મંગળવાર, 19 મે, 2020

મારુ સપનું (મારી સપનાની શાળા) લખ્યા તારીખ ૨૫.૧૨.૧૯

એક ઉપરી અધિકારી મારી શાળામાં આવ્યા અને એમના જાણવામાં આવ્યું કે મારી દીકરી મારી શાળામાં જ ભણે છે. એમને નવાઈ લાગી. એમના ચહેરાના હાવભાવ હું લખીને નથી જણાવી શકતો, પણ એમનાં મનમાં ઉઠેલા સવાલો હું લખી શકું છું!

આ સ્કૂલમાં ભણાવો છો?
મ્યુનિસિપાલિટીમાં?
તમારું દિમાગ તો બરાબર છે ને?
તમને શરમ નથી આવતી?
શું કામ તમારા બાળકનું ભવિષ્ય બગાડો છો?
આવા બાળકોની સાથે તમારા બાળકને ભણાવો છો?

...છેવટે આશ્ચર્યથી એમને એક સવાલ પૂછ્યો, "કોઈ તમને કંઇ કહેતું નથી?"

**********

આ સવાલો માત્ર એ સાહેબનાં જ નથી, પણ જેઓ પ્રાથમિક શિક્ષણ 'સુધારવા' બેઠાં છે, જે સરકારી કર્મચારીઓ છે, જે અધિકારીઓ છે, જે શિક્ષકો છે, જે મારાં શિક્ષણ-સમાજના છે, મિત્રોનાં છે, પાડોશીઓનાં છે, કુટુંબના છે..એ બધાનાં પણ આ જ સવાલ છે!

આ જ સવાલ હું પોતે મારી જાતને પૂછું છું, "કેમ હું મારા બાળકને એક એવી શાળામાં ભણાવું છું, કે જે મોટાભાગની નજરમાં યોગ્ય નથી?"

**********

મેં બે દિવસ પહેલાં એક સપનું જોયું. જનરલી સપના પથારીમાંથી બહાર નીકળતાની સાથે જ ભુલાઈ જતા હોય છે, પણ આ સપનું મારાં મનમાં ઘૂમરાય છે!

હું એક શાળાનાં પ્રાંગણમાં પ્રવેશું છું. બહુ જ મોટી શાળા છે. દૂરથી જ મને શાળાનાં મેદાનમાં એક રોબોટ જોવા મળે છે. જે મુવમેન્ટ કરી શકે છે. હું મારા ગાઈડને પૂછું છું, "અહીંયા રોબોટ કેમ?"

"કારણ કે અમે બાળકોને રોબોટ નથી સમજતાં!!" ગાઈડે માસ્ટર સ્ટ્રોક ફટકાર્યો. હું સાઈડમીરરમાંથી એ ગાઈડને આ વાક્ય હસતાં હસતાં કહેતા જોઉં છું. એણે બીજી સિક્સર ફટકારી, "આ રોબોટ શાળામાં ભણતા બાળકોએ જ બનાવ્યો છે."

અમારી મોટર ઉભી રહી. હું ઉતર્યો, અને જોયું તો એ રોબોટે અમારું સ્વાગત કરતાં ગેટ ખોલ્યો અને બોલ્યો, "આવો, આશ્રમમાં તમારું સ્વાગત છે."

'આશ્રમ??'- શબ્દ સાંભળીને હું ચોંક્યો!.. આના વિશે મારું કુતુહલ હું સંતોશું એ પહેલાં જ મારાં આશ્ચર્યની વચ્ચે એક નાનકડી ઇલેક્ટ્રીક કાર મારી પાસે આવીને ઉભી રહી! મેં જોયું તો ડ્રાઇવરના યુનિફોર્મમાં એક બાર-તેર વર્ષનો બાળક હતો..!! "બેસો"  એ બોલ્યો!

હું બેઠો, અને એ સાથે જ એણે મીટર ચાલુ કર્યું! મેં કારમાંથી બહાર જોયું. એક મોટાં બગીચામાં વચ્ચોવચ મોટો દુનિયાનો ગોળો હતો. એ ગોળાની આજુબાજુ અલગ અલગ જગ્યાએ જેને જે દેશની ભાષા શીખવી હોય એનાં શિક્ષકો એ બાળકોને એ ભાષા શીખવી રહ્યા હતા! કોઈ ફ્રેંચ બોલતું હતું, તો કોઈ સ્વાહિલી! આ ભાષા શીખતાં બાળકો કોઈ એક ઉંમરના નહોતાં! મેં જોયું કે એક બાળકને ચાઈનીઝ-મેન્ડેરિયન ભાષામાં મજા ના આવી તો એ ગુજરાતીમાં જઈને બેસી ગયો, અને હસતાં હસતાં 'હું મજામાં છું'-એવું બોલી રહયો હતો! આ જોઈને મને પણ હસવું આવી ગયું!

મેં જોયું કે રેડ સિગ્નલ થતાંની સાથે જ પેલાં છોકરાએ કાર ઉભી રાખી! ટ્રાફિકનું સંચાલન એક બાળક જ કરી રહ્યો હતો! કેટલી કાર હતી રોડ ઉપર? માત્ર બે! એક અમારી બાજુ અને એક સામેની બાજુ!! અચાનક મેં જોયું કે એક પ્રોફેસરે ઝીબ્રાક્રોસિંગ પરથી રોડ ક્રોસ કરવાને બદલે આપણી જેમ બીજી બાજુથી રોડ ક્રોસ કર્યો. તરત જ એક નાનકડા આઠ-નવ વર્ષના બાળ-ટ્રાફિક પોલીસે એ પ્રોફેસરને રોક્યાં, અને હાથમાં એક કાગળ પકડાવ્યું!
આ જોઈને મેં મારી કારના બાળ-ડ્રાઈવરને પૂછ્યું, "પેલો નાનકડો ટ્રાફિક પોલીસ કોણ છે? એણે પેલાં પ્રોફેસર સાહેબનાં હાથમાં શું આપ્યું?"

"આશ્રમમાં ટ્રાફિક રુલ્સ તોડનારને દંડ થાય છે. પછી ભલે એ ગમે તેટલો મોટો માણસ કેમ ના હોય?" બાળ-ડ્રાઇવરે કહ્યું.

મારું મન ભાવથી ભરાઈ ગયું. મેં પૂછ્યું, "..અને પેલો છોકરો?"

"એ ત્રીજા ધોરણમાં ભણે છે. અહીં પ્રથમ ચાર ધોરણ સુધી માત્ર નિયમો જ શીખવવામાં આવે છે. ત્રીજા ધોરણનો એક પાઠ છે- 'ટ્રાફિકના નિયમો'! પેલો છોકરો પાઠ ભણી રહ્યો છે."

"બાકીનાં બાળકો ક્યાં છે?" મેં પૂછ્યું.

જવાબમાં બાળ-ડ્રાઇવરે હસતાં હસતાં કહ્યું, "આ તમારી દુનિયાની સ્કૂલ નથી કે એક મહિનામાં આટલા પાઠ પુરા કરવાના એટલે કરવાના!! આ આશ્રમ છે- અહીં બાળક ઈચ્છે ત્યાં સુધી પાઠ ભણે છે. જેને જે પાઠ ભણવો હોય એ ભણે છે. ના ગમતો પાઠ સ્કીપ કરી શકે છે."

"મતલબ?" મેં જિજ્ઞાસાવશ પૂછ્યું.

બાળ ડ્રાઇવરે પેલા બાળ-ટ્રાફિકમેન તરફ ઈશારો કરી કહ્યું, "આ જીગર છે. પહેલી વખત આ પાઠ જ્યારે એને ભણાવવામાં આવ્યો ત્યારે એને ટ્રાફિક સંચાલનનું કામ ગમી ગયું એટલે ત્યારે જ તેણે નક્કી કરી લીધું કે તે ટ્રાફિકમેન બનવા માંગે છે. એટલે એ છેલ્લા ત્રણ મહિનાથી વધુ ઊંડાણથી આ ટ્રાફિકમેનનું કામ રસથી કરી રહ્યો છે."

"..તો પછી પરીક્ષા?? એને બધું લખતા આવડે છે ખરાં??" મેં મારી દુનિયાનું માસ્તરપણું બતાવ્યું.

"એ પરીક્ષામાં પાસ થઈ ગયો છે! તમે જોયું નઈ..?? આશ્રમનાં મોટાં પ્રોફેસર પાસેથી પણ એણે દંડ વસુલ્યો! પ્રોફેસરે એમનાં દંડના ચલણમાં જીગરની નિર્ભયતાથી કામ કરવાના ગુણ લખ્યા છે. આ નોંધ-પાવતી એ હવે એના ક્લાસટીચરને આપશે. જીગરને જો આ કામ ન ગમ્યું હોત તો એ ત્યારે જ છોડીને બીજો પાઠ ભણવા જતો રહેતો. પાસ થઈ ગયો હોવાથી હવે જીગર ઈચ્છે તો અત્યારે જ ટ્રાફિકમેનનું કામ છોડી શકે છે. અને ઈચ્છે તો હજુ ચાલુ રાખી શકે છે. શું કરવું છે એ એનાં પર ડિપેન્ડ છે."

એટલામાં ગ્રીન લાઈટ સિગ્નલ થતા અમારી કાર આગળ વધી. હું સમજી ગયો કે આશ્રમમાં ભણવાનું બિલકુલ પેલા બાળકની જેમ જ છે કે જેને ચાઈનીઝ ભાષા ના ગમી તો તે ગુજરાતી ભણવાના ક્લાસમાં જતો રહ્યો હતો! મેં બાળડ્રાઈવરને પૂછ્યું, "તો અહીં લેખિત પેપર નથી હોતું બરાબરને?"

"લેખિત પરીક્ષા પણ હોય છે. પણ જ્યારે અમે તૈયાર હોઈએ ત્યારેજ!!"

"મતલબ??" મેં કુતૂહલવશ પૂછ્યું.

"જો જીગરને ટ્રાફિકમેન બનવું હશે તો એ લેખિત પરીક્ષા ચોક્કસ આપશે. મતલબ અત્યારે એને લખતાં વાંચતા નહિ આવડે તો ચાલશે. અત્યારે નિયમપાલન અને મૂલ્યશિક્ષણ જરૂરી છે. બાર વર્ષ સુધીમાં ફરજીયાત ગમે તે એક વિષયમાં પારંગત થવું જરૂરી છે. જો ત્યાં સુધીમાં જીગર લેખિત પરીક્ષા ન આપે તો એનું બેલેન્સ વપરાવાનું શરૂ થઈ જશે!"

"હેં? મને કંઈ ન સમજાયું!" મેં કહ્યું, "શું આપણે ક્યાંક બેસીને આ વાત ન કરી શકીએ?"

"ચોક્કસ.." બાળડ્રાઇવરે કહ્યું, "..પણ વેઇટિંગ ચાર્જ થશે."

"ચાલશે." મેં રાજી થઈ કહ્યું. બાળડ્રાઇવરે મારી સામે એવી નજરથી જોયું જાણે કે હું કોઈ મુસીબતમાં પડવાનો હોઉં! એણે નજીકમાં બાંકડા પાસે કાર ઉભી રાખી. અમે નીચે ઉતર્યા, અને બાંકડે બેઠા!

"હું શરુથી શરૂ કરું છું." બાળ ડ્રાઇવર હવે મારો ગાઈડ હતો, જે આશ્રમની સંપૂર્ણ માહિતી મને આપવાનો હતો.
"અમારો આશ્રમ વાસ્તવમાં અનાથાશ્રમ છે. અહીં કોઈ બાળકના માતાપિતા કોણ છે એ કોઈ જ જાણતું નથી. ગમે તે ઉંમરનું બાળક અમારે ત્યાં આવે. જો સાવ નાનકડું હોય તો 'મમતા' પાસે જાય છે. આ 'મમતા' એ આશ્રમમાં રહેલી છોકરીઓનું એક ગ્રૂપ છે, કે જેમને નર્સ, શિક્ષક કે આયા બનવું હોય એ આ ગ્રુપ જોઈન કરે છે. એ આવા નાના બાળકોને એના એજ ગ્રુપ મુજબ સમાજનાં ધારાધોરણો મુજબ નિયમાવલી અને મૂલ્યશિક્ષણ આપે છે. જેમ કે, સફાઈ કેવી રીતે રાખવી, જાહેર શિસ્તમાં કેવી રીતે રહેવું, બોલવું, અનાજનો બગાડ ના કરવો, જાનવરોને ના મારવું, જાહેરમાં ના થુકવું વગેરે.. એમનું આ શિક્ષણ આઠ વર્ષ સુધી ચાલે છે. આ દરમિયાન જો તે ઈચ્છે તો જ વાંચન-લેખનના ક્લાસમાં જાય છે. અને ના ઈચ્છે તો નહીં!છઠ્ઠા વર્ષથી એને જાહેરજીવનના વ્યવસાયિક કામમાં પોતાનું યોગદાન આપવું પડે છે. જેમ કે, જીગર ટ્રાફિકનું સંચાલન કરે છે. હું ડ્રાઇવર કમ ગાઈડ છું. ઘણા ખેતીમાં મદદ કરે છે. ઘણા સફાઈકામદાર છે. ઘણા ગેરેજ મિકેનિકને મદદ કરે છે. તો ઘણા ભણે-ભણાવે છે. એ જે કામ કરે છે, એ મુજબ એને જે-તે વ્યક્તિ ગુણ-માર્ક-પોઇન્ટ આપે છે. જો કોઈ કામ ન ગમે તો બિન્દાસ કામ બદલો, પણ એક વ્યવસાયિક કામમાં પ્રેક્ટિકલી તો પારંગત થાઓ જ! એ નિયમ છે. બાર વર્ષ સુધીમાં તમારે પરંગતતાના ૫૦૦ પોઇન્ટ ભેગા કરવા પડે! આ પોઇન્ટ તમને કોઈપણ આપે. જેમ કે મારું કામ તમને કેવું લાગ્યું, એનાં નિશ્ચિત ફોર્મેટમાં તમારે પણ મને પોઇન્ટ આપવાના છે. મેં લગભગ બધું જ કામ કર્યા પછી એવું નક્કી કર્યું કે ગાઈડ બનવામાં મને મજા આવે છે. કારણ કે મને ઇતિહાસ બહુ ગમે છે. રોજ ઇતિહાસનું એક ચેપટર મારે વાંચવાનું. અને અઠવાડિયે ઔડિટોરિયમમાં રજૂ કરવાનું. એને લેખિતમાં પણ આપવાનું. લખતાં ના આવડે તો લેખનના કલાસ જાતે જ ભરવાના. જેને લખતા આવડતું હોય એ મારો શિક્ષક! એ ગમે તે હોઈ શકે. મારે માનો કે 'એકવેરિયમ' લખતા શીખવું છે, તો હું કોઇની પણ પાસે જઈને એ શીખી શકું છું. મારુ ચેપટર વાંચન-લેખન-રજૂઆતથી જ પૂરું થયું ગણાય! મારે એ રાષ્ટ્રભાષામાં જ રજૂ કરવાનું-લેખન કરવાનું! વાંચન ગમે તે ભાષામાં થઈ શકે!  દરેકના પોઇન્ટ હોય. જે મને શીખવાડે એને પણ પોઇન્ટ મળે! જે શીખે એને પણ પોઇન્ટ મળે! આ પોઇન્ટ એ એક્ચ્યુલી તો અમારી કમાણી છે. જેટલા પોઇન્ટ એનાં દસ ગણા રૂપિયા અમને મળે. જેમાંથી પાંચ ટકા ફરજીયાત દાન કરવાનું. બીજા દસ ટકા નાના બાળકોના શિક્ષણ-જરૂરિયાતમાં જાય! પચ્ચીસ ટકા અમારી ગમતી વસ્તુમાં ખર્ચ કરી શકીએ. ત્રીસ ટકા અમારી બચત. પંદર ટકા સંસ્થા ચલાવવા અને છેલ્લા પંદર ટકા રિઝર્વ ફંડમાં જાય!

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો