બુધવાર, 4 માર્ચ, 2020

ભારતીય શિક્ષણ પ્રણાલીને થપ્પડ મારતાં નાઝીમ અને દિલાવરખાં

"અલા.. નાઝીમ, તું અહીં ક્યાંથી?" નામ કદાચ ભુલાઈ ગયું હોય એટલે મેં કન્ફર્મ કરવા પૂછ્યું, "તારું નામ નાઝીમ જ ને??"

"હાં સર.." 
એનું નામ મને હજીયે યાદ છે, એ સાંભળીને એનાં ચહેરા પર ખુશી સ્પષ્ટ દેખાઈ! એ ખુશ થતાં બોલ્યો, "મૈને નયા ફોન લિયા હૈ.."
*****

૨૦૧૩ માં મારાં વર્ગમાં હતો એ! બિચારો કોશિશ તો ઘણી કરે, પણ કાંઈ આવડે જ નહીં! ..પણ શાળાના તથા બહારના કામ પરફેક્ટ કરી જાણે!! પોતાની લંબાઈ પહોળાઈને કારણે વર્ગમાં બીજાં બાળકો કરતાં મોટો લાગે, પણ ખુશ મિજાજી! શાળાના એ વર્ષનાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં 'નન્હા મુન્ના રાહી હું..' ગીત પર બીજાં એનાં કરતાં ખરેખર નાના બાળકો સાથે એણે પરફોર્મ કર્યું, ત્યારે એની ખૂબ મસ્તી કરેલી, 'તું ક્યારથી નન્હો મુન્નો થઈ ગયો ભાઈ..??' 

ભણવામાં ભલીવાર નહીં થાય, એ બહુ જલ્દી સમજી ગયેલો! પરિણામે શાળામાંથી સર્ટી લઈ એ.સી. રીપેરીંગ શીખવા માંડેલો, અને હવે સ્ટીલ પાલિસનું કૈક કામ કરે છે.  રોજના ૪૦૦-૫૦૦ કમાય છે અને પરિવારને નાણાંકીય મદદ કરે છે, જ્યારે એની જ સાથેનાં બીજાં બાળકો હજુયે ભણવાના નામે રખડપટ્ટી કરતા હું જોઉં છું, ત્યારે ખરેખર હું મારી એ વાત પર વધુ દ્રઢ થતો જાઉં છું કે ભારતીય મૂળ શિક્ષણ પ્રણાલીમાં આ બાળક વધુ ફિટ બેસે છે! વધુ ભણેલો દરેક કામને નાના-મોટાની દ્રષ્ટિએ જોતો હોય છે, અને એવો અહમ પણ રાખતો હોય છે કે, "હું આટલો ભણેલો, આવું નિમ્ન કામ કરૂં?" પરિણામે બેરોજગાર બને છે! જ્યારે આ ટાઈપના દરેક લોકો, કે જેઓ ભલે વધુ ભણ્યા ના હોય પણ દરેક કામ/નોકરીનું માન જાળવે છે, પરિણામે એમને બેરોજગારી નડતી નથી! અને નાની ઉંમરમાં જ મેચ્યોરિટી સાથે વટથી જીવતા હોય છે! આ જ બાળક મારા વર્ગમાં હતો, ત્યારે 'પ્રિય બાળક' (૧૦૦ કરોડ શુક્રાણુઓમાંથી જે શુક્રાણુ સૌથી વધુ બળવાન હોય એ ઈશ્વરના આશીર્વાદથી બાળક બને છે, અને માત્ર અક્ષરજ્ઞાન ન આવડવાને કારણે શિક્ષણખાતું એને 'પ્રિય બાળક' એવું ઉપમાન આપીને ઈશ્વરનું અપમાન કરે છે!!) કહેવાતો!.. પણ હાલ આ જ બાળક વટથી મને કહેવા આવ્યો છે કે "જબ મેરી શાદી હોગી, તબ મૈં આપકો બુલાઊંગા!" આવા બાળકો આપણી ભારતીય શિક્ષણ પ્રણાલીને એક મોટી 'થપ્પડ' સમાન છે, કે જેઓ પોતાના કૌશલ્ય થકી મારી જેમ સરકારી નોકરી કરીને 'સોનાનાં પિંજરા'માં બંધ નથી રહ્યા!! 

મારી શાળામાં જ ભણતો દિલાવરખાં પણ આવી જ રીતે આપણી 'કારકુન પેદા કરતી શિક્ષણ પ્રણાલી'ને 'થપ્પડ' મારીને વટથી કાલુપુર શાકમાર્કેટમાં પોતાનો ધંધો જમાવીને પોતાનું કુટુંબ ચલાવી રહ્યો છે! હું જ્યારે જ્યારે શાકમાર્કેટમાં જઉં ત્યારે એની પાસેથી શાક લેવાનું ચૂકતો નથી! 'દિલાવરખાં' પોતાની જીભ કાપવાનો મદારીનો ખેલ કરતો! ..અને નાનપણથી જ પોતાની ૩ બહેનોની સાથે કુટુંબનું પણ પૂરું કરતો! હું આજેય એને 'જાદુગર' જ કહું છું, કેમ કે વર્ગમાં ઘણીવાર એ પોતાના મદારીના નાના નાના ખેલ કરી બીજા બાળકોને મોજ કરાવી દેતો! આવા લોકો કોઈનાય મોહતાજ નથી હોતા! બસ.. પોતાનું કુટુંબ એ જ એમની દુનિયા!

વીડિયો નીચેની લિન્કમાં👇👇

https://m.facebook.com/story.php?story_fbid=2719258251515720&id=100002947160151

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો