બુધવાર, 30 જૂન, 2021

શૈક્ષણિક સંવાદ

https://m.facebook.com/story.php?story_fbid=3005111419597067&id=100002947160151

"શૈક્ષણિક સંવાદ" (ફેસબુકમાં અમુક ફોટા કેવી રીતે વાંચવા.. એ સમજાવતી વખતે આ સંવાદ થયો!)

મને એવું લાગે છે કે આ સંવાદ 'વર્તમાન'માં જેમની સાથે થવો જોઈએ, એ સૌ આ વાસ્તવિકતા જાણતાં હોવાં છતાં કશું કરી શકતાં નથી! ..એટલે શું ખબર..? કદાચ 'ભવિષ્ય'ની સાથે સંવાદ કરવાથી આપણી 'એજ્યુકેશન સિસ્ટમ'માં કશુંક ચેન્જ આવે..!! 

***********

એક યુવાન અને એક વૃદ્ધ દાદા પડોશી હતાં. એ બંનેએ ઘરનાં આંગણામાં ફૂલછોડ વાવ્યા. દાદા પોતાનાં ફુલછોડને બહુ ન સાચવે.. ખાતર-પાણીયે બે-ત્રણ દિવસે આપે, ક્યારેક ન પણ આપે! એટલે એમનાં બગીચાના ફૂલ બહુ મોટાં અને સુંદર ન હતા. જ્યારે પેલો યુવાન ફુલછોડની ખૂબ કાળજી રાખે. દરરોજ ખાતર પાણી આપે. એનાં બગીચાના ફૂલ ખૂબ જ મોટાં અને સુંદર હતા.

એક દિવસ વાવાઝોડું આવ્યું. યુવાનના બગીચાના બધાં જ છોડ ઉખડી ગયા, જ્યારે દાદાનાં બગીચાના છોડ બચી ગયા. યુવાને આ જોઈ દાદાને પૂછ્યું, "તમે તો ફુલછોડની એટલી કાળજીયે નહોતાં રાખતા, છતાંય બચી ગયા.. જ્યારે મારા ફુલછોડને હું ખૂબ સાચવતો, છતાંય તૂટી ગયા, ઉખડી ગયા? આવું કેમ થયું?"

દાદાએ કહ્યું, "તમારી જનરેશનની આજ તો ખામી છે કે તમે ફુલછોડને એટલું બધું ખાતર-પાણી આપો છો કે એનાં મૂળિયાં ઊંડે સુધી જતાં જ નથી, એટલે સામાન્ય વાવાઝોડામાંય ઉખડી જાય છે! હું રોજ ખાતર-પાણી નહતો આપતો, એટલે મારા ફૂલછોડે પોતાને સર્વાઈવ કરવા પોતાનાં મૂળિયાં છેક જમીનમાં ઊંડે સુધી મોકલ્યા અને આ વાવાઝોડામાં બચી ગયા!"

************

શાળા નક્કી કરતી વખતે મોટાં ભાગના પેરેન્ટ્સ પોતાનાં બાળકને કોઈ તકલીફ ન પડે એવી શાળાઓ ધ્યાનમાં લે છે! ..ઇવન શાળાઓ પણ હવે પેરેન્ટ્સને આંજી દેવા એમનાં બાળકને કોઈ તકલીફ ન પડે એટલે શાળામાં મળતી ફેસિલિટીની જ એડવર્તાઇઝ કરે છે. કોઈપણ તકલીફ વગર ભણતું બાળક 'સુંદર મોટાં ફૂલ' જેવું તો બને  છે, પણ જીવનની મુશ્કેલી સામે ટકી શકતું નથી. બે-પાંચ કિમિ દૂર શાળા હોય તોય વેન બંધાવી દેતાં વાલીઓ અને આપણી શિક્ષણ સંસ્થાઓ, મારાં મતે, આપણાં દેશને એક ખોખલી પેઢી ભેટ ધરી રહ્યાં હોય એવું લાગે! મેં નજરે જોયું છે કે સહેજ નાણાંકીય સ્થિતિ સારી થતાં વેંત જ વાલી પોતાનાં બાળકને ખાનગી શાળામાં મૂકે છે! કોઈ વિષયમાં સહેજ ઓછાં માર્ક આવે, કે પછી એ વિષય જ ન આવડે તો આપણી શિક્ષણ પદ્ધતિ એવાં બાળકને 'ડોબું' સાબિત કરે છે. 

***************

મારાં વર્ગમાં સચિન તેંડુલકર ભણે છે, એ ક્રિકેટ સારું રમે છે. મારાં વર્ગમાં અમિતાભ બચ્ચન પણ ભણે છે, એ એક્ટિંગ સારી કરે છે. મારા વર્ગમાં કોકિલકંઠી લતા મંગેશકર પણ છે, એ ખૂબ સુંદર ગાય છે. મારા વર્ગમાં એક અબ્દુલ કલામ પણ છે, એ હંમેશા કંઈક નવું વિચારે છે. મારાં વર્ગમાં દારાસિંઘ પણ છે, એ હંમેશા લડવા તત્પર રહે છે. મારા વર્ગમાં એક સરદાર પટેલ પણ છે, એ આખા વર્ગને સારું લીડ કરે છે. અને હા.. વિવેકાનંદ તો રહી જ ગયો, કે જે ઉત્તમ સ્પીચ આપે છે. શકુન્તલાદેવી પણ છે, જે ગણિત સારું કરે છે. મોહનદાસ પણ છે, જે કોઈપણ પરિસ્થિતિમાં સાચું જ બોલે છે. એક સ્ટીવન સ્પીલબર્ગ પણ છે, જે નાટક જ કરતો હોય છે. એક દશરથ માંઝી પણ છે, જે ધૂની મિજાજનો છે. એક ડૉ. બાબાસાહેબ પણ છે, જે ખૂબ હોંશિયાર છે. એક ડિઝાઈનર મનીષ પણ છે, જેને ફેશનની સેન્સ છે. એક ૪૦૦-૫૦૦ કિમિ ચાલતો મજૂર પણ છે, જે ક્યારેય થાકતો નથી. એક મધર ટેરેસા પણ છે, જે પોતાનાં દરેક ભાઈ-બહેન પર કરુણામય છે. એક શૅફ સંજીવ પણ છે, જે સ્વાદિષ્ટ ભોજન બનાવે છે. એક રવીન્દ્રનાથ ટાગોર પણ છે, જે સુંદર કવિતા લખે છે. એક વિજય માલ્યા પણ છે, જે બધાને છેતરે છે, ચોરી કરે છે. આ બધાની પોતાની આગવી સ્ટાઇલ છે, છટા છે, આવડત છે. એક લિયોનાર્દ વિન્સી પોતાની કલ્પનાઓને રંગો વડે બતાવે છે. આ સિવાય એવાં ઘણાં બાળકો છે, કે જેની શક્તિઓની તો મને પણ ખબર નથી!

હવે પરીક્ષા આવે છે.. એ બધાં બાળકોની! હું એમને પેપર આપું છું. પરીક્ષામાં પુછાયું છે..
પ્ર.૧   E = mc2 સમજાવો.
પ્ર.૨   (a+b) (a-b) = ? 
પ્ર.૩   ફલાણી યોજનાઓ વિશે લખો.
પ્ર.૪   ગ્લોબલ વોર્મિગ કેવી રીતે ઘટાડશો?
પ્ર.૫   અલંકાર-છંદનું ઉદાહરણ આપો.
પ્ર.૬  Write essay on "Importance of ENGLISH."
પ્ર.૭   ઔરંગઝેબની ઉદારતાઓ જણાવો.
પ્ર.૮   સજીવની રચના સમજાવો.
પ્ર.૯   લોકશાહી એટલે શું?
પ્ર.૧૦ "મલ્ટીનેશનલ કંપની અને આર્થિક પ્રગતિ" નોંધ લખો.

ત્રણ કલાક 'આવડે એવી ઊલટી' કર્યા પછી મારા વર્ગનું પર્ફોર્મન્સ નબળું દેખાય છે. આ પરફોર્મન્સથી હું તો નિરાશ છું જ, સાથે સાથે  બાળક, પેરેન્ટ્સ અને આખો સમાજ નિરાશ થાય છે. મારા વર્ગના અમુક બાળકોએ ખૂબ સારું પરફોર્મન્સ પણ આપ્યું છે. આવાં 'ટોપર' બાળકો જ્યારે જીવન સ્ટાર્ટ કરે છે, ત્યારે આ સવાલોનું કોઈ જ મહત્વ ન રહેતાં 'ટોપરાં'ની જેમ છીણાય છે, અને એમાંથી એકાદ 'આત્મહત્યા' પણ કરે છે! નાનપણથી જ મારાં માર્ક્સ વધુ આવે એવું વિચારતો બાળક મોટો થઈને સ્વાર્થી બને છે. સંવેદના ન શીખતું બાળક બીજાનાં દુઃખને સમજી શકતો નથી, અને પોતાનાં ફાયદા માટે ખોટું કરતાં અચકાતો નથી. ઘરડાં ઘર ભરાતાં જાય છે. અમીર-ગરીબની ખાઈ મોટી થતી જાય છે. સમાનતા, સ્વતંત્રતા, પ્રામાણિકતા બધું જ 'ટૂંકનોંધો'માં જ રહી જાય છે. સુવિચારો દીવાલ પર શોભે છે. આત્મ સમ્માન ગીરવે મુકાય છે, ખુશામત ખોરી શરૂ થાય છે. 'ખોટું કરવું' એ સત્ય બને છે. ગુંડાઓ પૂજાય છે. 

મેં પરીક્ષા વખતે બાળકને ગમે તે ચોપડી ખોલી એવું પૂછ્યું, "આ વાંચ તો.." .......એનાં કરતાં એમ પૂછ્યું હોત.. કે, "બેટા, આ બે પુંઠ્ઠા વચ્ચેનું છોડ.. તને શું આવડે છે, એ તું બતાવ.. આના આધારે તું હોંશિયાર કે નબળો, એ નક્કી થશે.."

....તો કદાચ મારા વર્ગનું દરેક બાળક પોતાની શક્તિઓ પિછાણીને 'આત્મનિર્ભર' બની શક્યું હોત! વર્ગમાં પોતાની આવડતનો ડંકો વગાડનાર વિશ્વમાં ડંકો વગાડવા સજ્જ બન્યું હોત! બધાં ને બધું આવડવું જરૂરી નથી એવું વાલીઓ સમજતા હોત..! બીજું બધું છોડો.. કમસે કમ પોતાની શક્તિઓ પર ગર્વ કરતું બાળક "આત્મહત્યા" તો ન જ કરતું! 'આત્મનિર્ભર' અને 'આત્મસમ્માન' શબ્દ સમજતા હોત! પોતાને સમજતું બાળક બીજાને સમજી શકત! ઘરડાઘર ન ભરાતાં! માર્કસનું મહત્વ ન રહેતા પરમાર્થનું વિચારત! ખુશામતખોરીની જગ્યાએ સાચાંને સાચું અને ખોટાને ખોટું કહેતાં શીખત! સિંહ ભલે ન બનત, પણ ઘેટુંય ન બનત! 

કદાચ મારા વાક્યો ઓવર હોઈ શકે, પણ ક્યાંક તો સત્ય હશે જ! તક્ષશિલા, વલભી અને નાલંદા જેવી 'વન' નંબરની વિશ્વવિખ્યાત વિદ્યાપીઠો ભારતમાં ભૂતકાળમાં હતી, અને હવે? પ્રથમ પચાસમાંય આવવા ફાંફા મારવા પડે, તો સમજો.. ભારતનો ભૂતકાળ ભવ્ય હતો, કેમકે શિક્ષણ પ્રણાલી સ્વદેશી હતી! માર્ક્સ વાળી.. અને વાદી નહિ! ખાટલે મોટી ખોડ.. 'એજ્યુકેશન સિસ્ટમ'માં છે, અને આપણે શોધીએ છીએ..??!! ક્યાં..??!!

***********

"તક્ષશિલા, વલભી અને નાલંદા જેવી વિદ્યાપીઠો વિદેશી આક્રમણ સામે જ્યારે તૂટતી હતી, ત્યારે એ સમયના/રાજ્યના રાજાઓ/લોકો શુ કરતાં હશે??"
.
.
"મારે શું?? આનો જવાબ આપીને મને શું મળવાનું?? તે હું જવાબ આપું?? જેને શોધવું હોય એ શોધે."