..આજે જન્મદિવસે અદભુત ગિફ્ટ મળ્યું, અને હું મારું રડવું ખાળી ન શક્યો!
*********
18380ft ઉપર ખારડુંગ-લા એ ભારતનો હાઈએસ્ટ પિક પર આવેલો મોટરેબલ પાસ કહી શકાય એટલો ઊંચો છે. લેહ સિટીનું તાપમાન 7℃/8℃ હતું, અને ખારડુંગ-લાનું -3℃/-4℃ જેટલું! સૌથી ખતરનાક ઝોજી-લા પર ચડતી વખતે મારી અર્ધાંગિનીજીના હાથ 0℃માં લીલા રંગનાં થઈ ગયેલા! મને ડર હતો કે ખારડુંગ-લામાં -3℃/-4℃માં તન્વીને/મને/મારા અર્ધાંગિનીને કંઈ નુકસાન થયું તો હું મારી જાતને માફ નહિ કરી શકું! વળી, 9800ftની ઊંચાઈ પર તન્વીને શ્વાસની તકલીફ થઈ હોઈ સોનમર્ગમાં સ્થાનિક પી.એચ.સી.ના ડૉક્ટર પાસે લઈ જવી પડેલી! ખારડુંગ-લા તો લગભગ ડબલ ઊંચો-18380ft પર હતો!
...ખૂબ જ અવઢવને અંતે નક્કી કર્યું, માત્ર ખારડુંગ-લા જઈશું, જો ચડી શક્યા તો ઠીક, બાકી આ વખતે કોઈ જોખમ લીધા વિના પાછા ફરીશું! ..આખરે મારી દીકરી તન્વીને દાવ પર લગાવી હું છેક નુબ્રા કે પેંગોંગ જવાનું ન વિચારી શકું!.. એ મોટી થાય પછીની વાત અલગ છે!
********
સવારે ખારડુંગ-લાનું વાતાવરણ ખૂબ જ નીચું (-9℃) હતું, એટલે બપોરે 12 વાગે ઓક્સિજન સિલિન્ડર લઈને અમે અમારી BISON પર હાઈએસ્ટ પીક સર કરવા નીકળી પડ્યા! લેહથી ખારડુંગ-લા માત્ર 40 કિમિ જેટલું દૂર છે, પણ શરૂઆત જ લગભગ 30°-40°-50° જેટલો ઢાળ ચડવાથી થાય છે. લગભગ પોણા કલાકમાં અમે 13000ft ની ઊંચાઈમાં 'લેહ વ્યૂ પોઇન્ટ' પર આવી ગયા. હવે ક્રમશઃ ચડવાનું શરૂ થયું. માત્ર પહેલા-બીજા ગિયરમાં BISON પૂરી તાકાતથી અમને લઈને ટોચ સર કરવા ચડી રહી હતી. ભયાનક વળાંકોમાં જો સહેજ પણ ધ્યાન હટે, તો એટલાં નીચે જઈએ કે જીવતાં ન બચીએ!.. એમાંય જો તીવ્ર વળાંકોમાં કોઈ મોટું વાહન/ઇવન કાર આવે તોયે થોડાં તો લડખડાઈએ જ!.. એકલાં બાઈક પર જવું અને ફેમિલીને સાથે બાઈક પર જવું- આ બંને બાબતોમાં ખૂબ જ અંતર છે! ફોર વ્હીલમાં સેફટી સમજી શકાય એવી છે!
..આખરે દોઢેક કલાક બાદ અમે 15300ft પર આવેલાં ચેકપોસ્ટ 'સાઉથ પુલ્લુ'માં પહોંચ્યા. એન્ટ્રી કરાવવા માટે પંદર-વીસ પગથિયાં ચડવાના હતા. એટલું ચડતાં તો મારોય શ્વાસ ફૂલી ગયો. છેક અમદાવાદથી ખારડુંગ-લા સર કરવા અમે નાનકડી 109cc ની BISON પર અત્યારસુધી લગભગ 5 સ્ટેટ ફરતાં ફરતાં 4000+કિમીનું અંતર કાપી ચૂક્યા હતા.
હવે થોડુંક જ આગળ વધ્યા ત્યાં તો મારા હાથ ઠંડીમાં સુન્ન થઈ ગયા. શરીરમાં 0℃ ઠંડીમાં જાણે કીડીઓ ચટકા ભરે એવું ફીલ થવા માંડ્યું. મેં તરત જ હાથનાં 0℃ માં વાપરી શકાય એવા ડબલ મોજાં પહેર્યાં. મોબાઈલમાં વીડિયો ઉતારતાં મારા અર્ધાંગિનીને હું સતત મોજાં પહેરવાની ટકોર કરતો હતો, કેમ કે ઝોજી-લા વખતે એમનાં લીલા પડી ગયેલા હાથ મારાં સ્મૃતિપટલમાં હતા! સખત ઠંડી અને આટલી ઊંચાઈએ સુકડાઈને બેઠેલી તન્વીને હું થોડી-થોડી વારે પૂછતો, "બધું બરાબર છે ને બેટાં?''..એ ધ્રુજતાં અવાજે માત્ર એટલું જ બોલતી, "હા!"
રસ્તાની બંને બાજુ બરફ અને સાથે ઊંડી ખાઈ, ઓગળેલાં બરફનું પાણી, રસ્તા પરના ખરાબ પેચીસ અને 50°-60°ની સ્ટીપ ચડાઈ.. અમારી BISON ફૂલ થ્રોટલમાં પણ માંડ 10ની સ્પીડે ચડી રહી હતી! મોટાં વાહનોય હાંફી જતાં અને સ્ટીપ ઢાળ પર થોડીવાર માટે અટકી જતાં હતાં!
...અને આખરે અમને એક બોર્ડ દેખાયું, 'WELCOME TO KHARDUNGLA PASS'! ..અને હું ખુશીથી ઝૂમી ઉઠ્યો! તન્વીએ પણ કંઈક બોલીને અને બુમો પાડીને પોતાની ખુશી જાહેર કરી! ..ખારડુંગ-લા માઇલસ્ટોન પાસે બાઈક લઈને પહોંચતા હોય એવો આખો વીડિયો સેલ્ફી મોડમાં મારા અર્ધાંગિનીજીએ ખૂબ જ યાદગાર રીતે ફિલ્માવ્યો છે!
...અમે ભારતના ટોપ મોટરેબલ પાસમાં જેની ગણના થાય છે, એવાં લગભગ 18000ft ઊંચા ખારડુંગ-લામાં પહોંચી ગયા હતા! જે લોકો અમને સતત ટ્રેક કરી રહ્યા હતા, એમાંના કેટલાંક લોકોએ અમને સવાલો પૂછવાનું શરૂ કરી દીધું હતું!
..આખરે થોડીવાર પછી અમે એ પીળાં રંગના માઇલસ્ટોન પાસે ફોટો પડાવ્યો!.. સૌથી યાદગાર પળ હતી એ!
અહીં મેગી ખાઈને અમારી જર્ની પૂર્ણ થઈ! હવે ઘરે પાછા ફરવા માટે પાછા નવ દિવસ થવાના હતા!
********
એક્ચ્યુઅલી મારે આગળ વધવું હતું, પણ 23/5/23ની સાંજ પછી ગૂગલમાં વાતાવરણ 50 થી 90% રેઇન ચાન્સીસ બતાવતા હતા. મેં આગળ કહ્યું એમ હું મારા ફેમિલીને જોખમમાં મૂકીને આગળ વધવા નહોતો માંગતો. વળી, મારા અર્ધાંગિનીજીએ પણ કહ્યું, "બસ હવે પાછા વળીએ." ..મેં સ્વીકાર્યું! મારી અદમ્ય ઈચ્છા હતી કે 23/5/23 એ મારા બર્થડે પર કાં તો ખારડુંગ-લા હોવું અથવા તો પેંગોંગ લેક પર હોવું! એમાંનું ખારડુંગ-લા સર થઈ ગયું હોઈ હું ખુશ હતો! ..અને અમે પાછા લેહ આવી ગયા! સાંજે શાંતિ સ્તૂપમાં એક અજીબ શાંતિનો અનુભવ થયો!
*********
23 તારીખે મારા બર્થડે પર તન્વીએ મને એની પાસે છુપાવી રાખેલું એક ચિત્ર ગિફ્ટમાં આપ્યું, અને એ જોઈને હું કશું જ ન બોલી શક્યો, માત્ર રડતી આંખે કહ્યું, "થેંક્યું!"
*********
એક અજીબ અનુભવ, ખારડુંગ-લાનાં -3℃/-4℃ ઠંડીમાં પણ ઠંડી નહોતી લાગતી! અમે હાથના મોજાં કાઢી નાખ્યા હતા, ઘણા લોકોએ તો પોતાનું જેકેટ પણ કાઢી નાખ્યું હતું! પોસીબલ છે એડ્રિંનલીન રશને કારણે થતું હોય!
અહીં ખાલી એક નાનકડો વીડિયો વિધાઉટ મ્યુઝિક મુકું છું, કેમ કે આ વિડીયોનું મ્યુઝિક હૃદયમાં વાગી રહ્યું છે. આખો વીડિયો યુટ્યુબ પર છે. અહીં લિંક મુકું છું.
👇👇👇
https://youtu.be/3ckOCbRPkkc
********
-યજ્ઞેશ રાજપૂત
લ.તા.25.5.23
#vacationonbike
(અમારા આખા બાઈક પ્રવાસન ડે બાય ડે ના વીડિયો જોવા યુટ્યુબ ચેનલ 'Vacation on Bike' ની મુલાકાત લેશો.)
https://www.facebook.com/share/p/1GMm9qTBNq/
https://www.facebook.com/share/p/1P6NUddHQh/
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો