્ખી.. લેકિન વહાં વો બોલતે હૈ, પુરાવા લાઓ.. અબ પુરાવા કહાં સે લાએ.. હમ તો ભાડે સે રહેતે હૈ.."

"..તો ભાડા કરાર બનવા લો ના." મેં કહ્યું.

"અબ મકાનમાલિક કહાં ભાડા કરાર કરને દેતે હૈ? માન લો કર ભી દિયા, તો ફિર ૧૧ મહિને મેં મકાન ખાલી કરના પડતા હૈ.. વારેઘડીએ મકાન ખાલી કરને મેં બહોત તકલીફ પડતી હૈ.."

"પ્રાઇવેટમે બનવા લો.." મેં કહ્યું.

આ વાતચીત ચાલતી હતી એ દરમિયાન એક વાલીએ તરત જ કહ્યું, "પાંચસો રૂપિયે લેતે હૈ પ્રાઇવેટવાલે! આપકો તો સિર્ફ બોલના હૈ.. લેકિન ૨-૩ બચ્ચે હો તો એક-દો હજાર કહાં સે લાયે??"

હું ચૂપ થઈ ગયો!

થોડીવાર પછી મેં ધીમેથી કહ્યું, "કુછ ભી કરો, આધારકાર્ડ ઔર બેંક એકાઉન્ટ નહીં હોગા તો શિષ્યવૃત્તિ કે પૈસે નહીં આયેંગે."
******

૧૫-૧૬ દિવસ પછી સદામના મમ્મી સદામનું આધારકાર્ડ લઈને હાજર થયા! મેં પૂછ્યું, "કૈસે નિકલા?"

"૨૦૦૦ રૂપયે લગ ગયે.. તીન બચ્ચો કા આધારકાર્ડ નિકલવાને મેં..!"

સદામની મમ્મીની આંખોમાં પોતાની 'રોજની કમાઈ'ના અમુક દિવસો પડ્યા, અને અંદાજે ૨૦૦૦ રૂપિયાથી ઘરમાં જે ખાડો પડ્યો, એની વેદના સ્પષ્ટ દેખાય છે!! (સાચું કહું તો એક શિક્ષક તરીકે જ્યારે હું આવી વેદનામયી આંખો કે ચહેરો જોઉં છું, ત્યારે મને સરકાર અને તંત્ર પર ગુસ્સો આવે છે. એ લોકો આવા નાના માણસોનો બિલકુલ વિચાર નહીં કરતા હોય?!! આ ફરિયાદ તો ઈશ્વરને પણ છે!!)

"અબ બેંક એકાઉન્ટ ભી ખુલવા લો.. શાયદ યહાં પૈસે નહીં લગેન્ગે. તુમ્હારા એક ફોટો ઔર સદામ કે દો ફોટો લગેન્ગે." મેં કહ્યું.

"સદામ કે ફોટો પડવાને પડેન્ગે.. દો દિન બાદ દૂગી"
*******

બે દિવસ પછી સદામના મમ્મીએ મને ફોટા આપ્યા એટલે મેં એમને 'ઝીરો' પૈસાથી બેંક એકાઉન્ટ ખુલે એનું ફોર્મ ભરી આપ્યું. બે દિવસ પછી એ પાછા મારી પાસે આવ્યા..

"આપ તો બોલતે થે કુછ પૈસે નહીં લગેન્ગે, વો બેંકવાલે ખાતા ખુલવાને કે લિયે ૧૦૦૦ રૂપયે માંગતે હૈ.. અબ મૈં હજાર રૂપયે કહાં સે લાઉ??"

હું શોકડ થઈ ગયો! તરત જ એ બેનને અમારા આચાર્ય  પાસે લઈ ગયો. મેં આખી બીના જણાવી એમને કહ્યું, "હવે આ બેનને ત્રણ બાળકો છે, તો ખાતા ખોલાવવા માટે ૩૦૦૦ રૂપિયા ક્યાંથી લાવે બોલો??"

અમારા આચાર્યબેન તંત્રએ માંગેલા 'આંકડાઓમાં' વ્યસ્ત હતા! એ બોલ્યા, "જેટલું થાય એટલું કરો."

મેં સદામની મમ્મીને કહ્યું, "ખાતું ખૂલે તો ખોલાવો.. ના ખુલે તો વાંધો નહીં." (બેંકવાળાઓને દંડવાવાળું કોઈ જ નથી!! અંધેરી નગરી છે આ!! હદયનો આર્તનાદ છે આ!!)
******

શિષ્યવૃત્તિનું ખાતું 'ઝીરો' પૈસાથી ખોલવાનું હોવા છતાં આ બેંકવાળાઓ જે રીતે નાના માણસોને હેરાન કરે છે, એ અસહ્ય છે. જ્યારે બાળક પાસે આધારકાર્ડ કે બેંક એકાઉન્ટ નથી હોતું, ત્યારે એક પણ અધિકારી એ સાંભળવા તૈયાર નથી કે શા માટે નથી? કેટલા બધા પ્રોબ્લેમ છે વાલીઓના? આવા બધા દૌડા કરે તો એમની 'રોજની કમાઈ' ગુમાવે છે. ભાડેથી રહે છે. પોતાના પણ પુરાવા હોતા નથી. (શા માટે નથી?.. એ પાછો અલગ મુદ્દો છે!) માત્ર એક બાળક હોય તો હજુ એ પહોંચે પણ ૩-૪ હોય તો ક્યાં જાય? એમાંય વળી લાંબી લાઈનો, અને ધક્કા પર ધક્કા!! બાળકોની નિશાળમાં ગેરહાજરી વધે! વાલીઓ ઘણીવખત તો બાળકને શાળાએ મોકલવાનું જ બંધ કરી દે! ..અને વિચારે, આના કરતાં બાળકને પોતાની સાથે મજૂરીએ લઇ જવું વધુ સારું!! શુ તમે વિચારી શકો.. ક્રિમિનલો મોટેભાગે અભાવોમાં રહેતા લોકો જ શા માટે હોય છે?? ..અને એક્ચ્યુઅલ ક્રિમિનલ કોણ??
******

૧૫ દિવસ પછી સદામના મમ્મી ઉપરની ચિઠ્ઠી લઈને મને આપી! હું એ આપને શેર કરું છું. ખાસ જોશો કે બેંકવાળાએ કેટલા રૂપિયાથી ખાતું ખોલી આપ્યું છે?!!

-યજ્ઞેશ રાજપૂત
 (આર્તનાદ ભાગ ૨)

શુક્રવાર, 19 જુલાઈ, 2019

'ના' આવડી જવાની ખુશી!

*'ના' આવડી જવાની ખુશી!!* (આર્તનાદ ભાગ-૧)
*****

હું એક શિક્ષક છું. નખશિખ શિક્ષક! પાક્કું એટલા માટે કહી શકું છું કારણ કે હું જાણું છું હું શિક્ષક છું. હું જ્યારે જ્યારે મારી ગિરેબાનમાં જોઉં છું, ત્યારે મારી જાતને હું શિક્ષક તરીકે જ જોઉં છું. ઘણા શિક્ષકો હોતા જ નથી. એ માત્ર પગારદાર નોકરી કરે છે- ભણાવવાની!! શુ ભણાવવાની?.. કોને ભણાવવાની?.. એ એમને પણ ખબર નથી! ..પણ એટલી જ ખબર છે એ લોકો નોકરી કરે છે - 'ભણાવવાની'! એ લોકો બધાને ભણાવી શકે છે.. વાલીને, અધિકારીને, સમાજને.. અને પોતાના આતમરામને પણ! ..પણ હું નથી ભણાવી શકતો- ..એમાંય મારા આતમરામને ખાસ!! એ જ્યારે મને પૂછે છે કે "આજે તે શું કર્યું?" ત્યારે હું એની સામે નજર નથી મિલાવી શકતો! અંતે.. હું એને એક જવાબ આપું છું..
*****

તમે નહીં જાણતા હોવ.. પણ હું જ્યારે આ લખું છું ત્યારે મારું હદય ભરાઈ ગયું છે.. કેમ કે મારે પૂરી પ્રામાણિકતાથી, પૂરી નિષ્ઠાથી મારું કામ કરવું છે. ..પણ નથી કરી શકતો. ડર લાગે છે, અપમાનનો! ક્યારેક ક્યારેક પાછો હિંમતવાન બનીને એનો સામનો કરી લઉં છું. પણ ક્યારેક પોતાને વિવશતાની સાંકળોમાં બાંધેલો જોઉં છું. કોઈનેય કહી નથી શકતો ત્યારે આકાશમાં જોઉં છું.. એ આશાએ.. કે 'છે કોઈ, જે અમારું સાંભળે??' જેટલા લોકો આવે છે એ માત્ર ભૂલો શોધવા જ આવે છે.. કોઈ નથી.. કોઈ નથી એવું જે અમારા મિત્ર બનીને આવે અને અમને પૂછે, "કે તમારી તકલીફ શુ છે??" કેટલું બધું કહેવું છે અમારે.. પણ હવે તો દર્દ એટલો નસૂર બની ગયો છે કે રડવુંય નથી આવતું.. અને હસવુંય નથી આવતું!! આવા વિચારોથી ઘેરાઉ છું ત્યારે ડર લાગે છે કે ક્યાંક હું 'નેગેટિવ' તો નથી બની ગયો ને?? પણ કદાચ.. એવું નથી!! હું નેગેટિવ નથી, પોઝિટિવ પણ નથી.. અને એટલો ઉચ્ચ કક્ષાએ પણ નથી પહોંચ્યો કે 'સ્થિતપ્રજ્ઞ' બની જાઉં. કારણ કે હું એક શિક્ષક છું!! મારા વર્ગમાં રહેલા ૬૦ બાળકોને હું જોઉં છું ત્યારે એ વિચાર આવ્યા વગર નથી રહેતો કે સામે બેઠેલા ૬૦ બાળકોના માતાપિતાએ મારા પર ભરોસો મુક્યો છે, કે હું એમના બાળકને સારી રીતે ભણાવીશ!! ..પણ મારા ઉપરીઓને મારા પર ભરોસો નથી કે હું એમને ભણાવીશ!! એ રોજ આવે છે અને મને બીવડાવે છે.. કે જો તું આમ નહીં કરે ને?તો.. હું તારું અપમાન કરીશ! એ અધિકારીઓ એવાં 'પગારદાર' શિક્ષકોને કશું જ નથી કરી શકતા કે જે વગવાળા છે, પૈસાવાળા છે! હું મારી આમદાનીથી માંડ મારું ધર ચલાવી શકું એ પણ છીનવાઈ જાય તો મારા કુટુંબનું શું? એ વિચારે ચડું ત્યારે બીજી 'કમાઈ' કરવાનું વિચારું છું. પણ કરી નથી શકતો કારણ કે હું એક શિક્ષક છું! અને જો કદાચ હિમ્મત પણ કરું તો હું સફળ થાઉં, એની કોઈ ગેરંટી નથી, કારણ કે હું ૬૦ મા-બાપને છેતરી શકું એમ નથી! જેટલા અધિકારી એટલા વિચાર! એક કહે આમ કરો તો બીજો કહે આમ! એક કહે તમે બરાબર કર્યું છે, તો બીજો કહે તમે બરાબર કર્યું નથી! એમનામાં કોઈ જ એકસૂત્રતા નથી! શું કોઈ પરીક્ષા પાસ કરવા માત્રથી જ એ અધિકારી બનવાને લાયક બની જાય છે?? એમને મન એ શિક્ષક સારો કે જે એમની આગળ..પાછળ.. ફરે!! 'હાજી.. હાજી..' કરે!! હું તો એ પણ નથી કરી શકતો, કેમ કે મારે ભણાવવું છે! 'હાજી.. હાજી..' કરીને સમય નથી બગાડવો! બાળકને ભણાવતી વખતે હું સમય પણ ભૂલી જાઉં છું, અરે પેશાબ કરવાનું કે પાણી પીવાનું પણ યાદ નથી આવતું, કેમ કે મને મજા આવે છે બાળકોની સાથે, એમને ભણાવવામાં!! એ કોઈનેય નથી દેખાતું કે હું ધ્યાનસ્થ છું, મારા બાળકોની સાથે.. અને ઘુસી જાય છે મારી મેડિટેશનની જગ્યામાં - મારા વર્ગમાં! સાવ ક્ષુલ્લક લાગતી બાબતમાં- 'તમે પાટલી કેમ નથી મૂકી?' કહીને એ મારા ભગવાન જેવા બાળકોની સામે મારું અપમાન કરે છે?!!બાળક બિચારું શું જાણે કે શું થયું?.. એ નિર્દોષતાથી આવે મારી પાસે.. અને એની કાલીઘેલી ભાષામાં મને કહે, "મને નથી આવડતું" ..અને હું એના પર ગુસ્સે થઈ જાઉં.. અને હળવો ધબ્બો મારતા કહું, "કેટલી વખત સમજાઉ તને.. તો યે તને નથી આવડતું.." ..અને બીજી જ મિનિટે મને સમજાય કે આવું બોલીને મેં એનું મોરલ તોડી નાખ્યું! કોઈનેય નથી ખબર, પણ એ 'હળવો ધબ્બો' મને કેટલો જોરથી વાગ્યો છે?!! કારણ કે 'હું' અને 'મારા બાળકો' - અમે એકાકાર છીએ!! એ જ્યારે મારી સામે જુએ છે એની નાનકડી આંખોથી, ત્યારે હું આખેઆખો ચિરાઈ જાઉં છું!! ..અને એ ઉપરીની આંખોમાં મને પોતાના 'અહમ'ને પોષવાની વૃત્તિનો વિજય થતો દેખાય છે!! એના ચહેરા પર કોઈને ખાલીખોટી ખખડાવવાનો આનંદ છે! એને એક પ્રકારની મજા આવે છે, પોતાના 'ઉપરીપણાં'ને સાબિત કરવાની!! એ લોકો નથી જાણતા કે "બાળક કોઈ ટેબલ પર પડેલું આધારકાર્ડનું ફોર્મ નથી કે બે મિનિટ માં ભરાઈ જાય!! એ એક 'ચેતન' છે, જેને પોતાને ગમતું કરવું છે, જેને મન મજા આવવી એ અગત્યનું છે!! દ્રોણાચાર્ય જેવા વિદ્વાન પણ એક અર્જુન બનાવી શક્યા, પોતાના ૧૦૫ વિદ્યાર્થીઓ માંથી! હવે આટલા બધા બાળકો હોય તો સ્વાભાવિક છે, બધા પર વ્યક્તિગત ધ્યાન ન રહે! તોયે અહીં તો બધાને બધું આવડવું જોઈએ નો રાગ આલાપાય છે. શું એવું ન થઇ શકે કે શિક્ષણના અધિકારીઓ પોતે એક વર્ગ દત્તક લે! કે જે ૫૦/૬૦ નો હોય?!! ..અને એ લોકો નિશ્ચિત સમયમર્યાદામાં વર્ગના બધ્ધાંજ બાળકોને બધ્ધુ જ શીખવાડી દે, ભણાવી દે!! એ લોકો પાંચ મિનિટ પણ વર્ગમાં રોકાવા તૈયાર નથી હોતા!! એ ક્યારેય વર્ગમાં નહીં બેસે, નહીં જુએ કે શિક્ષકો શુ કરે છે? કેવી રીતે કેવી સ્થિતિમાં ભણાવે છે? શું એ ક્યારેય શિક્ષકોની જેમ નીચે ન બેસી શકે? સુચનાબુકમાં માત્ર અવાસ્તવિક સૂચનાઓ લખીને એ લોકો માત્ર પોતાનો બચાવ કરવા આવતા હોય એવું લાગે છે! સુચનાબુક ક્યારે માર્ગદર્શનબુક બનશે??એક દિવસ આવવું અને ઝાઝું બધું માન માંગવું..! આવે ત્યારે મિટિંગ અને માર્ગદર્શનના બહાના હેઠળ બધાને કલાકો સુધી રોકી રાખે, એમાં એ એવું ક્યારેય ન પૂછે કે 'તમારે શું તકલીફ છે?' માત્ર પોતાની કડકાઈના અને પોતાની વણમાંગી 'એકશનો'નાં જ બણગાં ફૂંકે!! 'મેં આમ કરી નાખ્યું, અને મેં તેમ કરી નાખ્યું..' આહ.. એમને આવું બધું બોલવાની તો શું મજા આવે? 'આત્મશ્લાધા'ની પણ એક હદ હોય!! એમને મન તો પોતાનું બાળક ભણે છે એવી કોઈ 'પોર્શ એરિયાની ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણતા' અને 'બિચારા માંડ રોજી મેળવી શકનારા સરકારી શાળામાં ભણતા' બધા જ બાળકોને સરખું જ આવડવું જોઈએ!!?? અરે ભાઈ, તમારે કોઈ દિવસ તમારી પ્રિય વ્યક્તિ જોડે થોડું બોલવાનું થયું હોય ત્યારે જોજો કે તમને આખો દિવસ નહીં ગમે!! ક્યાંય મન નહિ લાગે.. હવે જે બાળક રોજ પોતાના ઘરમાં 'હાંડલા' અને 'માં-બાપ'ને કૂસ્તી કરતા જોતો હોય એને મન 'ભણવું' એના કરતા અગત્યની વસ્તુ પોતાના મિત્ર જોડે રમવું અને શિક્ષકની પાસે 'વાલી' તરીકેની હૂંફ મેળવવું વધુ જરૂરી છે!! 'ચાઈલ્ડ સાયકોલોજી'ને માત્ર પુસ્તકમાં ભણવી, એના કરતાં 'બાળમાનસ'ને સમજવા માટે તમે લોકો કશુંય બોલ્યા વગર માત્ર અડધો કલાક વર્ગમાં બેસો ને તોય અધિકારી તરીકે તમે ટૂંકમાં સમજી જાઓ કે ખાટલે ક્યાં મોટી ખોડ છે?? કોઈ બાળકને કેમ આ નથી આવડતું, એમાં ઘણા પરિબળો કામ કરતા હોય છે એ સર્વવિદિત છે.. શિક્ષક તો માત્ર નિમિત્ત બને છે!! સાયકોલોજી ભણી હોય તો ખાસ યાદ કરજો કે 'બુદ્ધિ' વારસાગત હોઈ શકે છે. ભણેલા માં-બાપના સંતાનો થોડા જ પ્રયત્ને વધુ શીખે છે. પણ માંડ પૂરું કરતા અભણ માતા-પિતા હોય તો બાળકને શીખવામાં વાર લાગવાની!! અત્યારે સિનારિયો એ છે કે બધા બાળકને અમુક દિવસમાં બધ્ધુ જ આવડવું જોઈએ..! પછી ભલે એ શાળામાં આવે કે ન આવે!! 'મુછાળી માં' ગિજુભાઈ બધેકાએ પણ જ્યારે શિક્ષણના પ્રયોગો આચર્યા ત્યારે ચોથું ધોરણ સંભાળતી વખતે પોતાના ઉપરીઓને કહી દીધેલું કે મને મારી રીતના ભણાવવા દેજો, મહેરબાની કરીને મને કનડતા નૈ! અને 'દિવાસ્વપ્ન' જો કોઈ અધિકારીએ વાંચ્યું હોય તો(!!) યાદ હશે કે એમને પોતાના વિસ્તારના વાતાવરણ મુજબ વર્ગમાં ઘણા પ્રયોગો કરેલા, જેમાં ઘણા સફળ હતા, તો ઘણા નિષ્ફળ!! છતાંય વર્ષાન્તે ખુદ એમના જ ઉપરીઅધિકારી એમના વર્ગની સફળતાનાં વખાણ કરે છે! જેણે ક્યારેય ખુદ વર્ગમાં ભણાવ્યું જ નથી એવા લોકો શિક્ષણવિદ્વાનોની જેમ અધિકારી બનીને શિક્ષણની ચિંતા કરવા બેસે ત્યારે એમનું 'દિવાસ્વપ્ન' બિચારા ગરીબ લોકોના બાળકો જેમાં ભણે છે એવી સરકારી શાળાઓની ઘોર ખોદે એમાં શી નવાઈ??!! કારણ કે આવી સરકારી શાળાઓમાં એમનાં સંતાનો તો ભણતા જ નથી!!
*****

આતમરામનો સવાલ હજી ઉભો જ છે.. "આજે તે શું કર્યું??" મારો જવાબ - "જ્યારે મને 'હળવો ધબ્બો' જોરથી વાગ્યો ત્યારે મેં બમણી ઈચ્છાથી એ બાળકને 'ન' ની બાજુમાં કાનો કરીયે તો 'ના' થાય.. એવું શીખવાડ્યું. અને થોડીવારમાં જ એણે જ્યારે 'નાક' શબ્દમાંથી 'ના' ને શોધી કાઢ્યો, ત્યારે મેં એ બાળકની આંખમાં એક ખુશી જોઈ! 'ના' આવડી જવાની ખુશી!

મારા આતમરામે 'પ્રવૃત્તિ રજીસ્ટર'માં મારા નામની આગળ માઇલસ્ટોન પૂરો થયાનું 'ટિક' કર્યું હોય, અને પેલા અધિકારીને 'રેમેડીયલ'ની લિસ્ટમાં નાખીને ઈશ્વર સમક્ષ મોકલી આપ્યો હોય એવું લાગ્યું!!
*****

મંગળવાર, 2 જુલાઈ, 2019

Education system will sink our whole country, sure!!

એક ગામ હતું. એ ગામમાં એક હોટલ હતી. એ હોટલમાં એટલું સારું ખાવાનું મળતું કે આજુબાજુના હજારો ગામડાઓમાં એની નામના હતી! વળી, એક જ હોટલ હોવાને કારણે ગામના ગરીબ-તવંગર બધાં ભેગા મળીને ભેદભાવ રાખ્યા વગર સાથે જમતા, એટલે એ હોટલ પણ ધમધોકાર ચાલતી. ગામના સરપંચની નફાની કોઈ ભાવના નહતી, એટલે બધાને લગભગ મફતમાં જ સારામાં સારું ખાવાનું મળી રહેતું.

એક દિવસ એ ગામમાં એક ધનવાન વેપારી રહેવા આવ્યો. ગામની હોટલને ધમધોકાર ચાલતી જોઈ એના વેપારી દિમાગમાં એક હોટલ ખોલવાનો વિચાર આવ્યો. પણ જ્યાં ગામનો સરપંચ પણ મફતમાં જમતો હોય ત્યાં એની હોટલમાં પૈસા આપીને કોણ ખાવા આવે? સહેજેય નિરાશ થયા વગર એ ગામના સરપંચને ઘરે એક મોંઘી ગીફ્ટ લઈને ગયો. મોંઘીદાટ ગીફ્ટ જોઇને સરપંચ તો ખુશ થઇ ગયો! ધીમે રહીને  એણે સરપંચને કહ્યું કે, "આપણે આપણા જેવાં સમૃદ્ધ લોકો સાથે જમવું જોઈએ. ગામના ગરીબ લોકો સાથે જમવામાં તમારું સ્ટેટ્સ નીચું જાય છે."

સરપંચના મનમાં આ વાત તીરની જેમ ખૂંચી ગઈ! એણે વેપારીને પૂછ્યું, "તો મારું સ્ટેટ્સ જાળવવા મારે શું કરવું જોઈએ?'' તરત જ લાગ જોઇને એ વેપારીએ કહ્યું, ''ગામના સમૃદ્ધ લોકો પોતાનું સ્ટેટ્સ જાળવી શકે એ માટે હું અહી ગામનાં પાદરે એક 'સમૃદ્ધ હોટલ' ખોલું તો કેવું રહે? બદલામાં હું તમને મારી હોટલની કુલ આવકનો અડધો હિસ્સો તમને આપી દઈશ. વળી, તમારે જયારે પણ જમવાની ઈચ્છા થાય ત્યારે ત્યાં આવી જવાનું! તમારી પાસેથી હું એક રૂપિયો પણ નહિ લઉં!!"

વેપારીની આ વાત સરપંચના મનમાં ઉતરી ગઈ. સરપંચ હવેથી જયારે પણ ભૂખ લાગે ત્યારે ગામના પાદરે આવેલી 'સમૃદ્ધ હોટલ'માં જમવા જતો. ધીમે-ધીમે ગામના બધા પૈસાદાર લોકોએ પોતાનું સ્ટેટ્સ જાળવવા  'સમૃદ્ધ હોટલ'માં જમવા જવાનું શરુ કર્યું, જેમાં ગામમાં 'મફત'માં ચાલતી હોટલનો માલિક પણ સામેલ હતો!!

થોડાંક સમયમાં એવો વખત આવી ગયો કે ગામની 'મફત'માં ચાલતી હોટલમાં સારામાં સારું ખાવાનું મળતું હોવા છતાં ઘરાકી ઘટવા લાગી! હવે આ હોટલમાં માત્ર ગામના એવા લોકો જ જમવા આવતા, જેઓ પેલી સમૃદ્ધ હોટલમાં ખાઈ શકવા સક્ષમ ન હતા! ગ્રાહકો ઘટવાથી હોટલ બંધ થઇ જવાની અણી પર આવી ગઈ! જો આ હોટલ બંધ થઇ જાય તો આજુબાજુના ગામડાઓમાં પોતાની ઈજ્જત શું રહે? તેથી આબરૂ બચાવવા સરપંચથી માંડીને ગામના બધા લોકો આ હોટલ કેવી રીતે ચાલતી રહે, તે વિચારવા લાગ્યા! હોટલને સરસ મજાનું બિલ્ડીંગ બનાવી આપવામાં આવ્યું. ઘરાકોને જાતે કશું ના કરવું પડે, એ માટે હોટલમાં વેઈટર-સ્ટાફ પણ વધારી દેવામાં આવ્યો. જે આ હોટલમાં ખાવા આવે એના ખાતામાં સામેથી પૈસા પણ આપવાની જાહેરાતો થઇ! હોટલના આખા સ્ટાફને આ જાહેરાતો બધા સુધી પહોચે એ માટે ગામે-ગામ મોકલી દેવામાં આવ્યા. ...પણ બધું જ વ્યર્થ!!  કેમ કે સરપંચથી માંડીને હોટલના કર્મચારીઓ સુધ્ધા પણ હવે પોતાનું સ્ટેટ્સ જાળવવા પેલી 'સમૃદ્ધ હોટલ'માં જ ખાવા જાય છે! વળી, જાહેરાતોથી લલચાઈને જયારે પણ કોઈ આ હોટલમાં ખાવા આવે ત્યારે એમની સેવામાં કોઈ કર્મચારી/સ્ટાફ હાજર જ નથી હોતો! કેમ કે બધા આ હોટલની જાહેરાતના કામોમાં જ રોકાયેલા હોય છે! આ હોટલની આવી હાલત માટે બધા એકબીજાને ખો આપે છે. માલિક કહે છે કે કર્મચારીઓ ખરાબ છે, અને કર્મચારીઓ કહે છે કે માલિકની નીતિઓ ખરાબ છે!!
.
.
૧૦૦%.. આ હોટલ ડૂબશે!!

*******
જ્યાં હોટલનો માલિક પોતે બીજે ખાવા જતો હોય તો એની હોટલમાં કોણ ખાવા આવશે?? ડીટ્ટો.... શિક્ષણ ખાતાનું પણ આવું જ છે!! બધા ખાલી કાગારોળ મચાવે છે. કોઈ નક્કર પગલા ક્યારેય નહિ લેવાય! ખરેખર તો, જયારે કોઈ બાબતને મઠારવાનું આપણા હાથમાંથી જતું રહ્યું હોય ત્યારે એને એની હાલત પર છોડી દેવી જોઈએ! સર્વાઈવલ ઓફ ધ ફીટેસ્ટ અનુસાર એનામાં તાકાત હશે તો જીવશે, નહીતર મરશે!

શિક્ષણ નામનું જહાજ તરશે કે ડૂબશે??
GOD KNOWS..