શનિવાર, 14 ઑગસ્ટ, 2021

જ્યારે દીકરી ઘર માટે ૫૦૧₹ આપે છે..

"પપ્પા, એક મિનિટ બેસો ને.." તન્વીએ થોડું ડરતાં ડરતાં કહ્યું.

"અરે બેટા.. અત્યારે મોડું થાય છે અને ક્યાં તું પણ..??" હું અકળાયો, પણ એને 'ના' ન પાડી શક્યો! "સારું જા.. જે કરવું હોય એ ફટાફટ કરજે."

એ અંદર ગઈ.. અને મુઠ્ઠીમાં 500₹ લઈને આવી અને બોલી, "લો.. આપણે ઘર લેવું છે ને?.. તો આ મારાં તરફથી 500₹!" ..આટલું બોલતાં બોલતાં તો એ રડી ગઈ!!

હું અને તનુની મમ્મી, બંને સ્પીચલેસ! ..શુ બોલવું એ જ ન સમજાયું..!! 

થોડીવારમાં જ મને આખી પરિસ્થિતિ સમજાઈ ગઈ અને જોરથી એને ગળે લગાડતાં મારાં મોઢેથી વ્હાલનાં ત્રણ શબ્દો સરી પડ્યા, "અરે મારી દીકરી..!!"

જે દ્રશ્યો ટીવી/સિનેમામાં ભજવાય છે એ દ્રશ્યો રિયલમાં મારાં ઘરે ભજવાઈ ગયું!!
**********

મને હંમેશા એવી ઈચ્છા રહી કે ઘર એવું હોય જ્યાં આંગણે એક ઝાડ હોય, ઝાડ પર પંખીઓનાં માળા હોય, આંગણું હોય, આંગણામાં તુલસીના છોડવા હોય, ધાબે વેલ ઊગી હોય અને હું ત્યાં બેસીને મેડિટેશન કરતો હોઉં, અને શાંતિથી પ્રકૃતિનો અવાજ સાંભળતો હોઉં!!
ફ્લેટમાં એ બધું શક્ય ક્યાં? છતાંય શ્રીમતીજીની 'ભાવેચ્છા'એ ફ્લેટને પણ 'શાંતિઘર' બનાવેલું, એવું હું કહી શકું એમ છું, કેમ કે ત્રીજે માળ ઝાડ નહોતું તોય પંખીઓના માળા ૩૬૫×૨૪ દિવસ બંધાતા હતા..!!

ક્યાંય રસ્તા પર જતો હોઉં અને નીચેનાં 'જગ્યા'વાળા ઘર જોઉં તો ઈર્ષ્યા થાય! જોકે મોટેભાગે આવી જગ્યાવાળા સરસ ઘરોમાં રહેતાં લોકો આંગણામાં 'ઉપવન' બનાવવા કરતાં રૂમો ખેંચીને વધુ મોટું ઘર બનાવવાની કુમતિ જ ધરાવતા હોય છે!! મારી હંમેશા આવી ઈચ્છાને ધ્યાને લઈ એકવાર શ્રીમતીજીએ કહ્યું પણ ખરાં, "ધારીએ તો હમણાં હાલ આવું ઘર લઈ શકીએ પણ પછી બહુ શોષાવું પડશે..!"

હું પણ સંમત હતો.. કેમ કે હાલ જે ફ્લેટ હતો એનીય લોનના હપ્તા ચાલુ જ હતા.. વળી, ક્રેડિટ સોસાયટીની લોનેય ખરી!! મારો લગભગ ૭૦-૮૦% પગાર તો લોન જ ખાઈ જાય, શ્રીમતીજીનાં પગારથી બીજું બધું થાય! એટલે મન વાળવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો! 

આજે જ સમાચારમાં વાંચ્યું.. કે રાની મુખરજીએ સાત કરોડનો આલીશાન એપાર્ટમેન્ટ ખરીદ્યો!! હું આનો સીધો મતલબ એ જ કાઢું છું કે વિશ્વમાં (ખાસ તો ભારતમાં..!!) રહેતી મોટાભાગની વ્યક્તિને 'ઘર' જ જોઈતું હોય છે! જોકે કરોડોનાં ગગનચુંબી આલીશાન ફ્લેટ કરતાં જમીન સાથે જોડાયેલું 'નાનું ઘર' મને વધુ આકર્ષે છે!! ..પણ જમીન સાથે જોડાયેલા ઘરનો 'ભાવ' સાંભળીને ચક્કર ન આવી જાય તો જ નવાઈ!!
************

થોડા દિવસ પહેલાં એક શિક્ષક મિત્ર સાથે મારે ઘર લેવાની ઈચ્છા બાબતે અને મકાનોના મોંઘાદાટ ભાવ બાબતે ચર્ચા થઈ તો એ કહે, "હવે પચાસ-સાઈઠ લાખ રૂપિયા તો બધાની પાસે હોય જ ને?!! વીસ-પચ્ચીસ લાખના ઘરેણાં હોય.. દસ-પંદર લાખ બેંકમાં હોય.. અને બીજાં પંદર-વીસ લાખ કુટુંબી પાસેથી મળી જાય.. બાકીની લોન લઈ લેવાની.. એટલે તમારું નીચેનું ઘર તૈયાર.. એમાં શું વળી??!!"

એ મિત્ર આવું એટલી સલુકાઈથી બોલ્યા કે હું તો ભોંઠો પડી ગયો!! અહીં તો મારી પાસે પાંચ લાખ પણ રોકડાં નીકળે એમ નહોતાં.. અને આ મિત્ર અડધો કરોડતો બધાની પાસે હોય એવું ઇઝીલી બોલતા હતાં! મને સમજાયું કે મારે મારી 'ઘર' બાબતની અજ્ઞાનતાનું પ્રદર્શન બધાની સામે ન કરવું!!
*************

મારા અંગત મિત્ર કમ માર્ગદર્શક અરુણસાહેબ સાથે મારે નિયમિત કોઈને કોઈ બાબતે ચર્ચા થાય. એમણે એક વખત એમનાં છોકરાને અમેરિકા મોકલવા કેવી કેવી રીતે રૂપિયા ભેગાં કર્યા એ બાબતની ચર્ચા કરી, અને કહ્યું, "માનો કે કાલ ઉઠીને તન્વી વિદેશ ભણવા જાય તો તમે કઈ રીતે પૈસા ભેગા કરો??"

મેં માથું ખંજવાળ્યું.. તો એ કહે, "એક વાત કહું.. અત્યારે રિયલ એસ્ટેટમાં રોકાણ કરો તો તમારી તન્વી મોટી થાય ત્યારે તમને મોટી મદદ મળી રહે.."

મને તરત જ મારા જૂની શાળાના આચાર્ય ગોપાલસાહેબની એક વાત યાદ આવી ગઈ, "એક શિક્ષક પોતાની સમગ્ર નોકરી દરમિયાન પોતાનાં ઘર સિવાય કશું ન કરી શકે!" 

મને અરુણસાહેબની વાત યોગ્ય લાગી. એમણે કહ્યું, "હજુયે તમારી ઉંમર નાની છે.. થોડું સાહસ કરો.."
***********

ઘર જોવાનું શરૂ કર્યું.. પણ જેમ જેમ નવા બાંધકામના ઘર જોતો ગયો એમ એમ એમનાં 'ભાવ' સાંભળીને છાતીનાં પાટિયાં બેસવા લાગ્યા!! સાલું.. આપણા બજેટમાં તો નીચેનું ઘર મળવું જ મુશ્કેલ છે, એ સમજાયું! રી-સેલ મકાનનું પણ વિચાર્યું.. અવનવી એપ ડાઉનલોડ કરી.. ૪૦ જેટલા મકાનો જોયાં.. કેટલાંક ફોટામાં તો કેટલાક સ્થળ પર જઈને!! જેમ એરિયા સારો એમ ભાવ ડબલ-ત્રિપલ થાય!! એવું તો સાહસ પણ કેમ કરવું, કે જેમાં ઘરમાં ખાવાનાય પૈસા ન બચે??!! એટલે એક રકમ નક્કી કરી.. એનાંથી ઉપરનું ન વિચારવું, એવું નક્કી કર્યું!! પાછું ઘર જોવાનું શરૂ કર્યું.. પણ હજુયે વેંત (વેંત નહિ.. હાથ!!) ટૂંકી પડે! રૂબરૂ અમુક ઘર જોવાય ગયો પણ ન ગમ્યાં.. કેમ કે જગ્યા તો હોય જ નહિ! મારે તો થોડી જગ્યાવાળું લેવું હતું!! રિસેલ મકાનમાં સમજાયું કે જુના મકાનમાં પૂરતી લોન મળવી મુશ્કેલ હતી, વળી બાંધકામ વર્ષો જૂનું હોય તો રીનોવેશનનો ખર્ચો કેમ કાઢવો, એ ય પ્રશ્ન હતો!! નવા બાંધકામના મકાનોય સાથે સાથે જોવાનું ચાલુ રાખ્યું.. ફ્લેટનો અનુભવ હતો એટલે બિલ્ડરો જોડે વાત થતાં સમજ્યો કે બધાં બિલ્ડરો ખંધા જ હોય છે! ..જાણે કે જમીન/મકાનના ભાવ વધારવા તો એમને મન ખાવાનો ખેલ ન હોય?!! 

બીજું એ પણ સમજાયું કે હવે બિલ્ડરો નીચેનાં મકાનમાં હવે માત્ર '૩/૪/૫ બીએચકે વીલા' જ બનાવે છે.. કે જે મારા માટે નકામાં હતાં કેમ કે એક્ચ્યુલી તો એ લાંબા-લાંબા અને ઊંચા-ઊંચા રો-હાઉસ ટાઈપના મકાનો જ લાગતાં!! જગ્યાના નામે સમ ખાવા પૂરતો એક ખાટલો પાથરીએ એટલી જ જગ્યા હોય!! વળી, ઉપરના માળે ૨-૩ રૂમો બંધ રહે એવાં મકાનોની ઈએમઆઈ ભરવી યોગ્ય ન કહેવાય, કેમ કે એવાં મકાનોમાં સીડી પણ અંદર આપી હોય જેનાંથી કોઈને ઉપરના રૂમને ભાડે આપીને આવકનો સ્ત્રોત પણ ઉભો કરવો અસંભવ થઈ જાય! ..અને 'ભાવ'નું તો પૂછવું જ શું? એમાંય થોડી જગ્યાવાળું કોર્નરનું મકાન માંગીએ તો ભરી બજારે વેચાઈ જઈએ તો પણ મેળ ન પડે એવો ભાવ!! 

...આખરે આ તરફ વિચારવાનું બંધ જ કરી દીધું!! 
*********

મારી મરી ગયેલી ઈચ્છાઓનો મેં ચાર-પાંચ દિવસ માતમ પણ મનાવ્યો, ક્યાંય મન ન લાગે! કોરોનાને કારણે ક્યાંય ફરવા જવું પણ સંભવ ન હતું.. બીજી લહેર પણ 'પિક' પર હતી! આખરે કંટાળીને રવિવારે સાંજે અચાનક મંદિર જવાનું મન થયું.. જેથી 'મન' થોડું શાંત થાય! જનરલી હું એવો ધાર્મિક નથી, પણ ક્યારેક મંદિરે જવાનું મન થઇ જાય ખરું! મંદિરેથી પાછા ફરતી વખતે અચાનક એક નવી સ્કીમનાં ટેનામેન્ટ કોઈ એપમાં જોયેલા એ રસ્તો દેખાયો.. ત્યાં બાઇક વાળી મકાન જોવા ગયો.. પસંદ આવ્યું.. બિલ્ડર સાથે વાત થઈ.. બજેટમાં પણ આવે એમ હતું.. જગ્યા પણ હતી.. નીચેનું પણ હતું.. કોઈ બંધ રૂમની ઈએમઆઈ ભરવી ન પડે અને કોઈ મહેમાન આવે તો અલગ રૂમમાં રોકાઈ શકે એટલું જરૂરિયાત પૂરતું ય ખરું!!...

..આગળ એક શિક્ષકમિત્ર ત્યાં રહેતા હતા એ પણ મળી ગયા.. અને રેસ્ટ ઇઝ હિસ્ટ્રી! હવે.. લોન માટે દોડવાનું હતું!!
*********

મારી પગારસ્લીપ જોઈને લોન એક્ઝિક્યુટિવે ના પાડી.. શ્રીમતીજીની પગારસ્લીપ પણ આપી તો એક્ઝિક્યુટિવે પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો.. ૮૦% લોન થઈ શકે એમ હતી!! ..પણ બાકીની ૨૦% રકમ કે જે રોકડમાં આપવાની હતી.. એની ચિંતા થઈ!! સરકારી નોકરિયાત પાસે લોન નામના હથિયારથી લડવાની શક્તિ આવે.. પણ રોકડ ક્યાંથી કાઢવું?? એ પ્રશ્ન ઉભો થયો.. મારા બધા શેર્સ/મ્યુચ્યુઅલ ફન્ડ/બચતો બધું ભેગું કરતાં પણ રૂપિયા ઘટ્યા.. સખત ચિંતા થઈ!! ..પણ ગમે તે થાય.. 'આ સાહસ તો કરવું જ' એવું નક્કી કર્યું.. ડાઉન પેમેન્ટ ભરવા જવાનો દિવસ નક્કી કર્યો.. ઉતાવળ હતી.. અને તન્વીએ કહ્યું, "પપ્પા એક મિનિટ બેસોને.."

..આગળ કયો સંવાદ થયો અને તન્વીએ શુ કર્યું એ લેખની શરૂઆતમાં જ લખી નાખ્યું છે!! તન્વીએ પોતાનાં ગલ્લામાંથી ૫૦૦₹ કાઢીને આપ્યા, અને કહ્યું, "લો.. આપણે ઘર લેવું છે ને?? ..તો આ મારા તરફથી ૫૦૦₹!!"

હું સખત ભાવુક થઈ ગયો.. તન્વીની મમ્મીની આંખનાં ખૂણા પણ ભરાઈ ગયા!! અમે બંને એને ભેટી પડ્યા.. એ પણ રડતી હતી!! 

તન્વી આવું કરશે એનો સ્વપ્નેય ખ્યાલ નહોતો!! અજાણતાં જ એક ફિલ્મી દ્રશ્ય ભજવાઈ ગયું!
************

બિલ્ડર પાસે તન્વીએ આપેલાં ૫૦૧₹ થી જ મકાન બુક કરાવ્યું.. જ્યારે બુકીંગ એમાઉન્ટ ૫૧૦૦૦₹ હતી!! બિલ્ડરને આ વાતની ખબર પડી ત્યારે તેણે તન્વીને આઇસ્ક્રીમ પણ ખવડાવ્યું!! 

આ સમગ્ર પ્રસંગનો વિડીયો ઉતારવાનું અચાનક યાદ આવ્યું.. એ બિલકુલ એડિટ કર્યા વગર મુકું છું!! ..અને આઈસ્ક્રીમ ખાતી તન્વી પણ!! 

શોર્ટ અને સ્વીટ, બાળકો બધું સમજે છે, જાણે છે.. બાળકો ક્યારેય નાના નથી હોતા!!😊😊

ઘર એવું હોય જ્યાં આંગણે એક ઝાડ હોય, ઝાડ પર પંખીઓનાં માળા હોય, આંગણું હોય, આંગણામાં તુલસીના છોડવા હોય, ધાબે વેલ ઊગી હોય અને હું ત્યાં બેસીને મેડિટેશન કરતો હોઉં, અને શાંતિથી પ્રકૃતિનો અવાજ સાંભળતો હોઉં.... આગળ ઇશ્વરેચ્છા!!

https://youtu.be/EkoN_Vo79AA

https://m.facebook.com/story.php?story_fbid=4162373647204166&id=100002947160151

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો