બુધવાર, 31 ઑક્ટોબર, 2018

જો સરદારદાદા અત્યારે જીવતા હોત તો...??

આજે સરદાર જયંતિ છે. આપણા લોકલાડીલા (..અને મારા પણ!! કારણ કે લોકલાડીલાનો મતલબ બધાના ગમતા હોય એ જરૂરી નથી!) નેતા વલ્લભભાઈ પટેલનો બર્થડે! સરદાર સરોવર ડેમ પાસે સરદાર વલ્લભભાઈ પટેલના વિશ્વના સૌથી ઊંચા પૂતળાનું આજે લોકાર્પણ થવાનું છે! બધી જગ્યાએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની ચર્ચાઓ છે. વિશ્વનું સૌથી ઊંચું પૂતળું ગુજરાતમાં છે, અને એ પણ સરદારદાદાનું!! કયા ભારતીયની છાતી ગજ-ગજ ના ફૂલે?? અંદાજિત 3000 કરોડનો ખર્ચો થયો છે. શું કામ છાતી ગજ-ગજ ના ફૂલે ભાઈ?? મને તો બહુ ગમ્યું!! ભારત દેશની શાન સમું આ પૂતળું રહેશે, એમાં શંકા નથી!

સાચું કહું તો ગમ્યું તો છે, પણ મનમાં એક સવાલ પેદા થયા વગર રહેતો નથી!! સરદારદાદાનો એક પ્રસંગ વાંચેલો એ ઉપરછલ્લો યાદ છે, જેમાં એ એમના કુટુંબીજનને કહી રહ્યા છે કે જ્યાં સુધી હું સરકાર(=પોલિટિક્સ) માં છું ત્યાં સુધી કોઈ પણ કુટુંબીજન સરકારી નોકરી નહિ કરે! કારણ કે એ નહોતા ઇચ્છતા કે કોઈ એમને એમ કહી જાય કે પોતે રાજકારણમાં છે એટલે એમના કુટુમ્બીજનને નોકરી લગાડી આપી! વળી એવું પણ કહેવાય છે કે મરણ સમયે એમની પાસે બહુ સંપત્તિ નહતી! હવે સવાલ એ કે જે માણસ જીવ્યા ત્યાં સુધી સાદાઈથી જીવ્યા એ પોતાના પૂતળા પાછળ 3000 કરોડ ખર્ચવા દે ખરા??

હું રોજ સવારે જયારે છાપું વાંચું ત્યારે હું ઘણી એવી બાબતો વાંચતો હોઉં છું જે મને અંદરથી ડિસ્ટર્બ કરી દેતી હોય છે, જેમ કે ખેડૂતોની આત્મહત્યા અથવા તો તેઓ પોતાનો પાક મફતમાં આપી રહ્યા છે અથવા તો રોડ પર ફેંકી રહ્યા છે. કારણ કે એમને પોષણક્ષમ ભાવ મળતો જ નથી. અને એ જ વસ્તુ અમે જયારે બજારમાં ખરીદવા જઈએ છીએ, ત્યારે એનો ભાવ વધારે આપીએછીએ. આ કેવું? જીવનભર જે માણસ ખેડૂત રહ્યો/ખેડૂત માટે જ જીવ્યો એ અત્યારે હોત તો આ થવા દેત ખરા? પોતાનું 3000કરોડનું પૂતળું જોઈને એ શું કરત? જે રાજકારણીઓ સરદારદાદાના નામે રાજકીય રોટલા શેકી રહ્યા છે, એને સરદારદાદા શું કહેતા?

આખા ભારતને એક કરનાર સરદારદાદા અત્યારે જીવતા હોત તો જાતિવાદનું રાજકારણ રમી ભારતને ટુકડાઓમાં વહેંચનાર પોલિટિશ્યનોને શું કહેતા?? કાશ, હું 'મન્નુ શૅખચલ્લી' જેવો લેખક હોત તો આખો સંવાદ લખત!!

*****




ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો