શુક્રવાર, 19 જુલાઈ, 2019

'ના' આવડી જવાની ખુશી!

*'ના' આવડી જવાની ખુશી!!* (આર્તનાદ ભાગ-૧)
*****

હું એક શિક્ષક છું. નખશિખ શિક્ષક! પાક્કું એટલા માટે કહી શકું છું કારણ કે હું જાણું છું હું શિક્ષક છું. હું જ્યારે જ્યારે મારી ગિરેબાનમાં જોઉં છું, ત્યારે મારી જાતને હું શિક્ષક તરીકે જ જોઉં છું. ઘણા શિક્ષકો હોતા જ નથી. એ માત્ર પગારદાર નોકરી કરે છે- ભણાવવાની!! શુ ભણાવવાની?.. કોને ભણાવવાની?.. એ એમને પણ ખબર નથી! ..પણ એટલી જ ખબર છે એ લોકો નોકરી કરે છે - 'ભણાવવાની'! એ લોકો બધાને ભણાવી શકે છે.. વાલીને, અધિકારીને, સમાજને.. અને પોતાના આતમરામને પણ! ..પણ હું નથી ભણાવી શકતો- ..એમાંય મારા આતમરામને ખાસ!! એ જ્યારે મને પૂછે છે કે "આજે તે શું કર્યું?" ત્યારે હું એની સામે નજર નથી મિલાવી શકતો! અંતે.. હું એને એક જવાબ આપું છું..
*****

તમે નહીં જાણતા હોવ.. પણ હું જ્યારે આ લખું છું ત્યારે મારું હદય ભરાઈ ગયું છે.. કેમ કે મારે પૂરી પ્રામાણિકતાથી, પૂરી નિષ્ઠાથી મારું કામ કરવું છે. ..પણ નથી કરી શકતો. ડર લાગે છે, અપમાનનો! ક્યારેક ક્યારેક પાછો હિંમતવાન બનીને એનો સામનો કરી લઉં છું. પણ ક્યારેક પોતાને વિવશતાની સાંકળોમાં બાંધેલો જોઉં છું. કોઈનેય કહી નથી શકતો ત્યારે આકાશમાં જોઉં છું.. એ આશાએ.. કે 'છે કોઈ, જે અમારું સાંભળે??' જેટલા લોકો આવે છે એ માત્ર ભૂલો શોધવા જ આવે છે.. કોઈ નથી.. કોઈ નથી એવું જે અમારા મિત્ર બનીને આવે અને અમને પૂછે, "કે તમારી તકલીફ શુ છે??" કેટલું બધું કહેવું છે અમારે.. પણ હવે તો દર્દ એટલો નસૂર બની ગયો છે કે રડવુંય નથી આવતું.. અને હસવુંય નથી આવતું!! આવા વિચારોથી ઘેરાઉ છું ત્યારે ડર લાગે છે કે ક્યાંક હું 'નેગેટિવ' તો નથી બની ગયો ને?? પણ કદાચ.. એવું નથી!! હું નેગેટિવ નથી, પોઝિટિવ પણ નથી.. અને એટલો ઉચ્ચ કક્ષાએ પણ નથી પહોંચ્યો કે 'સ્થિતપ્રજ્ઞ' બની જાઉં. કારણ કે હું એક શિક્ષક છું!! મારા વર્ગમાં રહેલા ૬૦ બાળકોને હું જોઉં છું ત્યારે એ વિચાર આવ્યા વગર નથી રહેતો કે સામે બેઠેલા ૬૦ બાળકોના માતાપિતાએ મારા પર ભરોસો મુક્યો છે, કે હું એમના બાળકને સારી રીતે ભણાવીશ!! ..પણ મારા ઉપરીઓને મારા પર ભરોસો નથી કે હું એમને ભણાવીશ!! એ રોજ આવે છે અને મને બીવડાવે છે.. કે જો તું આમ નહીં કરે ને?તો.. હું તારું અપમાન કરીશ! એ અધિકારીઓ એવાં 'પગારદાર' શિક્ષકોને કશું જ નથી કરી શકતા કે જે વગવાળા છે, પૈસાવાળા છે! હું મારી આમદાનીથી માંડ મારું ધર ચલાવી શકું એ પણ છીનવાઈ જાય તો મારા કુટુંબનું શું? એ વિચારે ચડું ત્યારે બીજી 'કમાઈ' કરવાનું વિચારું છું. પણ કરી નથી શકતો કારણ કે હું એક શિક્ષક છું! અને જો કદાચ હિમ્મત પણ કરું તો હું સફળ થાઉં, એની કોઈ ગેરંટી નથી, કારણ કે હું ૬૦ મા-બાપને છેતરી શકું એમ નથી! જેટલા અધિકારી એટલા વિચાર! એક કહે આમ કરો તો બીજો કહે આમ! એક કહે તમે બરાબર કર્યું છે, તો બીજો કહે તમે બરાબર કર્યું નથી! એમનામાં કોઈ જ એકસૂત્રતા નથી! શું કોઈ પરીક્ષા પાસ કરવા માત્રથી જ એ અધિકારી બનવાને લાયક બની જાય છે?? એમને મન એ શિક્ષક સારો કે જે એમની આગળ..પાછળ.. ફરે!! 'હાજી.. હાજી..' કરે!! હું તો એ પણ નથી કરી શકતો, કેમ કે મારે ભણાવવું છે! 'હાજી.. હાજી..' કરીને સમય નથી બગાડવો! બાળકને ભણાવતી વખતે હું સમય પણ ભૂલી જાઉં છું, અરે પેશાબ કરવાનું કે પાણી પીવાનું પણ યાદ નથી આવતું, કેમ કે મને મજા આવે છે બાળકોની સાથે, એમને ભણાવવામાં!! એ કોઈનેય નથી દેખાતું કે હું ધ્યાનસ્થ છું, મારા બાળકોની સાથે.. અને ઘુસી જાય છે મારી મેડિટેશનની જગ્યામાં - મારા વર્ગમાં! સાવ ક્ષુલ્લક લાગતી બાબતમાં- 'તમે પાટલી કેમ નથી મૂકી?' કહીને એ મારા ભગવાન જેવા બાળકોની સામે મારું અપમાન કરે છે?!!બાળક બિચારું શું જાણે કે શું થયું?.. એ નિર્દોષતાથી આવે મારી પાસે.. અને એની કાલીઘેલી ભાષામાં મને કહે, "મને નથી આવડતું" ..અને હું એના પર ગુસ્સે થઈ જાઉં.. અને હળવો ધબ્બો મારતા કહું, "કેટલી વખત સમજાઉ તને.. તો યે તને નથી આવડતું.." ..અને બીજી જ મિનિટે મને સમજાય કે આવું બોલીને મેં એનું મોરલ તોડી નાખ્યું! કોઈનેય નથી ખબર, પણ એ 'હળવો ધબ્બો' મને કેટલો જોરથી વાગ્યો છે?!! કારણ કે 'હું' અને 'મારા બાળકો' - અમે એકાકાર છીએ!! એ જ્યારે મારી સામે જુએ છે એની નાનકડી આંખોથી, ત્યારે હું આખેઆખો ચિરાઈ જાઉં છું!! ..અને એ ઉપરીની આંખોમાં મને પોતાના 'અહમ'ને પોષવાની વૃત્તિનો વિજય થતો દેખાય છે!! એના ચહેરા પર કોઈને ખાલીખોટી ખખડાવવાનો આનંદ છે! એને એક પ્રકારની મજા આવે છે, પોતાના 'ઉપરીપણાં'ને સાબિત કરવાની!! એ લોકો નથી જાણતા કે "બાળક કોઈ ટેબલ પર પડેલું આધારકાર્ડનું ફોર્મ નથી કે બે મિનિટ માં ભરાઈ જાય!! એ એક 'ચેતન' છે, જેને પોતાને ગમતું કરવું છે, જેને મન મજા આવવી એ અગત્યનું છે!! દ્રોણાચાર્ય જેવા વિદ્વાન પણ એક અર્જુન બનાવી શક્યા, પોતાના ૧૦૫ વિદ્યાર્થીઓ માંથી! હવે આટલા બધા બાળકો હોય તો સ્વાભાવિક છે, બધા પર વ્યક્તિગત ધ્યાન ન રહે! તોયે અહીં તો બધાને બધું આવડવું જોઈએ નો રાગ આલાપાય છે. શું એવું ન થઇ શકે કે શિક્ષણના અધિકારીઓ પોતે એક વર્ગ દત્તક લે! કે જે ૫૦/૬૦ નો હોય?!! ..અને એ લોકો નિશ્ચિત સમયમર્યાદામાં વર્ગના બધ્ધાંજ બાળકોને બધ્ધુ જ શીખવાડી દે, ભણાવી દે!! એ લોકો પાંચ મિનિટ પણ વર્ગમાં રોકાવા તૈયાર નથી હોતા!! એ ક્યારેય વર્ગમાં નહીં બેસે, નહીં જુએ કે શિક્ષકો શુ કરે છે? કેવી રીતે કેવી સ્થિતિમાં ભણાવે છે? શું એ ક્યારેય શિક્ષકોની જેમ નીચે ન બેસી શકે? સુચનાબુકમાં માત્ર અવાસ્તવિક સૂચનાઓ લખીને એ લોકો માત્ર પોતાનો બચાવ કરવા આવતા હોય એવું લાગે છે! સુચનાબુક ક્યારે માર્ગદર્શનબુક બનશે??એક દિવસ આવવું અને ઝાઝું બધું માન માંગવું..! આવે ત્યારે મિટિંગ અને માર્ગદર્શનના બહાના હેઠળ બધાને કલાકો સુધી રોકી રાખે, એમાં એ એવું ક્યારેય ન પૂછે કે 'તમારે શું તકલીફ છે?' માત્ર પોતાની કડકાઈના અને પોતાની વણમાંગી 'એકશનો'નાં જ બણગાં ફૂંકે!! 'મેં આમ કરી નાખ્યું, અને મેં તેમ કરી નાખ્યું..' આહ.. એમને આવું બધું બોલવાની તો શું મજા આવે? 'આત્મશ્લાધા'ની પણ એક હદ હોય!! એમને મન તો પોતાનું બાળક ભણે છે એવી કોઈ 'પોર્શ એરિયાની ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણતા' અને 'બિચારા માંડ રોજી મેળવી શકનારા સરકારી શાળામાં ભણતા' બધા જ બાળકોને સરખું જ આવડવું જોઈએ!!?? અરે ભાઈ, તમારે કોઈ દિવસ તમારી પ્રિય વ્યક્તિ જોડે થોડું બોલવાનું થયું હોય ત્યારે જોજો કે તમને આખો દિવસ નહીં ગમે!! ક્યાંય મન નહિ લાગે.. હવે જે બાળક રોજ પોતાના ઘરમાં 'હાંડલા' અને 'માં-બાપ'ને કૂસ્તી કરતા જોતો હોય એને મન 'ભણવું' એના કરતા અગત્યની વસ્તુ પોતાના મિત્ર જોડે રમવું અને શિક્ષકની પાસે 'વાલી' તરીકેની હૂંફ મેળવવું વધુ જરૂરી છે!! 'ચાઈલ્ડ સાયકોલોજી'ને માત્ર પુસ્તકમાં ભણવી, એના કરતાં 'બાળમાનસ'ને સમજવા માટે તમે લોકો કશુંય બોલ્યા વગર માત્ર અડધો કલાક વર્ગમાં બેસો ને તોય અધિકારી તરીકે તમે ટૂંકમાં સમજી જાઓ કે ખાટલે ક્યાં મોટી ખોડ છે?? કોઈ બાળકને કેમ આ નથી આવડતું, એમાં ઘણા પરિબળો કામ કરતા હોય છે એ સર્વવિદિત છે.. શિક્ષક તો માત્ર નિમિત્ત બને છે!! સાયકોલોજી ભણી હોય તો ખાસ યાદ કરજો કે 'બુદ્ધિ' વારસાગત હોઈ શકે છે. ભણેલા માં-બાપના સંતાનો થોડા જ પ્રયત્ને વધુ શીખે છે. પણ માંડ પૂરું કરતા અભણ માતા-પિતા હોય તો બાળકને શીખવામાં વાર લાગવાની!! અત્યારે સિનારિયો એ છે કે બધા બાળકને અમુક દિવસમાં બધ્ધુ જ આવડવું જોઈએ..! પછી ભલે એ શાળામાં આવે કે ન આવે!! 'મુછાળી માં' ગિજુભાઈ બધેકાએ પણ જ્યારે શિક્ષણના પ્રયોગો આચર્યા ત્યારે ચોથું ધોરણ સંભાળતી વખતે પોતાના ઉપરીઓને કહી દીધેલું કે મને મારી રીતના ભણાવવા દેજો, મહેરબાની કરીને મને કનડતા નૈ! અને 'દિવાસ્વપ્ન' જો કોઈ અધિકારીએ વાંચ્યું હોય તો(!!) યાદ હશે કે એમને પોતાના વિસ્તારના વાતાવરણ મુજબ વર્ગમાં ઘણા પ્રયોગો કરેલા, જેમાં ઘણા સફળ હતા, તો ઘણા નિષ્ફળ!! છતાંય વર્ષાન્તે ખુદ એમના જ ઉપરીઅધિકારી એમના વર્ગની સફળતાનાં વખાણ કરે છે! જેણે ક્યારેય ખુદ વર્ગમાં ભણાવ્યું જ નથી એવા લોકો શિક્ષણવિદ્વાનોની જેમ અધિકારી બનીને શિક્ષણની ચિંતા કરવા બેસે ત્યારે એમનું 'દિવાસ્વપ્ન' બિચારા ગરીબ લોકોના બાળકો જેમાં ભણે છે એવી સરકારી શાળાઓની ઘોર ખોદે એમાં શી નવાઈ??!! કારણ કે આવી સરકારી શાળાઓમાં એમનાં સંતાનો તો ભણતા જ નથી!!
*****

આતમરામનો સવાલ હજી ઉભો જ છે.. "આજે તે શું કર્યું??" મારો જવાબ - "જ્યારે મને 'હળવો ધબ્બો' જોરથી વાગ્યો ત્યારે મેં બમણી ઈચ્છાથી એ બાળકને 'ન' ની બાજુમાં કાનો કરીયે તો 'ના' થાય.. એવું શીખવાડ્યું. અને થોડીવારમાં જ એણે જ્યારે 'નાક' શબ્દમાંથી 'ના' ને શોધી કાઢ્યો, ત્યારે મેં એ બાળકની આંખમાં એક ખુશી જોઈ! 'ના' આવડી જવાની ખુશી!

મારા આતમરામે 'પ્રવૃત્તિ રજીસ્ટર'માં મારા નામની આગળ માઇલસ્ટોન પૂરો થયાનું 'ટિક' કર્યું હોય, અને પેલા અધિકારીને 'રેમેડીયલ'ની લિસ્ટમાં નાખીને ઈશ્વર સમક્ષ મોકલી આપ્યો હોય એવું લાગ્યું!!
*****

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો