https://www.facebook.com/share/p/1BKQFxVphe/
બધાં ભલે નવું વાહન લેવાનાં ફોટા મૂકે..
મારે તો.. 'દિલ સે..'ની દિલથી અલવિદા!
********
હજુ તો પંદરેક દિવસ પહેલાં જ કોઈકે પૂછેલું, "સાહેબ, પેલી 'દિલ સે..' બાઇક હજુ છે કે વેચી નાંખી??"
"એ હજુ પાંચ વર્ષ ચાલે એમ છે.. હજુયે અડીખમ છે.. મારી જેમ!" એ મારું ગર્વ હતી, એટલે જ હું 'ગર્વ'થી બોલી શકતો!!
********
વર્ષ- માર્ચ 2007.. સૌરાષ્ટ્રમાં ગિરગઢડા ખાતે શિક્ષકની નોકરીમાં લાગ્યો, ત્યારે બાઇક આવડતું પણ નહિ કે હતું પણ નહીં! અમદાવાદમાં બે વર્ષ નિકોલ ખાતે 'શ્રી રંગ' પ્રાઇવેટ શાળામાં નોકરી કરી એ દરમિયાન રહેવાનું છેક નારોલ હતું, તોયે હીરોઇનના ગાલ જેવા રસ્તે અંદાજે રોજનું 35-40 કિમિ સાયકલિંગ, થાકી જવાય તોયે, પ્રમાણમાં સરળતાથી થતું.. પણ અહીં ગિરગઢડા થી 10-11 કિમિ દૂર વેલાકોટ પ્રા. શાળાએ 'ઉબડ-ખાબડ' રસ્તે કેવી રીતે જવું.. એ પ્રાણપ્રશ્ન બન્યો!!
શરૂઆતમાં એક શિક્ષકમિત્ર સાથે જતો.. પણ હું આજેય દ્રઢપણે એવું માનું છું કે ત્યાં બહુ ઓછા લોકો 'પંક્ચ્યુઅલ' છે! ગિરગઢડા મેઈન બજાર/સ્ટેશને સવારના 7 વાગ્યાથી આ શિક્ષક મિત્રની રાહ જોતો હોઉં, ત્યાં એ છેક સવા/સાડા આઠે આવે.. એટલે એવી અનિયમિત પાર્ટનરશીપ પંદરેક દિવસથી વધુ ન ચાલી! વળી, મને હંમેશા એવું લાગતું કે એ શિક્ષકમિત્ર સ્ત્રીઓને પોતાની બાઇકમાં બેસાડવા વધુ રસ ધરાવતાં હતા! સ્ટાફના સ્થાનિક મિત્રોએ શાળાએ પહોંચવા એકબીજા સાથેનું શેરિંગ શોધી કાઢ્યું.. પણ હું રહ્યો 'અમદાવાદી'.. એટલે લોકલ લેંગ્વેજમાં કહું તો 'હરામજાદી' તો હોવાનો જ!!
..આખરે મારી અમદાવાદી 'પંક્ચયુઆલિટી'નું સ્વમાન જાળવવા એક 'હરામજાદી' વિચાર કર્યો.. હું પણ બાઇક લઈશ.. જાતે જ લઈશ.. ખુદના પૈસાથી.. ત્યાં સુધી શાળાએ જવા..?? 'અપના પગ.. જગન્નાથ..'!!
'ખુદના પૈસાથી જ લઈશ' ..આવો હઠાગ્રહ એટલે કરેલો કેમ કે જો કુટુંબ સધ્ધર હોત તો અમદાવાદમાં બે વર્ષ રોજના 35-40 કિમીના હિસાબે 'સાયકલિંગ' થોડો કરતો હોત??!!
૨૫૦૦ રું ના માસિક પગારે તો બાઇક આવી રહ્યું! જૂન-2007 થી ડિસેમ્બર-2007 સુધી બાઇક માટે પૈસા ભેગાં કરવાં 'કંજુસાઈ'ની હદ સુધી ગયેલો! આ છ માસમાંથી પ્રથમ ચાર મહિના તો ગિરગઢડાથી વેલાકોટ ચાલીને ગયો.. પણ અંતે અતિશય કૃશ થઈ ગયેલા શરીરને 'પોરો' આપવા છેલ્લાં બે મહિના એક સાયકલ પણ લીધેલી!
અંતે.. ડિસેમ્બર-2007 ઘરે અમદાવાદ આવ્યો, અને રોકડાં 18000૱ આપ્યા.. એક જૂનું બાઇક લેવા! મારાં મમ્મીજી બાપુનગર 'ચિરાગ ડાયમંડ'ની સામે હીરો-હોન્ડા શૉ-રૂમમાં સફાઈ કરવા જતાં.. એટલે ત્યાંની આવી 'નાનકડી' ઓળખાણથી ભાઈએ નવું બાઇક પસંદ કર્યું.. 'સ્પ્લેન્ડર NXG'!! ..અને બાઇક ઉપર લખાવ્યું.. 'દિલસે..'!! ..કારણ કે મારું ફેવરિટ મુવી 'દિલ સે' છે!!
હજુયે બાઇક એવું તો પાક્કું નહોતું જ આવડતું.. પણ રોજનાં 20-22 કિમિ ચાલવા કરતાં.. બાઇક ચલાવવું સહેલું પડશે એવુ વિચારીને ભાઈ સાથે અમદાવાદથી ગિરગઢડાની 380 કિમીની પહેલી લાંબી સફર શરૂ કરી!!
2008ના નવા વર્ષના પહેલાં જ દિવસે શાળામાં બાઇક લઈને મેં એન્ટ્રી મારી.. અને જાણે કે વર્ષોનો મારો થાક ઉતરી ગયો!! ગિરગઢડામાં હજુયે ઘણાં મિત્રો મને 'દિલ સે..'થી જ ઓળખે છે!!
*********
લમસમ 14 વર્ષથી એ હદયની નજીક રહી છે!! આ જ બાઈકથી લગભગ 80% ગુજરાત ફરી ચુક્યો છું!! ક્યાંય જવાનું નક્કી થયું કે બાઇક લઈને જ જવું.. એ વણલખ્યો નિયમ બની ગયો.. પછી એ આખું સૌરાષ્ટ્ર હોય, સ્ટેચ્યુ ઓફ યુનિટી હોય, પાટણ હોય કે છોટા ઉદેપુર હોય.. કે પછી ગિરગઢડાથી અમદાવાદનું રૂટિન વેકેશનમાં આવવું-જવું હોય.. ગમે તે હોય!! બાપાનાં પૈસે આવી હોત તો ક્યારનીયે 'ખતમ' થઈ ગઈ હોત.. પણ ખુદના પૈસે આવી હતી એટલે ક્યારેય 55 ની ઉપર નથી ગઈ!!
આખરે ગયા વર્ષે એણે મને એની 'વૃદ્ધતા'નો પરિચય કરાવ્યો.. ડેડીયાપાડાનાં જંગલમાં!! એ અટકી ગઈ.. અને મને પહેલીવખત એવું થયું કે હવે એ 'વિદાય' માંગી રહી છે! કીક મારતાં થાકી ગયો.. અંતે અચાનક ચાલુ થઈ! આગળની સફર અધૂરી મૂકીને હું પરત ફરી ગયો! જોકે ત્યારબાદ એ પાછી ક્યારેય બંધ નથી પડી!!
**********
અચાનક જ એવાં સંજોગો ઊભાં થઈ ગયા કે જાણે એણે જ વિદાય લેવાનું નક્કી ન કર્યું હોય?!! હજુ પંદરેક દિવસ પહેલાં જ હું કોઈકને ગર્વથી કહેતો હતો કે, ""એ હજુ પાંચ વર્ષ ચાલે એમ છે.. હજુયે અડીખમ છે.. મારી જેમ!"
જી હા.. હું થોડો ભાવુક છું અત્યારે..
*નવી બાઇકની ખુશી તો છે જ!!*



..પણ 'દિલસે' તો ગર્વ હતી! હું અભિમાનથી કોઈનેય કહી શકતો.. કે 200-500 કિમિ મારી બાઇક રમતાં-રમતાં ખેંચી લેશે.. વચ્ચે દગો નહિ આપે!
**********
-યજ્ઞેશ રાજપુત
લ.તા. 12.7.21
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો