બુધવાર, 4 ઑગસ્ટ, 2021

*ઘરડાંઘર શા માટે ઉભરાય છે??*

*ઘરડાંઘર શા માટે ઉભરાય છે??*

હું નાનો હતો ત્યારે મારા ઘરે ત્રણે ત્રણ છાપાં આવતા - ગુજરાત સમાચાર, સંદેશ અને દિવ્યભાસ્કર! એમાં બુધવાર અને રવિવારની પૂર્તિઓ મને વાંચવી એટલી ગમતી કે આ દિવસોએ પેપર વાંચતાં મને ઓછામાં ઓછાં ત્રણ-ચાર કલાક તો થઈ જ જતાં!! પુસ્તકો તો હતાં જ નહિ, પણ પૂર્તિઓમાં કશું બાકી ન રાખતો! બધું વાંચતો.. દરેકને વાંચતો.. અને આમ જ હું લોકોને વાંચતા વિચારતાં પણ શીખ્યો! નવાં વિચારો ધરાવતો થયો.. સમજતો થયો.. દુનિયા કઈ તરફ જઈ રહી છે એ જ્યારે સમજાયું ત્યારે હું એક સુંદર દુનિયામાં રહું એનાં સપના પણ જોતો! વાંચનથી દુનિયા નજર સામે આવી જાય છે.. એ ખોટું તો નથી જ! ..પણ જેમ જેમ જ્ઞાન વધે એમ એમ મૂંઝારો પણ વધતો જાય છે! સંવેદનશીલતા વ્યક્તિને વ્યથિત કરતી હોય છે! પોતાની આસપાસ ઘટતી ખોટી બાબતો, ખોટાં લોકો અને ખોટી વસ્તુઓની સમજ વધતી જાય ત્યારે આ અકળામણ પણ વધતી જાય છે! ..ક્યાં જવું એ સમજાતું નથી! જો તમે 'રોકસ્ટાર' મુવી જોયું હોય તો સમજાશે કે 'રોકસ્ટાર' જોર્ડનને અને 'રંગ દે બસંતી'માં અસ્લમને એનાં કુટુંબથી કઇ બાબતે અકળામણ હતી!!?? 
************

એક વાર્તા વાંચેલી.. હિન્દીમાં હતી.. અધકચરી યાદ છે!! 

એક બાર-પંદર વર્ષનો છોકરો હતો. એનાં ઘરની બાજુમાં  પતિ-પત્ની અને બાળકવાળું મોડર્ન કુટુંબ ભાડે રહેવા આવે છે. ત્રણેય પોતાની દુનિયામાં મસ્ત છે. એ ઘરમાં રહેતી સ્ત્રી ખૂબ હસમુખી અને શાલીન છે. છતાંય એ કુટુંબ ત્યાં ટૂંક સમયમાં જ લોકોની અદેખાઈનો અને ઇર્ષ્યાનો ભોગ બને છે. આ બધું પેલો છોકરો જોવે છે અને એનાં મનમાં દ્વંદ્વ શરૂ થાય છે.. કઈ બાબતનો દ્વંદ્વ??

એ છોકરાનાં મનમાં એ શાલીન સ્ત્રીની, પોતાની મમ્મીની તથા સોસાયટીમાં રહેતી બીજી સ્ત્રીઓની વચ્ચે તુલના શરૂ થાય છે! એક વખત ક્રિકેટ રમતાં બોલ એ શાલીન સ્ત્રીના ઘરમાં ગયો.. તો બીજી સ્ત્રીઓની જેમ એણે બોલ નહોતો લઈ લીધો! એ સહેજ પણ નહોતી ખીજાઈ, ઉલટાનું દરેક બાળકને શરબત પીવડાવેલું! એ સ્ત્રીએ આવું કર્યું એટલે એ છોકરાની મમ્મી એ સ્ત્રીને સમજાવવા ગયેલી કે આવું કરીને સોસાયટીના છોકરાઓને માથે નહિ ચડાવો! છોકરાંને આ જોઈને પોતાની મમ્મી પર ગુસ્સો ચડે છે. 

એમનાં ઘરમાં પતિ-પત્ની હંમેશા ખુશ જોવા મળે છે, ક્યારેય ઝઘડાની વાત નહિ, જ્યારે છોકરો પોતાનાં ઘરને જુએ છે ત્યારે એનાં મમ્મી-પપ્પા વચ્ચે થતાં ઝઘડાથી કંટાળે છે! એ વિચારે છે મારાં મમ્મી-પપ્પા કેવાં ઝઘડાળું છે! પોતાની મમ્મી નાની નાની વાતમાં એ શાલીન સ્ત્રીની ઈર્ષ્યા કરે એ છોકરાંને બિલકુલ નથી ગમતું! વળી, એની મમ્મી સોસાયટીની બીજી સ્ત્રીઓની સાથે બેસીને એ શાલીન સ્ત્રીની અદેખાઈ જ કરતી હોય છે! .."બહુ નવાઈની જો તો  કેવાં નવાં કપડાં પહેરે છે?" "જો તો બધાની સાથે કેવી હસી હસીને વાત કરે છે?" "જો તો એનાં પતિની રાહ જોઇને કેવી ઉભી રહે છે?" "બધાં છોકરાઓને તો કેવાં માથે ચડાવ્યા છે?" ...આવા બધાં વાક્યો હવે દરરોજ એ છોકરો એની મમ્મીના અને સોસાયટીની બીજી સ્ત્રીઓના મોઢે બોલતાં સાંભળતો અને દુઃખી થઈ જતો! એક દિવસ તો બધી સ્ત્રીઓએ ભેગી થઈને હદ કરી નાંખી અને એ સ્ત્રી પર કોઈ લાંછન લગાવી દીધું! બધી સ્ત્રીઓ ભેગી થઈને એની સાથે ઝઘડે છે! ..અંતે તેઓ મકાન ખાલી કરીને જતાં રહે છે! ..અને સોસાયટીની બધી સ્ત્રીઓની સાથે એની મમ્મી પણ એમને જતાં જોઈને ખુશ થઈ જાય છે! ..એમનાં જતાં રહ્યાં પછી એ છોકરો પોતાની મમ્મીને જોઈને શું વિચારે છે..?? 

"કાશ... પેલી શાલીન સ્ત્રી મારી મમ્મી હોત તો કેવું સારું થાત!! હું એમનાં ઘેર જન્મ્યો હોત તો કેવું સારું થાત!!"

.....કદાચ ઘરડાંઘરો ઉભરાવાનું કારણ માત્ર સંતાનો ખરાબ હોય છે, એ નથી હોતું.. ઘણીવાર માતા-પિતા પણ એટલાં ખરાબ હોય છે, સંતાન કંટાળીને એમને છોડી દેતું હોય છે! તાળી બે હાથે જ વાગતી હોય છે. ફાંસીએ ચડેલો ગુનેગાર મૃત્યુ પહેલાંની પોતાની અંતિમ ઇચ્છામાં પોતાની માતાનું નાક કરડી ખાય છે.. એ વાર્તા યાદ છે ખરાં??
**************

દંભી ધાર્મિકતા, નર્યો દંભ, અસત્ય, અવિશ્વાસ, ઈર્ષ્યા, નેગેટિવ વિચારધારા, છોકરાં-છોકરીઓ વચ્ચે ભેદભાવ, ભૂત-ભુવા અને ડાકલાં, પગ ખીંચાઈ, લૂંટભાવ, ગામ આખામાં ગંદવાડ ફેલાવીને આંગણું ચોખ્ખું રાખવાની દુર્ભાવના, ઝઘડાંખોર વૃત્તિ, કોઈનો પ્રસંગ બગાડવો, ચોરી, જુગાર, આંકડા રમવા, પરિવારના લોકો વચ્ચે ખોટું બોલવું, અહીંની વાત ત્યાં ને ત્યાંની વાત અહીં કરવી(નિંદા), કોઈને એક-બીજાની વાત કરીને ચડાવવું, નાત-જાતમાં અને ઊંચ-નીચમાં માનવું, આસ્થા સત્સંગ જેવી ચેનલોમાં આવતા કૂપમંડુકોની વાતોમાં અંધભક્તિ રાખવી, 'મારું મારું મારું અને તારું મારું સહિયારું' વાળી વૃત્તિ રાખવી, ઘરની વહુઓ પર શંકા રાખવી, છોકરીઓને દાબમાં રાખવી અને છોકરાંઓને સ્વતંત્રતા આપવી, વહુઓને પહેલું બાળક હંમેશા છોકરો જ હોવો જોઈએ તો જ ઘરની વહુ સાચી-એવું માનવું, છોકરો ન થાય ત્યાં સુધી વહુઓને બાળક પેદા કરવાનું મશીન સમજવું, વંશ તો છોકરાંઓ જ આગળ વધારે એવું માનવું... 
.
.
.
પોઝિટિવ બાબતો ઓછી હોય અને બદીઓ વધુ હોય એવાં કુટુંબમાં રહેવાથી ખુશીથી વધુ દુઃખ થતું હોય છે! એવા ઘરમાં અકળામણ થાય છે, મૂંઝારો થાય છે! માતા-પિતા જ્યારે પોતાનાં સંતાનને રિટાયરમેન્ટ ફંડ ગણી બેસે ત્યારે સંતાન પોતાનાં માતા-પિતાને, ભગવાનતુલ્ય ગણતાં હોવાં છતાં, અંતે હારી-થાકીને છોડવું વધુ પસંદ કરે છે! આવી બદીઓ ધરાવતાં માતાપિતાએ એ સમજવું જ રહ્યું કે એમનાં સંતાનને બધી 'ખબર' પડે છે!

સંતાનના જન્મ વખતે માતા-પિતા જો એવું વિચારીને એને જન્મ આપવાનાં હોય કે મારાં ઘરડાં ઘડપણે એ મને સાચવશે.. તો એવાં માતા-પિતાએ સંતાન પેદા કરવા કરતાં કોઈ વફાદાર નોકર નોકરીએ રાખવો વધુ સારું રહે! ..કમસેકમ સંતાન નપાવટ નીકળ્યાંનો ગામ આખામાં ઢંઢેરો તો ન પીટવો પડે! 

'ભૂલો ભલે બીજું બધું..' ટાઈપના ગીતો  અને 'જનની ની જોડ સખી..', 'માં તે માં..' ટાઈપના સુવિચારો જે બાળકના કાનમાં નાનપણથી જ સંભળાતા હોય એવા, માતા-પિતાને મહાન ગણવાવાળા 'સેવાધારી શ્રવણ'નાં આ દેશમાં એવા બાળકો કેટલાં.. કે જે રાજેશ ખન્નાના 'અવતાર' કે અમિતાભ બચ્ચનનાં 'બાગબાન' ટાઈપના પિક્ચરોમાં દેખાડે છે?? ...બહુ ઓછા!! છતાંય ટીવી-સિરિયલો અને ફિલ્મોએ સંતાનોમાં દીકરાને વિલન ચીતરવા સિવાય કંઈ કર્યું નથી! 'વહુ આવશે તો દીકરો અમને છોડીને જતો રહેશે'  ટાઈપનો ડર સતાવતો હોય તો ઈજ્જતથી એમને જવા દેવાય! ઈજ્જતથી પોતે જીવાય, કોઈના ઉપર આધાર ન રાખવો પડે એવું આયોજન યુવાનીમાં જ કરાય! ...હાં, બીમારીમાં સપડાયા હોઈએ કે પથારીવશ હોઈએ એ વાત અલગ છે!!

માતા-પિતાએ સંતાનને ભરપૂર પ્રેમ અને વિશ્વાસ સિવાય કશું જ નહીં આપ્યું હોય તો પણ ભરોસો રાખજો, એ એમને એકલાં નહિ મૂકે! માતાપિતાએ ઈજ્જત કમાવી પડે છે, સંતાનો પાસે માંગવાની ન હોય! માતાપિતાએ સંતાનને નાનપણથી જ ઉપર બતાવેલી બદીઓ જ શીખવી હોય તો ઘરડાં થયાં પછી એ તમને સાચવશે એવી ઈચ્છા રાખવી નકામી છે! બાવળ જ વાવ્યો હોય તો કેરી ક્યાંથી મળે?? ..સરવાળે ઘરડાંઘર ઉભરાતા જાય છે! 
************

"બેટા, અમે તને એટલાં માટે પેદા નથી કર્યો કે તું અમને સાચવે.. તારી ઈચ્છા હોય તો સાચવજે.. બાકી તું તારું જીવન રાજીખુશીથી પસાર કરજે.. અમારી ચિંતા કરીને તું દુઃખી ન થઈશ.. જ્યારે પહેલીવાર તને જોયો હતો ત્યારે અમે બહુ રાજી થયેલાં.. તું જ્યાં હોઈશ ત્યાં અમે તને જોઈને રાજી થઈશું.. અને હા, મુશ્કેલી આવે તો ગભરાતો નહિ.. અમે શક્ય એટલી તને હૂંફ આપીશું.." 

..આવુ બોલીને સંતાનને 'હળવું' કરવાનો માં-બાપનો પ્રયાસ હોય.. તો સંતાન પણ માં-બાપને 'ભારરૂપ' નહિ, પણ 'હળવાફુલ' ગણીને સાચવે!! 
*************

"બહુ નવાઈનો મોટો સાહેબ થઈ ગયો છે તે ખબર છે.. બહુ બોલીશ નહિ..!!" 

...કોઈ બદી છોડવાની વાત કરું ત્યારે કુટુંબ તરફથી મળતો આવો જવાબ મને એમનાંથી વધુ ને વધુ દૂર લઈ જાય છે!! હું જ્યારે એમની બદીઓમાં/વાતોમાં/વર્તનોમાં/જડ રિચ્યુઅલોમાં ફિટ નથી થતો.. ત્યારે તેઓ મારા પર બિલકુલ એવું લાંછન લગાડે છે જેવું પેલી વાર્તામાં છોકરાંની મમ્મીએ પેલી શાલીન સ્ત્રી ઉપર લગાડેલું! એ બધાં ભેગાં મળીને બિલકુલ એવી રીતે જ મારી સાથે ઝઘડે છે જેવું સોસાયટીની સ્ત્રીઓ પેલી શાલીન સ્ત્રી ઉપર તૂટી પડેલાં! ..અંતે હું ત્યાંથી બધું છોડીને જતો રહું છું.. અને વધુને વધુ દૂર થતો જાઉં છું!! 
***********

લગ્ન થાય ત્યારે નવયુગલને કપડાં, વાસણ, ઘરેણાં, અન્ય ઘરઘથ્થુ વસ્તુઓ અને ચાંલ્લો (પૈસા) આપવાનો રિવાજ શા માટે હશે?? 

કદાચ એટલે જ કે.. નવયુગલ હવે જાતે એમનું જીવન શરૂ કરે! નવયુગલ કુટુંબીજનો ઉપર અને કુટુંબીજનો નવયુગલો ઉપર ભારરૂપ ન બને એટલે જ આ રિવાજ પડ્યો હશે! ...પણ આપણાં વડવાઓ/માતા-પિતાઓ એને પોતાની મિલકત અને વહેવાર સમજી બેઠાં હોય એવું લાગ્યા વગર રહેતું નથી! અહીં એકબીજાને છોડવાની વાત નથી, પણ પારિવારિક હૂંફની વાત છે! 

પુરાણોમાં 'વાનપ્રસ્થાશ્રમ' અને 'સન્યાસઆશ્રમ'નો ઉલ્લેખ શા માટે હશે?? તે સમજાય છે??

-યજ્ઞેશ રાજપૂત
લ.તા. ૨.૮.૨૧

https://m.facebook.com/story.php?story_fbid=4127545037353694&id=100002947160151

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો