સોમવાર, 20 માર્ચ, 2023

માસ્તર મારેય નહિ અને ભણાવેય નહિ..

શું એક શિક્ષક તરીકે તમે કયારેય નોંધ્યું છે ખરાં?.. કે કોઈ 'નિષ્ઠાવાન' શિક્ષકનાં વર્ગમાં ભણતું એક પ્યોર, શુદ્ધ, હોંશિયાર, પ્રામાણિક બાળક જ્યારે એક 'નઠારા અને અનીતિવાન' શિક્ષકનાં વર્ગમાં જાય છે ત્યારે અચાનક જ બે-ત્રણ મહિનામાં જ એની પ્યોરિટી, શુદ્ધતા અને પ્રામાણિકતા ગાયબ થઈ જાય છે! એ અચાનક જ તોફાની બની જાય છે. એનામાં સ્વાર્થીપણું આવી જાય છે. આખા વર્ગને સાચવતું એ બાળક અચાનક જ મારામારી કરવાવાળો ન્યુસન્સ બની જાય છે! જો કે ભણવામાં તો એ હોંશિયાર જ રહે છે.. બસ, મૂલ્યોનો હ્રાસ થઈ જાય છે??!!
*******

હું આજે પણ મારા પ્રાઈમરીના શિક્ષકોને ધિક્કારું છું. મને આજે સમજાય છે કે કયો શિક્ષક સારો હતો અને કયો ખરાબ? (એમાંનો એક આજે આચાર્ય બન્યો છે, અને હું જાહેરમાં એને ધિક્કારું છું. મારા મનમાં એનાં વિશે કશું હોય કે ના હોય, પણ માન તો નથી જ!)

મને આજેય યાદ છે.. હું વર્ગનો સૌથી હોંશિયાર વિદ્યાર્થી હતો, કેમ કે મને વાંચતા અને લખતા આવડતું. પરીક્ષા સમયે હું નિશ્ચિંત બનીને શાળાએ જતો. પરીક્ષા શરૂ થતી અને હું પેપર ઉપર નામ-નંબર લખીને રાહ જોતો મારા શિક્ષકની! એ થોડીજ વારમાં આવતાં- હાથમાં જવાબો લખેલું પેપર લઈને! હું એ જવાબો જોઈ-જોઈને પેપર લખી નાંખતો. એ સાહેબ થોડીવારમાં બીજા કોરા પેપરો લઈને આવતા અને હું એ કોરા પેપરોમાં માત્ર જવાબો લખીને આપી દેતો. સાહેબ મને એ કોરાં પેપરોમાં નામ લખવાનું ના પાડતા. એકાદ કલાક પછી એ સાહેબ મારુ લખેલુ પેપર આખા વર્ગમાં ફેરવતાં જેથી બધાં એ જવાબો લખી શકે! પરીક્ષા પત્યા પછી એ સાહેબ મને શાળાએ આવવાનું કહેતાં. હું જાઉં ત્યારે એ બીજા બાળકોના ખોટા લખેલા જવાબો ભૂંસીને સાચા જવાબો લખવાનું કહેતા. બસ.. હું વર્ગનો હોંશિયાર વિદ્યાર્થી હતો ને?!! ..એટલે આ બધું કરતો! 

મને આજે સમજાય છે કે એ શા માટે મારી પાસે આવું બધું કરાવતાં? મારા પ્રાથમિક શાળાજીવનમાં મેં જોયેલા શિક્ષકોમાં આળસુ અને કામચોર શિક્ષકો વધુ હતા. એક શિક્ષક તો 'માસ્તર મારેય નહિ ને ભણાવેય નહિ ટાઇપનો હતો'- એક નંબરનો પ્રમાદી! બસ.. એનું બધું જ કામ મારી પાસે કરાવતો. હાજરીપત્રક લખવાથી માંડીને બધું જ! હું આવા શિક્ષકોનાં વર્ગમાં હતો ત્યાં સુધી મને મારો વર્ગ જ સારો લાગતો. વર્ગનો હોંશિયાર બાળક હોઈ એ કામચોર સાહેબે મને માથે ચડાવી ફટવી નાંખેલો એટલે બીજા વર્ગનાં બાળકો સાથે હું ઝઘડતો અને મારી ભૂલ હોવા છતાં ઘણીવખત એમને માર પણ ખવડાવતો! 

આજે હું જે પણ કંઈ સારો નાગરિક હોઈશ, તો એ માત્ર મારા પદ્માબેન, બાલુ સાહેબ, હસમુખ ટીચર, વોરા સાહેબ જેવાં ઉત્તમ શિક્ષકને કારણે છું.
********

દરેક શિક્ષક પોતાને શ્રેષ્ઠ જ ગણતો હોય છે. (..છતાંય પોતાનાં બાળકને પોતાનાં વર્ગમાં જ નહીં ભણાવે એ પોસીબલ છે!) એને એવું જ લાગતું હોય છે કે એ બાળકોને સારું જ શીખવાડી રહયો છે. પણ શું સારું અને શું ખરાબ એની પ્રત્યેક વ્યક્તિએ વ્યાખ્યા અલગ અલગ હોય છે. કામચોર શિક્ષક પરીક્ષામાં બાળકને જવાબો લખાવી દે એ એનાં માટે સત્ય છે, અને આ જ બાબત નિષ્ઠાવાન શિક્ષક માટે અસત્ય છે. છતાંય સંગત એવી અસર! ઇર્ષ્યાળુ અને ઝઘડાળું વ્યક્તિત્વ ધરાવતાં શિક્ષકના વર્ગના મહત્તમ (..રિપીટ.. બધા નહિ, પણ મહત્તમ!) બાળકો એનાં શિક્ષક જેવા જ હોય એવું લાગતું હોય છે. સારો સ્વભાવ ધરાવતા શિક્ષકનાં બાળકો હંમેશા સારો સ્વભાવ ધરાવતા હોય છે. મહેનતુ શિક્ષકનાં બાળકો મહેનતુ અને સ્વચ્છતા પ્રિય શિક્ષકનાં બાળકો સ્વચ્છતાને પસંદ કરવાવાળા હોય છે. વિચારશીલ વ્યક્તિત્વવાળો શિક્ષક પોતાના બાળકને નવા વિચાર આપવામાં પ્રખર રહેશે! ભક્તિમાં ડૂબેલો શિક્ષક બાળકને વિચાર-તર્કશૂન્ય ભક્ત જ બનાવે! આ મારો વ્યક્તિગત 'પોઇન્ટ ઓફ વ્યૂ' છે, જરૂરી નથી બધા શિક્ષકો આવું વિચારતા હોય! ..પણ સમાન્યતઃ કોઈ શિક્ષકને ઉપરનો સવાલ પૂછો, તો એનું સૌથી પહેલું રિએક્શન કદાચ 'હા' માં જ આવે, કે 'જેવો શિક્ષક એવા બાળકો!' ..અને 'જેવો આચાર્ય એવી સ્કૂલ!' ('યથા રાજા તથા પ્રજા' એ કહેવત શા માટે પડી હશે??)

શિક્ષકને રાષ્ટ્રની ધરોહર એમને એમ નથી કહેવાતું..!! કોઈપણ રાષ્ટ્રનું પ્રલય અને નિર્માણ એનાં શિક્ષકનાં ખોળામાં છે એ પણ એમને એમ નથી કહેવાતું!! ..અને શિક્ષક કભી સાધારણ નહીં હોતા, એ પણ એમને એમ નથી કહેવાતું!!

કોઈને વધુ પરસેન્ટ આવે તો બધા એને ડોકટર, એન્જીયર બનવાની સલાહ આપે છે. પણ જો મીડીયમ ટકા આવે તો શું કહેશે?? બી.એડ. કરી લો.. શિક્ષક તો બની જ જશો!! જેમ ચાણક્યને ચંદ્રગુપ્તમાં નાનપણમાં જ રાજાના લક્ષણો દેખાઈ ગયા એમ અમુક લોકો જન્મજાત શિક્ષકો હોય છે. એ પોતાના વિદ્યાર્થીઓને સારા નાગરિક બનાવી શકે!! ..પણ કશું જ ન બની શકનાર જ્યારે શિક્ષક બને ત્યારે શું થાય?? એક આખી પેઢી બરબાદ થાય.. રાષ્ટ્ર બરબાદ થાય..! વિકસિત દેશોમાં શિક્ષક બનવાની લાયેબિલિટી જેવાં-તેવાંને નથી મળી જતી. વિષય નિષ્ણાત હોવા માત્રથી જ શિક્ષક નથી બની જવાતું, પણ સાથે સાથે મૂલ્યનિષ્ઠ પણ હોવું ઘટે!

એક શિક્ષક તરીકે તમે કોઈ બાળકમાં આવો મૂલ્યોમાં થતો ફેરફાર જોયો છે?? જો જોયો હોય તો આ ક્લિપ જુઓ.. શામાટે આવું થાય છે એ સમજાઈ જશે!!

*There is no such thing as bad student, only bad teacher.*
***********
https://youtu.be/phdkomQxo9Q

2 ટિપ્પણીઓ: