રવિવાર, 9 ઑગસ્ટ, 2020

એજ્યુકેશન સિસ્ટમ અને કોમ્પિટિટિવ પરીક્ષાઓ

આ વીડિયો આપણા ઘર-પરિવાર-સમાજ-દેશનો અરીસો છે! 

ખાટલે મોટી ખોડ આપણી એજ્યુકેશન સિસ્ટમમાં છે, જે વર્ષો પહેલાં આપણાં બાપ દાદા પારખી ગયેલા! એ આવું કહી ગયા હોવા છતાં આપણે પણ આપણાં બાળકોને 'કિતાબી જ્ઞાન(!)' આપવાની પાછળ જ પડી રહ્યા કે નઈ?? નગ્ન અને વાસ્તવિક સત્ય એ છે કે આપણે બધાં જ આપણું બાળક નાનું હોય ત્યારથી જ એવું સપનું જોઈએ છીએ કે મારું બાળક 'મોટાં સાહેબ' (મીન્સ, નોકર.. યુ નો?) બને!! એ માટે આપણે તનતોડ મહેનત કરીએ છીએ! બાળકને નાનપણથી જ 'બે પુંઠ્ઠા' વચ્ચેનું બધું આવડે એ માટે મોટી ખાનગી ઇન્ટરનેશનલ અંગ્રેજી શાળાઓમાં ભણાવીએ છીએ, મોંઘાદાટ ટ્યુશનો રખાવીએ છીએ! આપણાંમાંથી બહુ ઓછાના બાળકો માતૃભાષામાં ભણતાં હશે જોઈ લેજો!

હું જ્યારે પણ છાપામાં, ટીવીમાં, સોશિયલ મીડિયામાં કોઈ ગરીબ/મધ્યમ/તવંગર કુટુંબના ૨૫ વર્ષનાં યુવાન કે યુવતીને IAS/IPS કે UPSC જેવી એક્ઝામ પાસ કરતાં જોઉં છું ત્યારે એમનાં પર 'પ્રાઉડ' તો થાય જ છે, પણ એક વિચાર આવ્યા વગર રહેતો નથી!! આવી પરીક્ષાઓ પાસ કરવા માટે આવા યુવાનો/યુવતીઓએ ખૂબ જ મહેનત કરી હશે. એ રોજનાં પંદર-વીસ કલાક વાંચતો હશે! ઊંચી ટકાવારી અને 'વિજ્ઞાન'નો વિદ્યાર્થી હોવા છતાં તે બાળક પોતાને ઘરનાં એક ખૂણામાં પુસ્તકોનાં થોથાની વચ્ચે પૂરી દે છે! માં-બાપ પણ એની મહેનતથી ખુશ છે. એને ભણવામાં ખલેલ ન પહોંચે એ માટે એકાંતમાં રાખવાની બનતી મદદ કરે છે! એ નથી સમાજમાં/મિત્રોમાં હળતો-ભળતો, કે પછી નથી ઘરની બહાર નીકળતો! 'ઇન્ફોર્મેટિવ થોથા'ઓની સાથે સાથે 'પોઝિટિવ થીંકીંગ' અને 'મોટીવેશનલ' પુસ્તકો વાંચીને એ UPSC/GPSC/IAS/IPS જેવી કોઈ હાર્ડ એક્ઝામને પોતાની ઉંમરના ૨૫માં વર્ષે જ ક્રેક કરે છે, અને કલેકટર બને છે!

આવી અઘરી એક્ઝામો પાસ કરનાર બધાં જ ટોપરો (થ્રી ઈડિયટના) 'ચતુર' તો હશે જ, પણ એમાં 'રેંચો' કેટલાં હશે?
જેને 'ઘરનાં ખૂણા'ની જ દુનિયા જોઈ છે, એને સ્ટેટ કે ડિસ્ટ્રિક્ટ ચલાવવા આપીએ તો શું થાય?

નાની ઉંમરમાં કલેકટર બની ગયા, એટલે વાહ.. સપનું પૂરું થયું! પોતે અચાનક લાઈમલાઈટમાં આવી 'સ્ટાર' બની ગયો છે! છાપા-મીડિયા-ટીવીમાં આટલી નાની ઉંમરે એ છવાઈ ગયો છે!એનું પોસ્ટિંગ કોઈ સારી જગ્યાએ છે! માં-બાપ ખુશ છે. હવે એની પાસે જે એનું લક્ષ્ય હતું એ છે - "પાવર"! 
બ્રાવો..!

હવે કહાનીમાં ટ્વિસ્ટ આવે છે...

જેણે ક્યારેય 'ઘર' સાચવવા/ચલાવવામાં પોતાના માં-બાપની મદદ પણ નથી કરી, એ નાની ઉંમરનાં 'મોટાં બાળક'ને આવી એક્ઝામ પાસ કર્યા પછી આખો 'જિલ્લો' કે પછી, પોતાનો 'ક્રાએટેરિયા' ચલાવવાનો પરવાનો મળી જાય છે! (સમજાય છે?.. નાની ઉંમરમાં 'એડમિનિસ્ટ્રેટિવ અધિકારી' બનવાનાં સપનાં ના-લાયક યુવાનો શું કામ જોતાં થઈ જાય છે?? ઘરમાં બેઠેલાં 'નવરાં'ઓ ગર્વથી એવું શું કામ કહેતા હોય છે, 'કોમ્પિટિટિવ એક્ઝામ'ની તૈયારી કરું છું??!! કેમ કે એ જાણે છે કે, 'જો એ પાસ થઈ ગયો તો 'શૂન્ય' પ્રેક્ટિકલ અનુભવે એ 'મોટો સાહેબ' બનશે!! 'ક્ષેત્ર-અનુભવ'નું અહીં કોઈ મહત્વ છે જ નહીં! સિસ્ટમમાં 'સાલું' ક્યાંક તો કશુંક ખૂટે છે!)

જો આ નાની ઉંમરનો 'મોટો સાહેબ'  રેંચો બનશે તો લોકોનું 'ભલું' કરવાં કોઈ લાલચુ નેતાની સામે પડીને પણ કામ કરશે.. બિલકુલ પ્રામાણિકતાથી! ..અને આવા નેતાની સામે પડવા બદલ સતત 'બદલીઓ'નો પુરસ્કાર અને લોકોનો આદર-પ્રેમ મેળવશે! એ એવો અધિકારી ક્યારેય નહિ બને કે જે કોઈનાં માતાપિતાને રાહ જોવડાવ્યા બાદ 'સડસડાટ' જતો રહે! 'ડાઉન ટુ અર્થ' રહીને 'ગ્રાઉન્ડ રિયાલિટી'ને આધારે પોતાનાં નિર્ણયો લેશે!

પરંતુ.. જો આ નાની ઉંમરનો 'મોટો સાહેબ' ચતુર નીકળ્યો તો..???

'ઇન્ફોર્મેટિવ થોથા' વાંચીને 'મોટા સાહેબ' બનેલાં આ યુવાને 'ગ્રાઉન્ડ લેવલ'ની રિયાલિટી/પુસ્તકોની બહારની દુનિયા જોઈ જ નથી! પોતાને 'થ્રી ઈડિયટ'ના 'રેંચો' માનતા આવાં 'ચતુરો' ચોર નેતાઓને એ જ દેખાડે છે, જે એ જોવા માંગે છે! ..અને એમની 'ગુડબુક'માં રહે છે! આ નેતાઓ પણ કેવા? અભણ હોય તો ય ચાલે! હું ખેડૂત નથી, તોય કૃષિમંત્રી બની શકું એવું જ કંઈક!! (એક માણસ પોતાની ભૂખ મટાડવા બીજા માણસના મરવાની રાહ જોતો એની બાજુમાં બેઠો હોય, એવો ભયંકર દુષ્કાળ જ્યારે અમુક સો વર્ષો પહેલાં ચીનમાં પડયો હતો, ત્યારે ચીનના તે સમયના રાજાને નવાઈ લાગતા કહેલું, "આ લોકો માણસને શુ કામ ખાય છે? માણસની જગ્યાએ મુરઘીનો સેરવો કેમ નથી પીતાં?!!" એ રાજા એટલી પણ ગ્રાઉન્ડ રિયાલિટી નહોતો સમજતો, કે જ્યારે કોઈ જાનવર જ બાકી ન રહ્યું હોય, ત્યારે જ લોકો એકબીજાને જ ખાવાના ને!! અંતે, એ રાજાએ લોકો પોતાનાં સંતાનોને વેચી શકશે, એવો ઠરાવેલું! ..જેથી લોકો (સેરવો!!) ખાવા પામી શકે! સંદર્ભ: માર્ચ ૨૦૨૦ સફારી!)

આ નાની ઉંમરના 'મોટાં સાહેબ' પાછાં 'ઉછળતું લોહી' હોઈ, પોતાનાં નિર્ણયોની સામે કોઈ વિરોધ કરે તો..? રિયાલિટી સમજ્યા વગર જ 'કડક હાથે પગલાં' લે! કારણ કે એણે નાનપણમાં 'મોટાં સાહેબો'ને આવાં જ 'ભાવ' ન આપતાં જોયાં છે! આવાં 'ચતુરો'નો વિરોધ કરવાં કરતાં 'ખોટું' કરવું સારું, એવું માનનારા વધે છે! પરિણામે કોઈ પણ કાર્ય, માત્ર ને માત્ર, 'પરિણામ લક્ષી' બને છે, 'વાસ્તવિક લક્ષી' નહિ! ગ્રાઉન્ડ લેવલ'ની રિયાલિટી સામે આંખ આડા કાન થાય છે. મતલબ કે, મારા દીકરી 'ઓનલાઈન' શિક્ષણ લઈ શકે છે, એટલે બધાં જ લોકો લઈ શકે, સમથિંગ એવું જ! હું ૨૦૦૦૦ નો ફોન રાખી શકું તો બધાં રાખી જ શકે.. એવું જ કંઈક! પોતાની આવક કરોડોમાં છે એટલે ગરીબ-મધ્યમવર્ગના લોકોની આવક ૬૦૦૦૦૦ ની ઉપર જ હોય એવું જ કંઈક!! મારુ પેટ ભરેલું છે, એટલે કોઈ ભૂખ્યું નથી એવું જ કંઈક!! પરિણામે સતત નિર્ણયો બદલાતા રહે, કોઈ કામ સ્થાયી થાય જ નહીં! પરિપત્રો 'નિર્ણય' નહિ, પણ 'પ્રયોગ' બને! પોતાનાં તુઘલખી નિર્ણયોને સાચા સાબિત કરવા 'પરિપત્ર પર પરિપત્ર' અને 'પાવર'નો ઉપયોગ થાય, અને પીસાય કોણ? કહેવાની જરૂર ખરી??!!

ક્લાસ વન એકઝામની તૈયારી કરતા 21 થી 25 વર્ષના યુવકો/યુવતીઓ, દિવસના બાર-પંદર કલાક વાંચવા માટે પોતાને ઘરના એક રૂમમાં બંધ કરીને, જયારે GPSC/UPSC જેવી એક્ઝામો પાસ કરે છે અને કોઈ મોટા હોદ્દા પર બેસે છે ત્યારે એમને સામાન્ય પ્રજાજનો/કર્મચારીઓ/પોતાના વિસ્તારની વાસ્તવિક પરિસ્થિતિનો શું ખ્યાલ હોય? જે હજી પરણીને ઘર ચલાવતા નથી થયા એમને પોતાના 'ક્રાયેટેરીયા' વિસ્તાર ચલાવવાનો શું અનુભવ હોય? 'યુવાનીનું ઊછળતું લોહી' પોતાના 'પુસ્તકિયા જ્ઞાન'ના જોરે એ.સી. ઓફિસમાં બેસીને 'બ્યુરોક્રસી' હેઠળ કોઈ અભણ નેતાની ઈચ્છાઓને પૂરી કરવા વાસ્તવિક દુનિયામાં એવા અવાસ્તવિક અને તુઘલખી નિર્ણયો લેતા હોય છે કે જેનાથી સામાન્ય પ્રજાજનોની કમ્મર ભાંગી જાય છે!! ..અને 'વિવેક' 'પ્રમાણિકતા' 'સત્ય' અને 'નિષ્ઠા' માત્ર કાગળ પર રહી જાય છે!! વેલકમ ટુ ન્યુ ઇન્ડિયા.. જ્યાં વર્ષોના અનુભવીઓ નહિ, પણ 'પુસ્તકિયા જ્ઞાની'ઓ મોટા હોદ્દા પર બેસે છે, અને 'નહીવત ભણેલાં' મંત્રીઓ બને છે!

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો