મંગળવાર, 19 મે, 2020

મૃત્યુ વિશે...!!

મૃત્યુ વિશે...!!

લોકો મૃત્યુને આટલું ઓકવર્ડ શું કામ બનાવી દેતા હશે?

કોઈ વ્યક્તિ મરી જાય, અને એની ખબર એના કુટુંબ સિવાય બીજા કોઈને પડે તો એ એમના કુટુંબને જલ્દીથી  નહિ જણાવે!! પહેલા તો બધા એમની સામે જોશે! જોનારની નજર જ એવી હોય કે પેલાને તરત જ પોતાના અસ્તિત્વ પર જ શંકા જાય કે 'આ બધા મારી સામે આવી રીતે શું કામ જોવે છે?' થોડીવારે એ પૂછશે, "શું થયું?"

"કઈ નઈ..!!" આવો જવાબ આપીને બધા થોડા આઘાપાછા થશે, અને પછી પાછા બાઘાઓની જેમ ઊંચા શ્વાશે એ વ્યક્તિને જોયા કરશે!

શું કામ?.. કેમ?? વહેલા-મોડા એમને ખબર તો પડવાની જ છે ને?? હા, આપણે એમને 'ધડ' દઈને ન કહી શકીએ કે 'અલા ભાઈ, તારા બાપા મરી ગયા છે, જા ઘરે દોડ!!' કે પછી 'અલ્યા તારી મા મરી ગઈ છે, હવે રડવા માંડ!!' ..પણ એને મૃત્યુના સમાચાર વિષે થોડું માનસિક સજ્જ કરીને સમયસર વાત તો જણાવી શકીએ ને? આવું સસ્પેન્સ ક્રિએટ કરવા કરતા!!

વધારે આશ્ચર્ય તો પછી એ વાતે થાય છે જયારે કોઈના મૃત્યુ પાછળ કોઈ રડે તો આજુબાજુ બેઠેલા એને શાંત પાડવા થનગને, અને ના રડે તો એને રડાવવા માટે ધમપછાડા કરે!!.. ખુલીને રડવા પણ નઈ દેવાનું.. અને માનસિક મજબુત પણ નઈ બનવા દેવાનું!! આવું કેવું? પોતાના સ્વજનના મૃત્યુ પછી એ વ્યક્તિનું જે રીએક્શન આવવાનું છે, એ તો કદાચ વહેલું-મોડું આવવાનું જ છે.. તો પછી આટલું ઓકવર્ડ બનાવવાની કોઈ જરૂર ખરા?? મેં એક વાર્તા ક્યાંક વાંચી હતી.. મને શેર કરવી ગમશે.. એક્ચ્યુલી બે વાર્તા છે..!!

એક રાજાને અચાનક ખબર પડી કે આજે એને યમરાજ લેવા આવવાના છે. એણે તરત જ પોતાનો પવનવેગી પાણીદાર ઘોડો મંગાવ્યો. અને પોતાનું રાજ્ય છોડીને દુરદુર.. યમરાજ ના પહોચી શકે એટલો દુર જવા લાગ્યો. લગાતાર આખો દિવસ ઘોડેસવારી કરીને સાંજે સુરજ ઢળતા તે એક ઝાડ નીચે ઉભો રહ્યો. તરત જ યમરાજ પ્રગટ થયા અને એ રાજાને કહ્યું, "ખરેખર તારો ઘોડો પવનવેગી છે!" રાજાએ ઘોડાના વખાણ કરવાનું કારણ પૂછ્યું તો યમરાજે કહ્યું, "મને શંકા હતી કે આટલા ઓછા સમયમાં તું અહિયાં પહોચીશ કે કેમ? પણ તારા ઘોડાએ ખરેખર કમાલ કરી અને અને તને ટાઈમસર અહી પહોચાડી દીઘો!" રાજાને કઈ ના સમજાયું. તરત જ ઝાડની એક વિશાળ ડાળ રાજાના માથે પડી અને તે મૃત્યુની નજીક પહોચી ગયો!  મરતા રાજાને યમરાજે કહ્યું, "રાજા તારું મૃત્યુ અહી ઝાડ નીચે લખેલું હતું!" આ સાંભળી રાજાને તરત જ સમજાઈ ગયું કે જો તે મહેલમાં જ રહ્યો હોત તો જીવતો રહ્યો હોત..!! આ આઘાતમાં તે મૃત્યુ પામ્યો!!

ભગવાન વિષ્ણુનું ગરુડ અને એક ચકલી સ્વર્ગના દરવાજે બેઠા હતા. એટલામાં કોઈક કારણસર યમરાજ ભગવાન વિષ્ણુને મળવા એમના દરબારે આવ્યા! પણ ત્યાં એક ચકલીને ગરુડ પાસે બેઠેલી જોઇને એમને બહુ આશ્ચર્ય થયું. એમને કરડી નજરે ચકલીને પૂછ્યું, "તું અહિયાં શું કરે છે?" ચકલી યમરાજને જોઇને બી ગઈ, અને કશું ના બોલી શકી. "ઠીક છે, હું હમણાં આવું છું." કહી યમરાજ વિષ્ણુ ભગવાનના દરબારમાં પ્રવેશ્યા. થોડીવાર પછી બહાર આવ્યા અને જોયું કે હવે ચકલી ગરુડ પાસે બેઠી નહતી! તેમને ગરુડને પૂછ્યું, "પેલી ચકલી ક્યાં ગઈ?" ગરુડે કહ્યું, "તમને જોઇને એ બી ગઈ એટલે મને એ ચકલીએ મૃત્યુલોકમાં એક ઊંચા પર્વત પર મૂકી આવવા વિનંતી કરી, એટલે હું એ ચકલીને ત્યાં મૂકી આવ્યો." યમરાજ આ સાંભળી ખુશ થઇ ગયા. ગરુડે આશ્ચર્યથી પૂછ્યું, "આપ આ સાંભળી ખુશ શા માટે થયા?" તો યમરાજે કહ્યું, "આજે એ ચકલીનું મૃત્યુ એ પર્વત પર થવાનું છે. સારું થયું તું એને ઝડપથી ત્યાં મૂકી આવ્યો. બાકી વિધિનું વિધાન આજે ફેરવાઈ જાત!!"

ઉપરની બે વાર્તા ઉપરાંત પેલી ભગવાન બુદ્ધની 'જેના ઘરે આજ સુધી કોઈ મૃત્યુ ના પામ્યું હોય એવા ઘરેથી રાઈના દાણા લઇ આવવા' વાળી કિસા ગૌતમીની વાર્તા પણ ક્યાં જાણીતી નથી??

આપણામાંથી કોણ એવું નઈ જાણતું હોય કે આપણે બધા એકને એક દિવસે તો મરવાના જ છીએ? મોટામાં મોટા વ્યસનીને પૂછો અથવા તો રાહ ચાલતા સામાન્ય વ્યક્તિને પૂછો, તો એ બિન્દાસ થઈને કહેશે, "યાર, એકને એક દિવસ મરવાનું જ છે ને?" ....પછી શું છે? ઘરમાં બેઠા હોવ ને અચાનક માથે પંખો પડ્યો ને મરી ગયા..!! અથવા તો પછી માનો કે આપણે ક્યાંક બહાર ફરી રહ્યા છીએ અને અચાનક અકસ્માત થયો ને આપણે ગુજરી ગયા!! શું કરી લેવાનું એમાં? એક્ચ્યુલી તો  મારા મતે મૃત્યુને જેટલું ઓકવર્ડ બનાવીએ એટલું એ વધારે ભય પેદા કરનારું બને!!

જો એવી ખબર પડી જાય કે હવે મૃત્યુ નજીક છે, તો શું કરવું? મૃત્યુ આવવા સુધીની દરેક પળને આનંદના રાજેશ ખન્નાની જેમ અને દસવિદાનીયા ફિલ્મની જેમ જિંદગીને જીવી લેવી જોઈએ. જો કોઈને એમ લાગતું હોય કે 'આવું જોવું, કહેવું, લખવું અને વાંચવું સહેલું છે.' તો મરતા પહેલા તમારે જે કામો પુરા કરવાની ઈચ્છા હોય, એમાંથી એક કામ.. માત્ર એક જ કામ, કે જે આપણે પૂરું કરી શકતા હોય એ કામ અત્યારથી જ કરવા માંડવું!!

મારા સ્વજન પણ એક દિવસ સ્વર્ગે (...ઓફકોર્સ, સ્વર્ગે જ સ્તો!!) સીધાવવાના છે. જો એ દિવસ આજનો જ હોય તો હું શું કરું? બેશક, એમને શક્ય એટલો પ્રેમ આપું!! ..પણ જો એ કામ હું આજે જ, અને અત્યારે પણ કરી જ શકતો હોઉં તો મારે એમના મૃત્યુનો દિવસ આવવાની રાહ જોવાની જરૂર ખરી?? ...કમસે કમ 'હું' કે 'એઓ' એકબીજાની ગેરહાજરીમાં, માનો કે મૃત્યુ પામીએ તો એવો અફસોસ તો ન રહે કે, ..મેં એમને પ્રેમ નથી આપ્યો, કે પછી મારે એમની સાથે આ કામ હતું અને હું પૂરું ના કરી શક્યો!! મારું જીવન કોઈ ફિલ્મ થોડી છે કે બધું પૂરું થઇ જાય??.. પણ હા, જેટલું બને એટલું પૂરું કરવાનો પ્રયત્ન તો કરું!! ..આટલું કર્યા પછીયે સ્વજનના મૃત્યુથી રડવું આવે તો 'હૈયાફાટ' રડવું. આમેય નસીબદાર જ નાના બાળકની જેમ હૈયાફાટ હસી કે રડી શકતા હોય છે!! ...પણ રડવું ના આવે તો ધરાર રડવાની મને તો કોઈ જ જરૂર લગતી નથી, એ પણ ખાલી લોકોને દેખાડવા કે '...જોવ, હું રડું છું!' ..ઘણા લોકોને તો જોઇને જ ખબર પડી જાય કે આને રડવું-બડવું કઈ આવતું નથી, તોયે ખાલીખોટા 'એ..એ..' અને 'હો..હો..' કરીને તણાય છે! આવા લોકો પાછા હજુ તો મરનારની ચિતા પણ ના હોલવાઈ હોય એ પહેલા એમની સંપત્તિ અને ખર્ચા માટે ઝઘડો શરુ કરી દેતા હોય છે!! ..અને સાંત્વના આપવાવાળા બાકી બધા બીજા દિવસથી પોતપોતાના કામધંધે લાગી જતા હોય છે!

મૃત્યુને સ્વીકારવા માટે આ માત્ર એક પગદંડી છે. આનાથી સહેલો રસ્તો સો ટકા કોકની પાસે હશે!! મૃત્યુનો સ્વીકાર એની સાથે સંવાદ કરાવે, બાકી વિરોધ તો ....ભય અને વિવાદ સિવાય બીજું કશું જ ના કરે!!

-યજ્ઞેશ રાજપુત (લ.તા. ૧૧-૧૨-૨૦૧૬)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો