મંગળવાર, 13 નવેમ્બર, 2018

આર્તનાદ (ભાગ 5) :- તમે ક્યારે તમારું બંડલ મને મોડરેશન માટે આપશો??

"તમે અમને ક્યારે તમારું બંડલ આપશો? આજે પરીક્ષા પત્યાને આઠમો દિવસ છે..!!" મેં મારા એક શિક્ષકમિત્રને પૂછ્યું. (આ શિક્ષકમિત્ર અને હું સી.આર.સી.માં  સાથે જ હતા. એ હંમેશા પોતાનું સી.આર.સી.પદુ છોડી દેવાનું કહેતો, અને મેં છોડીને બતાવેલું!! કારણ કે.. એક્ચ્યુઅલી ઘણા કારણો છે. પણ એની વાત ફરી ક્યારેક.. અથવા તો જે-તે બ્લોગ દરમિયાન થતી રહેશે!!)

સત્રાંત પરીક્ષાનું પ્રથમ પેપર તા.24/11/18 થી શરુ થતું હતું. અને નવી પરીક્ષા પદ્ધતિ અંતર્ગત પરીક્ષાના માર્ક્સ તા.26/11/18 એટલે કે ત્રીજા દિવસથી અપલોડ થવાના શરુ થઇ ગયા હતા. મતલબ કે પરીક્ષા જેમજેમ પતતી જાય એમ એમ એ વિષયના માર્ક્સ ઓનલાઇન અપલોડ કરી એ વિષયની પ્રિન્ટઆઉટ જે-તે મોડરેટરને આપવાની હતી! પણ મારા આ મિત્ર બીજા  પેપરના માર્ક્સ પરીક્ષાના આઠમા દિવસે પણ અપલોડ નહોતા કરી શક્યા!! ઉપરોક્ત સંવાદ થયો ત્યારે તે એકસાથે ત્રણ પેપરના માર્ક્સ અપલોડ કરી રહ્યા હતા. અને એમના તેવર જોઈને એવું લાગતું  હતું કે એમનો વિચાર બધા જ વિષયના માર્ક્સ એકસાથે અપલોડ કર્યા પછી જ 25% પેપર મોડરેશન માટે આપવાનો હતો!

એ મિત્રે પોતાની દોઢાઈમાં મને પેપર મોડરેશન માટે ના આપ્યા! (સાચું કહું તો, એ સ્કૂલમાં ત્રણ કે ચાર સી.આર.સી.ઓ શિક્ષક તરીકે પરત મુકાયા છે. અને એમની સામે આચાર્યનું કશું જ ના ચાલતું હોય એવું લાગ્યું!!) એ શિક્ષકમિત્રનું કહેવાનું એમ હતું કે,''હું તને નથી ઓળખતો. હું તારી સ્કૂલને ઓળખું છું. એટલે હું તને પેપર ના આપી શકું. તું પેપરો ક્યાંક ખોઈ નાખે તો કોની જવાબદારી?? અને પેપર મોડરેટ કરાવવાની ગરજ અમારી છે. તો તું શું કામ અહીં આવ્યો? અમે આવીશું તારી સ્કૂલમાં પેપરો લઈને!!"



અંતે  થોડી રક્ઝક પછી પેપર ના આપવાના કારણ અંગેનું લેખિતમાં બાંહેધરી લઈને હું રવાના થયો!! મારા આ શિક્ષકમિત્રની સી.આર.સી. તરીકેની એમની છાપ  આમેય  'દોઢ' તરીકેની છે. અને એના ક્લસ્ટરના શિક્ષકોને (અમુક વ્હાલા-દવલાંને છોડીને) હેરાન કરવામાં એણે કશુંયે બાકી નહોતું રાખ્યું.  (હું જે ઝોનમાં સી.આર.સી. હતો, ત્યાંનાં એક ભુતપૂર્વ સી.આર.સી. મિત્રે મને પહેલા જ દિવસે જે કહ્યું હતું એનો ટૂંકસાર કંઈક એવો હતો કે "બધા શિક્ષકો/આચાર્યોને ખખડાવતું જ રહેવાનું! બહુ ના માને તો ખુલાસાઓ માંગવાના! થોડા ડરાવવાના એટલે પછી બહુ સામે નહિ બોલે!" મતલબ કે ડરનું રાજકારણ રમવાનું!!)

*****

"રિવેન્જ" એક શક્તિશાળી વિચાર છે, રામાયણ હોય કે મહાભારત.. બદલાની ભાવના આપણા રગેરગમાં દોડે છે!! ઉપરની શાળામાં થયેલા કડવા અનુભવને કારણે મારા મનમાં એ શિક્ષકમિત્ર માટે 'બદલા'ની ભાવના જાગે એ સ્વાભાવિક હતું!! 'ક્ષમા વિરસ્ય ભૂષણમ' લેખે હું તો ડરપોક હતો.. મતલબ કે એને તપાસેલાં પેપરો બિલકુલ ચેક કર્યા વગર 'બરાબર છે'-નું પ્રમાણપત્ર આપવું નહતું!! સાચું કહું તો, જો એણે મારુ અપમાન ન કર્યું હોત તો હું એમ જ કરવાનો હતો! પણ… હવે મારો વારો હતો. અને હું બિલકુલ પણ માફ કરવાના મૂડમાં નહોતો!! મતલબ કે એકદમ સાચું મોડરેશન કરવાનો હતો.

*****

તા. 3/11/18 સત્ર પૂરું થવાનો છેલ્લો દિવસ. અને મેં એના આચાર્યને ફોન કર્યો, કહ્યું કે, "તમારો પેલાં સી.આર.સી.શિક્ષકે મને કહ્યું હતું કે પેપરો મોડરેશન માટે એ અમારી શાળામાં આવશે. આજે એને મોકલજો. કારણ કે એ અમારી શાળાના આચાર્યને ઓળખે છે, મને નહિ!!"

બપોરના 2 વાગ્યા, છતાંય એ પેપરો લઈને ના આવ્યા. 3:30 વાગે શાળા છૂટવાની હતી. એટલે મેં પાછો ફોન કર્યો. તો જવાબ મળ્યો, "કોઈ આવી શકે એમ નથી. હું બંડલ તમારી શાળાના એક શિક્ષિકાબેન જોડે મોકલાવી દઉં છું. મોડરેટ થઇ જાય એટલે તમે પાછા આપી જજો."

"અંતે આવવાનું તો મારે જ ને??" મેં પૂછ્યું. ...ત્યાં તો એ સી.આર.સી.શિક્ષકમિત્ર આચાર્યના ફોન પર આવ્યો, મને કહે, "ભાઈ યજ્ઞેશ, મોડરેશનના બંડલમાં તારી સહી હું કરી દઉં??"

"બિલકુલ પણ નહિ!!" મેં કહ્યું.

...અંતે મારે જ પાછું એમની શાળામાં જવું પડ્યું!! એમણે પ્રિન્ટઆઉટમાં મોડરેશન કરેલા માર્ક્સ મૂકી દીધા હતા. હું ગયો, તો મને પ્રિન્ટઆઉટ આપતા કહે, "લો, નીચે તમારી સહી કરો. અમે તમારું મોડરેશન કરી દીધું છે!!"

"કોને પૂછીને કર્યું?.." મેં પૂછ્યું, "..મારે કરવાનું છે, તમારે નહિ!! લાવો પેપરોના બંડલો!!"

તેઓએ મને કમને જ બંડલો આપ્યા હશે, એવું મને લાગ્યું!! એમણે જે બાળકોનું મોડરેશન કરી રાખ્યું હતું, એ જ બાળકોના પેપરનું મેં મોડરેશન શરુ કર્યું. કુલ 48 બાળકોના વર્ગમાંથી મેં 25% લેખે 12 પેપરોનું મોડરેશન કર્યું. અને એમાંથી 10 પેપરોના માર્ક્સ સુધર્યા!!



દિલ થામ કે બૈઠીયે!! ખરી બાબતો હવે શરુ થાય છે. 12 માંથી એક પણ પેપર મને એવું ન લાગ્યું કે જેમાં બાળકે જાતે જ કશું લખ્યું હોય!! એકેય બાળકને એક પણ 'રોકડીયા માર્ક' વાળો જવાબ ખોટો નહતો!! વિચારો, એ કેવી રીતે શક્ય બને?? એકેય બાળકને "રોકડીયા માર્ક' વાળો એકેય જવાબ ખોટો નહિ?? હું છાતી ઠોકીને કહું છું કે પરીક્ષાના પેપરોમાં શિક્ષકે કાં તો જાતે લખ્યું હતું અથવા તો બાળકોને ટોળે વળીને પેપર લખાવી દીધેલું હતું!! કારણ કે મહત્તમ બાળકોના પેપરની ઉપર લખેલા નામના અક્ષરો અલગ હતા અને પેપરમાં લખેલા જવાબોના અક્ષરો અલગ હતા!! 


વળી, એકાદ-બે પેપરોમાં તો નિરીક્ષકની સહી પણ નહતી!! ગેરહાજર બાળકને પરીક્ષામાં હાજર બતાવવા પેપરની ઉપર એ બાળકનું માત્ર બોલપેનથી નામ જ લખેલું હતું!! સ્પષ્ટ ખબર પડી આવતી હતી કે એ નામ જે-તે શિક્ષકે લખેલું છે, કેમકે એવા 'ઘેર'-હાજર બાળકના પેપરમાં માત્ર 'રોકડીયા'-16 ગુણના જ જવાબો લખેલા હતા, અને એ પણ બધા સાચા! ધન્ય છે એ શિક્ષકને.. કે જે એવું માનતો હતો કે મને આવી કોઈ જ ખબર નઈ પડે!!


મેં એકદમ સાચું મોડરેશન કર્યું. એક પણ બાળકના માર્ક ઘટ્યા નહિ, બધાના વધ્યા!! કારણ કે બાળકે જાતે લખેલા લગભગ બધા જ જવાબો ભૂંસવામાં આવ્યાહતા, અને સાચા જવાબો લખાવવામાં આવ્યા હતા!! અને આવું મેં બે શાળામાં મોડરેશન કર્યું, એ બંનેમાં જોવામાં આવ્યું!! દુઃખ થાય છે.. જયારે શિક્ષકો ખોટું કરે છે ત્યારે..!! 
(ઉપરોક્ત લખાણનો પેપરોનો આખો વીડિયો મારી પાસે છે.)

*****

માનો કે મારા બાળકની આજે પરીક્ષા છે. એ પેપર આપીને ઘરે આવ્યું. મેં એને એવું પૂછ્યું, "બેટા.. પેપર કેવું ગયું?" ..અને મારુ બાળક મને જવાબ આપે કે, "પેપર સારું જ જાય ને.. બધું સાહેબ/બેન લખાવી જ દે છે!!" 

શું મારા બાળકનો આ જવાબ મને ગમશે?? ગિરેબાનમાં ઝાંખીને જાતને પૂછી જોવો કે એક પિતા તરીકે તમને ખરેખર ગમશે??

......મને તો નહિ ગમે!! 

આપણે માત્ર એટલા માટેજ પેપરો લખાવી દઈએ છીએ કે….. જેથી કરીને કોઈને એવું ના લાગે કે આપણે બાળકને ભણાવી શક્યા નથી!! ...અથવા તો ભણાવ્યું જ નથી!! ….અથવા તો આપણા બાળકો પર આપણને જ ભરોસો નથી કે એ જાતે લખી શકશે!! ...અથવા તો આપણે એમને આપણા બાળકો ગણતા જ  નથી!! ...અથવા તો એ એવી કોઈ હાઈ-સોસાયટીના બાળકો નથી!! ...અથવા તો આપણે 'બીકણ સસલી' બની ગયા છીએ!! ...અથવા તો એને કશું જ આવડતું નથી!! …અથવા તો...?????????

*****


અમારા શાસનાધિકારીશ્રી અમારી શાળામાં પરીક્ષા દરમિયાન વિઝિટમાં આવ્યા. અને મારુ તપાસેલું બંડલ ચેક કરવા માંગ્યું. એમણે જોયું કે મેં 'pansil' લખેલા સ્પેલીંગને અડધો માર્ક આપ્યો છે. તો એ કહે, "આ સ્પેલિંગ ખોટો છે, તો પણ તમે એને સાચો આપ્યો છે, કેમ?"


મેં કહ્યું, "બેન, મારા મતે બાળકે એ સ્પેલિંગ જાતે જ લખવાનો પ્રયત્ન કર્યો છે. એ મારા માટે સારી વાત છે.. એટલે એના પ્રયત્નનો અડધો માર્ક મેં એને આપ્યો છે."


"તમારો બેઝિક પણ હું અડધો કરી દઉં તો??"


સીધી જ પગાર કાપવાની વાત કરી એટલે હું સડક થઇ ગયો.. છતાંય મેં કહ્યું, "તમને ઠીક લાગે એ કરો બીજું શું?" 


"આવું ના ચાલે ને.. ખોટું છે તો ખોટું આપો.. અડધો માર્ક પણ શું કામ આપો છો? તમે બહુ ઉદાર દિલે માર્ક આપ્યા છે.."

"બેન, હું ભણાવામાં એટલો જ કડક છું.. અને આમેય આપણી શિક્ષકજાત બીજાની ભૂલો જોવા જ ટેવાયેલી હોય છે!!" આટલું બોલીને મેં ચુપ્પી સાધી લીધી!! 

બાળકે કરેલા પ્રયત્નની કોઈ કિંમત જ નહિ?? જો મેં એ સ્પેલિંગ જાતે જ સુધારીને પૂરો માર્ક આપ્યો હોત તો ચાલત એમ ને?? મતલબ કે હું ખોટું કરું તો સાચો અને સાચું કરું તો ખોટો??  મારો પગાર ચાલુ રહે એ માટે મારે ખોટું કરવાનું? કદાચ.. અધિકારીઓ આવા પ્રયત્નોની કિંમત નહીં જ સમજી શકતા હોય.. પછી  ભલે ને એ પ્રયત્ન બાળકનો હોય કે શિક્ષકનો!! કદાચ એટલે જ શિક્ષકો પેપરમાં લખાવી દેતા હશે અથવા તો ખુદ લખતા હશે!!

'યથા રાજા તથા પ્રજા' શું આ કહેવત હજુ પણ લાગુ પડતી હશે ખરા??!!

*****

"હેલો.. તમે મારા બંડલ મોડરેશનમાં ચેક કર્યા હતા, એ યજ્ઞેશભાઈને??"

"હા.. બોલો શું કામ હતું??"

"તમે મારા બંડલમાં આટલા બધા સુધારા શું કામ કર્યા છે? મેં પણ તમારી સ્કૂલના બંડલ ચેક કર્યા છે, પણ મેં આવા કોઈ સુધારા નથી કર્યા, મેં તો સીધી સહી જ કરી દીધી છે!! એક કામ કરો, તમારી સ્કૂલના બંડલ લઈને અત્યારેને અત્યારે જ અહીં પાછા આવો.. મારે પણ સુધારા કરવા છે!!" એ બેન એકદમ ગુસ્સાથી બોલ્યા.

"મારા આચાર્યને મળો.." કહીને મેં ફોન મૂકી દીધો!

ફોન મુક્યાં પછીનું રિ-એક્શન એ આવ્યું કે થોડી જ વારમાં મારા બીજા એક સી.આર.સી.મિત્રનો ફોન મારા પર આવ્યો. કારણ કે આ બેન એમના નજીકના સગામાં થતા હતા!!  મારે એમને ફોન પર અડધા કલાક સુધી ખુલાસાઓ આપવા પડ્યા!! ...માત્ર એટલા માટે કેમ કે એ મારા મિત્ર છે! સાચું કરવાનું ખરેખર ખાંડાની ધાર પર ચાલવા જેવું છે!!

*****

કોણે આ બેનને રોક્યા હશે સાચી રીતે બંડલ ચેક કરતા?? કદાચ.. એ જાણે છે કે બધાએ એવી રીતે જ મોડરેશન કર્યું હશે, જેવી રીતે એમણે કર્યું!! ..અને હું માનું છું કે મારી શાળાના જે ધોરણના એમણે મોડરેશન કર્યું હશે, એ પેપરો આવી રીતે જ લખાયા હશે!! બીજું શું??
 "આવ ભાઈ હરખા, આપણે બે સરખા.."

હવે માનો કે આ બેન મારા બન્ડલ મોડરેશનમાં ચેક કરવા આવે તો એ મારા બાળકોએ કરેલા પ્રયત્નોને સમજી શકશે ખરા??

*****

મારા એ શિક્ષકમિત્રે પરીક્ષા પત્યાને બીજા દિવસે પોતે (એટલે કે બધા શિક્ષકોએ!!) કેવું ઝડપથી પરીક્ષાનું સંપૂર્ણ કામ પૂરું કર્યું, એની આત્મ્શ્લાઘી પીઠ થાબડતી પોસ્ટ ફેસબુકમાં શેર કરી! ..અને પોતે કેવું પરાક્રમ કર્યું છે એનાં વખાણ કર્યા!! બ્રાવો!!

*****


શું આપણે આપણી ગિરેબાનમાં કયારેય ઝાંખીશુ ખરા કે આપણે કેવા બની ગયા છીએ?? ચાર ઓપશનમાંથી કયો જવાબ સાચો?.. જો એ આપણે આપણા બાળકોને પસંદ નહિ કરવા દઈએ તો મોટા થઈને એ સાચો નેતા કેવી રીતે પસંદ કરશે?? ખોટો તો ખોટો એને જવાબ લખવા દો.. એને પ્રયત્ન કરવા દો.. તમે જોશો કે ખરેખર બાળક પાસિંગ માર્ક જેટલું લખવાનો પ્રયત્ન તો કરે જ છે!! ..અને આ જ વિશ્વાસ આપણને નિર્ભયતા આપે છે!! 

*****

ડોન્ટ થિન્ક એવર 

હું મારી દીકરીને મારી શાળામાં જ (મ્યુનિસિપલ શાળા) ભણાવવાનો છું. કેમ કે મારા કરતા શ્રેષ્ઠ શિક્ષક આ દુનિયામાં બીજો કોણ હોઈ શકે?? 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો