ગુરુવાર, 30 જુલાઈ, 2020

'કન્ફ્યુઝન હી કન્ફ્યુઝન હૈ, સોલ્યુશન કા પતા નહિ' સાચો ધર્મ સવાલો પૂછવાનું શીખવે છે, અને દંભી ધર્મ સવાલો પૂછનારને જ ખતમ કરવાનું!!

'કન્ફ્યુઝન હી કન્ફ્યુઝન હૈ, સોલ્યુશન કા પતા નહિ'

સાચો ધર્મ સવાલો પૂછવાનું શીખવે છે, અને દંભી ધર્મ સવાલો પૂછનારને જ ખતમ કરવાનું!!

***************

ધર્મની બાબતમાં સવાલો કરવા કે ઉઠાવવા એ આપણાં સમાજમાં લોકોનાં 'નાકનું ટેરવું અને આંખોના ભવાં' ઊંચા કરાવવા કાફી છે! ન જાણે, ધર્મની બાબતે એવાં એવાં ડર ઘુસાડેલાં છે કે જો આમ કરીશું તો આમ થશે, અને આમ નહિ કરીએ તો તેમ!! હું પોતે જન્મથી હિન્દુ છું, નખશિખ હિન્દુ! નાનપણથી મમ્મી પપ્પાએ અને મારી આસપાસના સમાજ-વાતાવરણે મને ભગવાન જે દ્રષ્ટિએ અને નજરે જોવાનું શીખવ્યું છે, હું મારી ઉંમરના બહુ મોટા પડાવ સુધી એ જ નજરે જોતો રહ્યો છું, એ હું ખાતરીપૂર્વક કહી શકું છું! ..પણ હવે ખબર નહિ, કેમ સવાલો ઉઠે છે..! મને એવું લાગે છે ઉઠવા જોઈએ!! સવાલો તો અર્જુને પણ કરેલાં, પણ અંતે તો એ જ સવાલો એને (પૌરાણિક કથાઓ અનુસાર) ધર્મ તરફ દોરી ગયેલાં! સાચો ધર્મ સવાલો પૂછવાનું શીખવે છે, અને દંભી ધર્મ સવાલો પૂછનારને જ ખતમ કરવાનું એવું હું માનું છું. 

હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ.. શું આ બધા ધર્મો છે? જો હા.. તો બાળકના જન્મ વખતે જ જે તે ધર્મનો થપ્પો હોવો જોઈએ! જો ના.. તો વાસ્તવિક ધર્મ શું છે?

*************

નાનપણમાં સિવિલ પાસે રહેતાં ત્યારે દર શનિવારે સાયકલ લઈને 'કેમ્પ હનુમાન' જતાં. ત્યાં જાતજાતનાં ચિત્રો દોરેલાં હતા. કોઈ ખોટું કામ કરીએ તો યમરાજના દૂતો 'ગરમ તેલમાં નાખીને તળતા હોય! (તેલમાં તળાયા પછી મરીએ કે જીવતાં રહીએ એ સવાલ ઘણી વખત થયેલો, પણ કોઈને પૂછી નહતો શક્યો!) ગાયનું દાન કર્યું હોય તો જ એનું પૂંછડું પકડીને વૈતરણી નદી ક્રોસ થઈ શકે, બાકી આ પાર જ રહી જઈએ! (વૈતરણી નદી પાર કરવા એ નાદાન ઉંમરે, કોઈએ ગાય દાન કરી હોય એવાને, મિત્ર બનાવવાનું વિચારેલું, જેથી એની ગાયનું પૂંછડું પકડીને નદી ક્રોસ થઈ શકે!! તરવાનું શીખવાનું પણ વિચારેલું!! ..અને ત્યારબાદ એક એ પણ આઈડિયા કરેલો કે, કોઈ નદી ક્રોસ કરી લે, પછી ગાય તો નદીમાં જ હોય ને??!!.. એને પકડી લઈશું!!☺️☺️) બીજાં ઘણાં ચિત્રો હતા.. પણ અત્યારે માનસપટ પર આ જ અંકિત છે! દરેક પ્રકારના ભગવાનને સમજવા હું 'વ્રતકથાઓ' ચોપડી આખી વાંચી ગયેલો! એમાંય સંતોષી માતા(એ સમયે લોકો સંતોષીમાંને વધુ માનતા, અત્યારે દશામાંને વધુ માને છે!)નો ડર તો એવો ઘુસી ગયેલો, કે શુક્રવારે ભૂલથી ખાટું ખવાઈ ગયું હોય તો મનમાં ને મનમાં હજાર વખત મરી ગયો હતો, પણ 'જીવતાં રહેવા' ખાટું ખાધું હોવાનું કોઈનેય ન કહેવાનું નક્કી કરેલું! (મમ્મી-પપ્પા ક્યારેય શાળાએ જઈએ ત્યારે પૈસા વાપરવા નહોતા આપતાં. બાપુનગર  ગુજરાતી શાળા નં ૯-૧૦ માં ભણતો અને રહેવાનું છેક ઉત્તમનગર, મણિનગર! એકવાર બસ નહોતી મળી, અને કકડીને ભૂખ લાગેલી! મારી બેન, આશા પાસે કોઈકે વૈભવલક્ષ્મીનું વ્રત ઉજવેલું, એનો દફતરમાં છુપાવેલો ૧ રૂપિયો હતો! એણે ૫૦-૫૦ પૈસાની આમલી ખરીદી. અમે ખુશ થઈ ગયા. આમલી ખાધી, અને... ખલાસ! એ દિવસ શુક્રવાર હતો! પૂરું! ..અમે બંને ધર્મસંકટમાં ફસાયા!! હવે સંતોષી માતા નહિ છોડે એવી બીક લાગી. છેવટે નક્કી કર્યું કે આમલી ફેંકી દઈએ, અને ઘરે કોઈનેય નહિ કહીએ! ..એમ જ કર્યું! એ દિવસે સાંજે ઘરે સંતોષી માં ની પૂજા થઈ ત્યારે જે ગોળ-ચણા નો પ્રસાદ મળ્યો, એ છુપાવી દીધેલો, ખાધો નહતો!!) સાવ ત્રણ-ચાર વર્ષની ઉંમરે તો સવારે નહાઈને જ્યાં સુધી ત્રણ વખત 'શ્રી કૃષ્ણ શરણમમ'ની તુલસીમાળા ન કરું, ત્યાં સુધી મમ્મી મને ચા-ટોસ્ટ પણ ન આપતાં! ચા-ટોસ્ટ ખાવા મળે એ માટે હું કાણી આંખે ફટાફટ માળા ફેરવતો, અને બે મિનિટમાં ત્રણ માળા પૂરી કરતો! એક વખત પરીક્ષામાં પાસ થવા બાપુનગર ગાયત્રી મંદિરે 'ગાયત્રી મંત્ર'ની માળા પણ ફેરવેલી! 

સતત ભાડે રહેતાં હોઈ ગોમતીપુર મુસ્લિમ બિરાદરના મકાનમાં રહેતાં ત્યારે એની વાતોમાં આવીને સત્યાવીસમો  'રોજો' કરવાનું પણ શરૂ કરેલું! જે સાત વર્ષ સુધી કર્યો હતો!! ..અને પડોશમાં રહેતાં ખ્રિસ્તી કુટુંબે એમની આપેલી ઈસુની ચોપડીઓ અને 'નવો કરાર' વાંચીને 'હે પરમપિતા પરમેશ્વર, આ લોકો શુ કરી રહ્યા છે એ લોકો જાણતા નથી, માટે એમને માફ કરજો' એવી પ્રાર્થના કરવાનું પણ શીખેલો! 

એ સમયે અમારાં ઘરે દર અઠવાડિયે 'નાનકા કાકા' આવતાં, જેનાંથી હું ખૂબ પ્રભાવિત હતો! નાનકો માતાજીનો ભુવો હતો. એ અમારા ઘરે આવીને ધૂણતો. એનાં શરીરમાં માતાજી આવતા, એ એવું કહેતો, એટલે હું પણ એવું માનતો! માતાજી આવે એટલે મમ્મી-પપ્પા કંઈક પૂછે અને પેલો ભુવો જવાબ આપે. અચાનક જ માતાજી જતાં રહે, અને મમ્મી-પપ્પાના સવાલો બાકી રહી જાય, એટલે પેલો અઠવાડિયા પછી પાછો આવે!! ધૂણવાનું પૂરું કરે એટલે તરત જ મમ્મી એનાં પગ પાસે પૈસા અને પાણી મૂકે એવું સ્મરણમાં છે.

મમ્મીની દેખીતા ભગવાનોમાં આટલી શ્રદ્ધા હોવા છતાં, પોતાનું ઘર અને પપ્પાની રીક્ષાય વેચાઈ ગઈ! ઘરભાડુ પણ ન ભરી શકતાં જ્યારે ભીડભંજન પાસે ઝૂંપડપટ્ટીમાં રહેવાનું થયું, ત્યારે સૌપ્રથમ ભગવાન પર શંકા થઈ! ..અને સવાલો પેદા થયા!!

************

મૂલતઃ આ બધું લખવાનું કારણ એ કે, ભગવાન એટલો નવરાં હોય ખરાં, કે દરેક પર પર્સનલ ધ્યાન રાખે?? શું ભગવાન ભક્તોની ભૂલો શોધવા જ બેઠાં હોય?? જો ભગવાન 'ભાવ'નો ભૂખ્યો હોય, તો આ 'ભાવ' છે શું??
શું 'ભાવ' એ જ ભગવાન છે કે પછી 'સત્ય' એ જ પરમેશ્વર?? કે પછી 'ભાવ' અને 'સત્ય' જ વાસ્તવિક ધર્મ??

***************

(૧) એક જજ છે. એની સામે એક કેસ આવ્યો, જેમાં એ જાણે છે કે આરોપી વ્યક્તિ એ ખરેખર ગુનેગાર નથી! ..પણ એનાં નિર્દોષ હોવાના કોઈ પુરાવા એની પાસે નથી. દરેક પુરાવા એનાં વિરુદ્ધ જ છે! હવે જજે શું કરવું જોઈએ?? કોનું સત્ય અંતિમ ગણવું જોઈએ?? પુરાવાનું કે પોતાનું?? જજનો 'ભાવ' ન્યાયનો હોઈ એ પુરાવાને આધારે એ વ્યક્તિને સજા કરે છે! હવે માનો કે એ જ દિવસે એ સજા પામનાર વ્યક્તિની નિર્દોષતા વિશે કોઈનેય કીધાં વિના જજ મરી જાય તો વાસ્તવિક સત્યનું શુ થાય?? સત્ય એ જ પરમેશ્વર હોય તો 'પરમેશ્વર' તો એ જજની સાથે જ ચાલ્યા ગયાં! ..અને 'ભાવ' જ ભગવાન હોય તો અહીં ભગવાન ખોટાં છે!!

(૨) પહેલાંના જમાનામાં બહારવટિયાઓ અમીરો(ગરીબોનું લોહી ચૂસનારાંઓ)ને લૂંટી ગરીબોને આપી દેતાં એવું અનેક પુસ્તકોમાં વર્ણન છે. આ બહારવટિયાઓનો 'ભાવ' તો ગરીબોને મદદનો છે, પણ 'સત્ય' એ છે કે એ અમીરોને લૂંટે છે!!

(૩) કોઈ નેતા ખૂબ બધો ભ્રષ્ટાચાર કરીને કરોડો-અબજો કમાયો છે. લોકોને અંદરોઅંદર તો આ ભ્રષ્ટાચારની ગંધ આવી જ ગઇ છે. પણ કોઈ સત્તા સામે વિરોધ નથી કરી શકતા. આ ઉદાહરણમાં દરેકનો 'ભાવ' વિરોધનો તો છે જ, પણ 'સત્ય' એ છે કે 'સત્તા આગળ શાણપણ નકામું!'

(૪) એક ભૂખ્યો મજૂર રાતનાં અંધારે કોઈ માણસને લૂંટે છે/ચોરી કરે છે, કારણ કે એનાં ઘેર એનાં બાળકો ભૂખ્યા છે. પોલીસ એને પકડીને જેલમાં નાંખે છે. બહાર એનાં બાળકો મરી જાય છે/મોટાં થઈને 'ભૂખ' એમને પણ 'ગુનેગાર' બનાવે છે. મજૂરનો 'ભાવ' ક્યારેય ચોરી/લૂંટનો નહતો, પણ 'સત્ય' એ છે કે એનું કુટુંબ બરબાદ થયું અને બાળકો ગુનેગાર!!

(૫) એક પ્રામાણિક અધિકારી ઉપરી અધિકારી/નેતાના દબાણમાં આવીને ભ્રષ્ટાચાર કરે છે. અધિકારીનો 'ભાવ' ભ્રષ્ટાચારનો નથી, પણ 'સત્ય' એ છે કે એ 'ભ્રષ્ટાચાર' કરે છે!! 

(૬) એક એન.જી.ઓ. ગરીબોને મદદનાં બહાને કરોડો કમાય છે. અહીં એનજીઓનો 'ભાવ' પૈસા કમાવાનો છે, પણ લોકોને દેખાતું 'સત્ય' એ છે કે એ ગરીબોને મદદ કરે છે.

.....હજુ આવાં ઘણા ઉદાહરણો આપી શકાય! કહેવાનો ભાવાર્થ એ કે, કહેવાતાં ધાર્મિકોએ (ધર્મ રક્ષકો!) પોતાનો સ્વાર્થ સાધવા સિવાય કશું જ નથી કર્યું! ..અને વાસ્તવિક ધર્મે આપણને 'દંભી' જ બનતાં શીખવ્યું!! 

..રહી વાત 'ભાવ' 'સત્ય' અને 'ભગવાન'ની, તો.. 
'ભાવ' સારો હોય કે ખરાબ, એનો ફરક માત્ર વ્યક્તિને જ પડતો હોય એવું લાગે છે!! 
'સત્ય' ક્યારેય અંતિમ હોતું નથી, પણ હા.. દરેકનું વ્યક્તિગત 'સત્ય' ચોક્કસ અંતિમ હોય છે! 
અને..
'ભગવાન' મારો સ્વાર્થ હોય ત્યારે ડરાવતા નથી, પણ હા, બીજાનો હોય તો ચોક્કસ 'તને પાપ લાગશે' જેવી સ્ટાઇલમાં ડરાવે છે!!

****************

"અલ્યા ભાઈ.. આ સમજાય નહિ એવું ગોળ-ગોળ લખીને પોતાને વિદ્વાન સાબિત કરવા કરતાં ટૂંકમાં કહેને.. 'વાસ્તવિક ધર્મ' શુ હોય છે??" મારો આતમરામ ખીજાયો!!

"વાસ્તવિક ધર્મ એટલે સગવડીયો ધર્મ!! મારું ભલું થતું હોય તો 'ખોટું' કરવામાં કોઈ વાંધો નથી, પણ બીજાં 'ખોટું' કરીને પોતાનું ભલું કરે ત્યારે ઇર્ષ્યાથી પાછળ આગ લાગે છે!"

********

"આ કર્મનો સિદ્ધાંત છે શું?? શું એ 'સત્ય' છે?? ..કે પછી મનમાં ધર્મને લગતો ડર ઘૂસે એટલે રચાયેલો થિયરીકલ 'ભાવ'!!"

.....આ સવાલ મનમાં થતાંની સાથે જ મારા આતમરામે મારી સામે ગુસ્સાથી ડોળા કાઢ્યા!! આખરે સવાલો પૂછવાની મનાઈ છે!! ટૂંકમાં, 'ભગત' બનીએ તો લોકોને ગમીએ.. 'ભગતસિંગ' બનીએ તો નહીં!! ..'પાપ' લાગે!!

https://m.facebook.com/story.php?story_fbid=3086321561476052&id=100002947160151

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો