Naked & Afraid
છેલ્લાં ઘણા વખતથી ડિસ્કવરી પર લેટ નાઈટ આવતો આ શૉ ચોક્કસ જોઉં છું. અડાબીડ જંગલમાં એક સ્ત્રી અને એક પુરુષ 21 દિવસ Naked રહીને સર્વાઈવ કરવાનું! એમને પોતાની સાથે માત્ર 1-1 સર્વાઇવલ આઈટમ સાથે લાવવાની છૂટ મળે! 14 દિવસ થી 60 દિવસ સુધીની આ ચેલેન્જમાં મોટેભાગે તો સર્વાઇવલ એક્સપર્ટ અથવા આર્મી મેન/વુમન જ હોય, પણ ક્યારેક જેમની શરૂઆતની સર્વાઇવલ રેટિંગ (PSR) 4 ની આસપાસ હોય એ લોકો પણ હોય છે. એક સ્ત્રી-પુરુષને Naked રહેવાનું હોય, એટલે અજાણતાં જ લોકો એને 'ગંદી સોચ'ની નજરે જુએ, પણ વાસ્તવમાં સિનારિયો કંઈક અલગ જ જોવા મળે! ચેલેન્જ શરૂ થતાં પહેલાં જેમણે ભાગ લીધો હોય એમને લોકલ સર્વાઇવલ એક્સપર્ટ પાસેથી જે-તે જંગલ/વિસ્તાર/એરિયામાં કેવી રીતે સર્વાઈવ કરી શકાય તેની ટિપ્સ મળે, પછી જ્યારે ચેલેન્જ શરૂ થાય ત્યારે સ્થળ-સમય-સંજોગ પ્રમાણે બે અજાણ્યા પાર્ટનર કેવી રીતે Naked રહીને 21 દિવસ સર્વાઈવ કરે છે, એ ખરેખર જોવાં લાયક રહે છે.
આફ્રિકાનું જંગલ હોય, પનામા-એમેઝોનનું જંગલ હોય, ઓસ્ટ્રેલિયાનું રણ હોય, વર્ષા જંગલો હોય, કોઈ ટાપુ હોય, વિષુવવૃત્તની ધોમધખતી ગરમી હોય અને અલાસ્કાનો થીજવી દેતો હિમ પણ હોય.. જ્યાં 21 દિવસ સર્વાઈવ કરવાનું હોય, એ પણ NAKED! રાત પડે એટલે મચ્છરો લોહી પીતાં હોય, સેન્ડ ફ્લાઇસ કનડતી હોય, જેગુઆર-લેપર્ડ-હાથી-મગર-સાપ-કરોળિયા-રીંછ જેવાં ખતરનાક જંગલી/ઝેરી જાનવરોનો ડર પણ હોય! પાણી ન મળે, ખાવાનું ન મળે, શેલ્ટર રિસતું હોય, આગ પ્રગટાવી શકાય એવું વાતાવરણ ન હોય, પાર્ટનર આળસુ-બીમાર-વિરુદ્ધ સ્વભાવનો કો-ઓપરેટિવ ન હોય! વાવાઝોડું-વરસાદ-આગ-પૂર આવે.. સતત ભયનાં ઓથાર વચ્ચે સર્વાઈવ કરવાનું! દિવસે કેમેરા-ક્રુ સાથે હોય, પણ રાતે નહિ! ..જ્યારે ખરેખર ભય તો રાતે જ હોય! પ્રચંડ માનસિક દબાણમાં જીવવાનું અને છતાંય ક્યાંક પડી-ખડી જઈએ તો શારીરિક નુકસાન થાય એ અલગ! શરીરને માફક ન આવે એવા વાતાવરણમાં બીમાર પડીએ અથવા તો ક્રિટિકલ સંજોગોમાં સ્થાનિક ડોકટર મારફત/હોસ્પિટલમાં તાત્કાલિક પહોંચાડવાની વ્યવસ્થા મળે ખરાં!
મોટેભાગે પાર્ટનર ગમે તેવો હોય, તો પણ છેક સુધી ટકે એ માટે બીજો પાર્ટનર સરવાઈવલનું બધું કામ કરીને પણ એ 21 દિવસ એની સાથે ચેલેન્જ પૂરું કરે એવું ઈચ્છે! એની સાર-સંભાળ રાખે, સંવાદ કરે, માફી માંગે, ઝઘડે, સમજદારી રાખે, પ્રોત્સાહિત કરે! કોઈ પાર્ટનર અધવચ્ચેથી જતો રહે તો બીજો વ્યક્તિ એકલો ચેલેન્જ પુરી કરે અથવા એને બીજો પાર્ટનર મળે! સાથે શિકાર શોધવા જાય, શેલ્ટર સુધારે, આગ સળગાવે અને એકબીજાની જરૂરિયાતોને સમજે તો ચેલેન્જ ગમે તેવી મુશ્કેલીમાં પણ પૂરું કરે! ..અને છતાંય પૂરું ન થાય એવું લાગે, બીમાર હોઈએ તો અધવચ્ચેથી છોડી દે!
21 દિવસનાં ચેલેન્જમાં 4 થી 24 કિલો સુધીનું વજન ગુમાવીને એક્ટ્રેશન પોઇન્ટ સુધી પહોંચવાની દડમજલ ઓછી ન હોય! એવાં એવાં સરવાઈવલિસ્ટ એમાં હોય છે કે જેઓ ગમે તેવી અઘરી પરિસ્થિતિમાંથી પણ બહાર નીકળે, પોતાનાં પર ભરોસો રાખે, પોતાનું કંઈક સાબિત કરવાની ઈચ્છા હોય.. અને આવી ભયંકર માનસિક કવાયત-પ્રેશર પછી જ્યારે 21 દિવસ પૂરા કરે ત્યારે એની નજરમાં પોતે કંઈક છે એવો વિશ્વાસ બેસે, આત્મવિશ્વાસ વધ્યો હોય! અધૂરું છોડીને જનારાઓ પાછા પોતાને સાબિત કરવા આ ચેલેન્જમાં પાર્ટીસિપેટ કરવા એપ્લાય કરે! વધુ તો.. 'દેખો તો જાનો!'
*************
મારી દીકરી તન્વી પણ આ શૉ ની શોખીન છે. એણે મને પૂછ્યું, "પપ્પા તમે હોવ તો ચેલેન્જ પૂરું કરો ખરાં?"
શું જવાબ આપું એને??!!
રોજેરોજ Naked અધિકારીઓ/રાજકારણીઓના Naked આદેશો માનીને જે રીતના હું મારું શિક્ષકત્વ ખોઈને Naked (..યુઝલેસ!) કામો કરી રહ્યો છું, એ જોઈને Afraid થઈ જઉં છું કે ક્યાંક તું પણ મારી જેમ ગુલામ/નોકર ન બને! ..અને આમેય આવાં શૉ ફોરેનમાં એટલે જ હોય છે કેમ કે ત્યાંના લોકો શારીરિક Naked ભલે દેખાતાં હોય, માનસિક Naked હોય એવું ક્યારેય લાગ્યું નથી! એ લોકો જંગલના જાનવરોને મારીને ભલે ખાતાં હોય, પણ ગરીબ/અસહાય/નિર્બળોનું અને એમનાં પરિવારોનું જીવતેજીવ લોહી ચૂસતાં નથી! એ લોકો Naked ભલે હોય, પણ દંભી હોય એવું સહેજેય લાગ્યું નથી! આજ સુધી મેં એક પણ શૉમાં કોઈનેય કોઈનાય અંધભક્ત બનીને કોઈની બાધાઓ રાખતાં-તાવીજ-દોરા બાંધતા જોયાં નથી! કોઈનેય કોઈની ખુશામતખોરી કરતાં જોયાં નથી, ઉલટાનું અજાણ્યા પાર્ટનરને બચાવવા છેક સુધી લડતાં જોયા છે! એ જેવાં છે એવા સ્પષ્ટ દેખાય છે, કોઈ મહોરું પહેર્યું હોય, લાગણી વેડા કરતાં હોય એવું લાગ્યું નથી! તેઓ બધાનું સમ્માન કરે કે ન કરે, અપમાન કરતાં હોય એવું ક્યારેય લાગ્યું નથી! એકબીજાની ખામીઓને સ્વીકારતા જોયા છે, અને ખૂબીઓને વખાણતા જોયાં છે! સન્માન ખાતર કંઈક કરી દેખાડવાનો 'ભાવ' એમનાં ચહેરા પર દેખાય છે, કોઈની 'ટાંગ' ખેંચવાની આદત હોય એવું લાગ્યું નથી!
Naked તો આપણો સમાજ છે, જ્યાં સામાન્ય પ્રજાજનો Afraid બનીને જીવે છે!! અહીંનો કોઈ સામાન્ય મજૂર પણ જો આ ડિસ્કવરીના શૉમાં જાય તો 21 દિવસ ભૂખ્યા રહેવામાં એને બહુ તકલીફ પડે એવું લાગતું નથી! જેની આદત પડી ગઈ હોય ત્યાં તકલીફ શેની?? ..પણ હા, કોઈને Naked જોઈને એનાં મનમાં કુટુંબ વધારવાનો વિચાર આવે તો કાંઈ કહેવાય નહીં!!
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો